કલેકટર ડો.જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો જોડાયા
સેવા અને શ્રમનું દાન કરવા ધારાસભ્ય કાળુભાઈ ડાભીનો જાહેર અનુરોધ
યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત આજે વિવિધ યાત્રાધામ ખાતે રાજ્યવ્યાપી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું ત્યારે બોટાદના સાળંગપુર મંદિર ખાતેથી ધંધૂકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા કલેકટર ડૉ.જીન્સી રોય સહિતના મહાનભાવોએ સાળંગપુર મંદિર અને BAPS મંદિર સહિત આસપાસના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરીને સેવા અને શ્રમનું દાન કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.
આ તકે ધારાસભ્ય કાળુભાઈએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર ગુજરાતમાં ધર્મ સ્થાનોમાં સફાઈ ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આપણે બધા જ સ્વચ્છતા અભિયાનમાં સાથે રહીને કાયમ સ્વચ્છતા જળવાઈ તે માટે પ્રયત્નો કરીએ એવો હું સૌને અનુરોધ કરૂં છું.
આ સફાઇ અભિયાનમાં સાળંગપુર ગામનો મુખ્ય હાઈવે, પ્રાથમિક શાળા, સાળંગપુર ગામના મુખ્ય રસ્તાઓ અને મંદિરના આસપાસના સ્થળો સહિતના વિસ્તારોને આવરી લેવાયા હતાં. આ અવસરે સફાઈના સાધનો અને કિટ્સનુ પણ વિતરણ કરાયું હતું.
આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણીયા, નિવાસી અધિક કલેકટર મુકેશ પરમાર સહિત જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ, સ્થાનિક સ્વયંસેવકો તેમજ નાગરિકો આ સફાઇ અભિયાનમાં સહભાગી બન્યાં હતાં.
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ