પાટણ
બિહારમાં ફરી એકવાર નકલી દારૂ પીવાની મોટી ઘટના સામે આવી છે. મોતિહારીમાં નકલી દારૂ પીવાથી ૮ લોકોના મોત થયા છે, જ્યારે છ લોકોએ આંખોની રોશની ગુમાવી છે. આ તમામની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓએ પોતે જ ડોકટરોને કહ્યું કે તેઓએ આલ્કોહોલ પીધો ત્યારબાદ તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. દર્દીઓના આ નિવેદન બાદ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઝેરી દારૂ પીને જ આ લોકોની હાલત બગડી છે. મોતિહારી સદર હોસ્પિટલમાં તૈનાત એક ડોક્ટરે જણાવ્યું કે દર્દીઓએ દારૂ પીધો હોવાનું સ્વીકાર્યું છે. જાેકે પ્રશાસન પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને બિસરા તપાસ રિપોર્ટ આવવાની રાહ જાેઈ રહ્યું છે. મોતિહારી અને મુઝફ્ફરપુર સિવિલ સર્જને પહેલા તેને ડાયેરિયા કહીને શંકાસ્પદ મૃત્યુ ગણાવ્યું હતું, પરંતુ જ્યારે દર્દીઓએ દારૂ પીવાની અને આંખમાં કંઈ ન દેખાતું હોવાની વાત કહી ત્યારે ડૉક્ટરોની શંકા વધુ ઘેરી બની. હાલમાં દાખલ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે ઘટના બાદ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. ઉતાવળમાં ડૉક્ટરોની ટીમ ગામમાં મોકલવામાં આવી છે. ટીમ ગામમાં દરેક સભ્યોની તપાસ કરી રહી છે. જે પણ શંકાસ્પદ જણાશે, તેને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યો છે.