પેટા
જેતપુરથી રાજકોટ વચ્ચે બાયોડિઝલનું વેચાણ કરતા વેપારીઓનો “સેમ્પલ”નો નવતર પ્રયોગ !
પેટા
રાજકોટ જિલ્લા પુરવઠા તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં હોવાના આક્ષેપો
જેતપુર, તા.10
જેતપુર થી રાજકોટ વચ્ચે બેફામ ચાલી રહેલા બાયોડીઝલના વેચાણમાં હવે આવા વેપલા સાથે સંકળાયેલા વેપારીઓએ નવતર પ્રયોગ ચાલુ કરીને બાયોડીઝલનું ધમધોકાર વેચાણ ચાલુ કર્યું છે.
જાગૃત લોકો કહે છે કે જેતપુર અને રાજકોટ વચ્ચે કાગવડના પાટીયા ઉપરાંત ગોમટા ચોકડી તેમજ ગોંડલ આઈ.ટી.આઈ પાસે આવેલ રાજ ખોડલ હોટલ ની બાજુમાં સિવાય આ રોડ ઉપર ઘણી જગ્યાએ બાયોડીઝલનું વેચાણ થઈ રહ્યું છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે હવે બાયોડીઝલનું વેચાણ કરતા લોકો બાયોડીઝલનું સેમ્પલ લઈને રાજકોટથી જેતપુર વચ્ચેના ટોલનાકા સિવાયના સ્થળોએ ઉભા રહે છે.
રોડ ઉપર કોઈપણ જગ્યાએ ઊભેલા વાહનો પાસે પહોંચીને બાયોડીઝલના સેમ્પલ બતાવે છે અને સસ્તુ બાયોડીઝલ ખરીદવા વાહન ચાલકોને આગ્રહ કરવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે જેતપુરથી રાજકોટ વચ્ચે શરૂ થયેલા બાયોડીઝલના વેચાણ અંગે અખબારી અહેવાલો વહેતા થયા હોવા છતાં લાગતું વળગતું પુરવઠા ખાતું હજુ પણ ઘોર નિંદ્રામાં હોવાનું સાબિત થઈ રહ્યું છે.
અંગેની મુજબ જેતપુરથી રાજકોટ વચ્ચે થોડો સમય બંધ રહેલું બાયોડીઝલનું વેચાણ ફરી જોર સૌથી થવા લાગ્યું છે. પોતાનું નહીં પરંતુ બીજાનું વાહન ચલાવતા ડ્રાઇવરો આવું બાયોડીઝલ ખરીદીને વાહનોના એન્જીનને બગાડી રહ્યા છે. પરંતુ જો ખુદ માલિક નાનું મોટું વાહન ચલાવતો હોય તો તેવા લોકો પોતપોતાના વાહનમાં બાયોડીઝલ ભરાવતા નથી.
પરંતુ અન્ય ડ્રાઇવરો દ્વારા સસ્તા બાયોડીઝલની ધૂમ ખરીદી થઈ રહી છે. આવું બાયોડીઝલ બનાવતા તત્વોને હજારો રૂપિયાનો ફાયદો થાય છે. ખરેખર તો બાયોડીઝલના વેચાણ પર પ્રતિબંધ લાદી દેવાયેલ છે. ભૂતકાળમાં છેક ગાંધીનગરથી હુકમ થતા રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા રાજકોટ જિલ્લામાં ચાલતા આવા બાયોડીઝલના વેપારને સદંતર બંધ કરાવી દીધા હતા.
પરંતુ બાયોડીઝલના વેચાણ સાથે સંકળાયેલા તત્વોએ લાગતા વળગતા સત્તાધિશોને જાણે આર્થિક નિવેદ ધરીને સેટિંગ કરી લીધું હોવાનું સાબિત થઈ રહ્યું છે. કારણ કે હાલના દિવસોમાં જેતપુરથી રાજકોટ સુધીમાં અનેક જગ્યાએ બાયોડીઝલનું વેચાણ ચાલુ થઈ ગયું છે.
જાણકારો કહે છે કે જ્યાં બાયોડીઝલ વેચાય છે ત્યાં વાહન ચાલકો ઉભા રહેવામાં ડર અનુભવતા હોવાથી હવે બાયોડીઝલનું વેચાણ કરતા વેપારીઓએ માણસો રાખીને બાયોડીઝલના સેમ્પલ સાથે રોડ ઉપર ઉભા રાખી દીધા છે. આવા સમયે વાહનો નીકળે તો તેમને રોકીને બાયોડીઝલના સેમ્પલ બતાવાય છે અને બાયોડીઝલ ખરીદવા આગ્રહ કરવામાં આવે છે.
પેટ્રોલ અને ડીઝલ કરતા બાયોડીઝલ સસ્તું મળતું હોવાથી ઘણી વખત વાહન ચાલકો બાયોડીઝલ ખરીદી લે છે. પરંતુ બાયોડીઝલથી જે તે વાહનોના એન્જિન ખરાબ થઈ જતા હોવાની વાત ડ્રાઈવરો જાણતા નથી હોતા એટલે માટે વાહન ચાલકો બાયોડીઝલની ધૂમ ખરીદી કરી રહ્યા છે.
બોક્સ : ગાંધીનગર સુધી રજૂઆતો માટે જાગૃત લોકોની તૈયારીઓ
જે તે વાહનોના એન્જિનનું સત્યનાશ કાઢી નાખતા બાયોડીઝલનું વેપાર તાકીદે બંધ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા જાગૃત લોકો તૈયાર થયા છે. આ બાબતે નામ ના આપવાની શરતે અમુક યુવાનો હોય તો એવું પણ જણાવ્યું કે હવે સ્ટેટ મોનેટરીંગ સેલને તેમજ ગાંધીનગર ખાતે પુરવઠા તંત્રને આવા ગેરકાયદેસર બાયોડીઝલના વેપાર બાબતે રજૂઆતો કરવામાં આવશે. કારણ કે બાયોડીઝલ વેચાણની ફરિયાદ પછી પણ રાજકોટ જિલ્લા કલેકટર કે ડેપ્યુટી કલેક્ટર સહિતના પુરવઠા તંત્રએ હજુ પણ આ બાબતે તપાસ કરવાની કોઈ તસ્દી લીધી નથી. પરિણામે આવા વેપલાને પ્રોત્સાહન મળે છે. ત્યારે સમય જ બતાવશે કે જેતપુરથી રાજકોટ વચ્ચે શરૂ થયેલ બાયોડીઝલનું વેચાણ બંધ થશે કે નહીં.


