છોટાઉદેપુર જિલ્લામાં ગોબરધન
યોજના હેઠળ ૧૦૨ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત
અહેવાલ: મનિષ બ્રહ્મભટ્ટ (માહિતી મદદનીશ)
પ્રધાનમંત્રી મોદીસાહેબની ઉજજવલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા હતા પરંતુ ગોબરધન યોજના હેઠળ બાયોગેસ પ્લાન્ટ બનાવથી હવે મારે ગેસ સિલિન્ડર રિફિલિંગના રૂા. ૧૨૦૦ની મહિને બચત થાય છે એમ ગોગડિયા ગામના ગોબરધન યોજનાના લાભાર્થી સ્નેહાબેન રાઠવાએ જણાવ્યું હતું.
વર્ષ ૨૦૨૧માં કેન્દ્ર સરકાર દ્વારા ગોબરધન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ઘરેલુ વપરાશ માટે બાયોગેસ પ્લાન્ટ બનાવી આપવામાં આવે છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ ગોબરધન યોજનાનું કાર્યાન્વયન કરવામાં આવી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં ગોબરધન યોજના હેઠળ ૨૨૧ બાયોગેસ પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૦૨ બાયોગેસ પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન પૂર્ણ કરી કાર્યરત કરી દેવામાં આવ્યા છે.
આગળ વાત કરતા સ્નેહાબેને જણાવ્યું હતું કે, અગાઉ અમે પરંપરાગત ઇંધણનો ઉપયોગ કરીને રસોઇ કરતા હતા. લાકડાથી ચૂલો સળગાવી રસોઇ કરતી વખતે ધુમાડાને કારણે આંખોમાં બળતરા થવી તેમજ અન્ય તકલીફો થતી હતી. બાદમાં ઉજજવલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર મળ્યો હતો. ગેસ સિલિન્ડર રિફિલ કરવામાં માટે મહિને ૧૨૦૦ રૂપિયા જેટલો ખર્ચ થતો હતો.
અમારા સખીમંડળની બહેનોને ગોબરધન યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. મારો વ્યવસાય ખેતી અને પશુપાલનનો હોઇ મને બાયોગેસ પ્લાન્ટ અનુકૂળ આવશે એમ લાગતા મેં બાયોગેસ પ્લાન્ટ માટે અરજી કરી હતી. પ્લાન્ટ ઇન્સ્ટોલ થયાના ૨૫ દિવસમાં જ ગેસ બનવાનું શરૂ થઇ ગયું હતું. આજે અમે રસોઇ કરવા માટે બાયોગેસનો ઉપયોગ કરીએ છીએ.
બાયોગેસમાં મોટેભાગે ગાય ભેંસના છાણનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લાન્ટમાં લાગેલા બલુનમાં ગેસનો ભરાવો થાય ત્યારે એમાંથી સ્લરી બહાર નિકળે છે આ સ્લરીનો ખાતર તરીકે ઉપયોગ કરી અમે શાકભાજી અને અનાજ પકવવા માટે કરીએ છીએ એમ તેમણે જણાવ્યું હતું.
સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી ગોબરધન યોજના થકી સ્વચ્છતાનો આશય તો બર આવે જ છે સાથો સાથ પર્યાવરણપ્રિય સ્વચ્છ ઇંધણ પણ મળી છે. પશુઓના છાણમાંથી બનાવવામાં આવતા છાણાને સળગાવવાથી ધુમાડો ઉત્પન્ન થાય છે જેનાથી પર્યાવરણ દૂષિત થાય છે એ જ છાણનો બાયોગેસમાં ઉપયોગ કરવાથી પ્રદૂષણમાં ઘટાડો થાય છે. તેમજ ખેતી માટે કાળા સોના તરીકે ઓળખાતા છાણિયું ખાતર પણ મળી રહે છે.
આ અંગે વધુ માહિતી માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, છોટાઉદેપુર ખાતે સ્વચ્છ ભારત મિશન યોજના આઇ.ઇ.સી કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અંકિતભાઇ ડાભીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ૨૦૨૧માં કેન્દ્ર સરકાર દ્વારા ગોબરધન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત બાયોગેસ પ્લાન્ટ બનાવવા માટે કુલ યુનિટ કોસ્ટ ૪૨૦૦૦ રૂપિયા થાય છે. પરંતુ સરકાર દ્વારા ૩૭૦૦૦ રૂપિયાની સબસીડી આપવામાં આવે છે. લાભાર્થીએ માત્ર ૫૦૦૦ રૂપિયાનો લોકફાળો ભરવાનો થાય છે એમ કહ્યું હતું.
પ્લાન્ટની બનાવટ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, પ્લાન્ટ બનાવવા માટે ૬ ફુટ ઉંડો ખાડો કરવામાં આવે છે. આ ખાડો તૈયાર થઇ ગયા બાદ પ્લાસ્ટિકનું બલુન અને બીજી અન્ય જરૂરી સામગ્રી ઇન્સ્ટોલ કરવામાં આવે છે. જે પ્લાસ્ટિકના બલૂનનો ઉપયોગ કરવામાં આવે છે એનું મટિરિયલ હોટ એર બલૂનના મટિરિયલ જેટલું જ મજબૂત હોય છે. આ બલૂનને ઠંડી, ગરમી, વરસાદ કે આગથી પણ નુકસાન થતું નથી એમ જણાવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લામાં કાર્યરત બાયોગેસ પ્લાન્ટની સફળતાથી પ્રેરાઇને હવે લોકો સામેથી પૂછપરછ કરવા માટે આવે છે એમ તેમણે જણાવ્યું હતું.
સમગ્ર વિશ્વ જયારે કલીન એનર્જી ગ્રીન એનર્જીની દિશામાં કામ કરી રહ્યું છે ત્યારે ગોબરધન યોજના થકી ભારતે કલીન એનર્જી ગ્રીન એનર્જીની દિશામાં મકકમ ડગ માંડયા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


