બેજોડ બોટાદના અજોડ આસ્થાસ્થાનકો” અને “બેનમૂન બોટાદ” પુસ્તિકામાં આલેખવામાં આવી છે બોટાદ જિલ્લાની ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસત વિશે સચિત્ર માહિતી
બોટાદ ખાતે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલી બે પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા તેમજ નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમારના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલી બંને પુસ્તિકાનું સંપાદનકાર્ય જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક રાધિકા જે.વ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે તેમજ આ પુસ્તિકાઓના સહ સંપાદક જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ સુનિલભાઈ મકવાણા તેમજ હેમાલી ભટ્ટ છે. પ્રથમ પુસ્તિકા બેજોડ બોટાદના અજોડ આસ્થાસ્થાનકોમાં બોટાદ જિલ્લાના ધર્મ સ્થાનકો વિશેની માહિતી આપવામાં આવી છે.બોટાદ જિલ્લો સૌરાષ્ટ્ર પંથકમાં ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો જિલ્લો માનવામાં આવે છે.આ પુસ્તિકામાં આપેલી બોટાદ જિલ્લાની ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસત વિશે સચિત્ર માહિતી બોટાદ જિલ્લાને જાણવા અને માણવા ઇચ્છતા ધર્મપ્રેમી અને કલા પ્રેમી નાગરિકો માટે રસપ્રદ બની રહેશે. આ પુસ્તિકામાં બોટાદ જિલ્લામાં ઉજવવામાં આવતાં મેળાઓ તેમજ બોટાદ જિલ્લાના સાહિત્યકારો વિશેની બાબતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે સાહિત્યપ્રેમી જનતા માટે નવલું નજરાણું બની રહેશે.જ્યારે અન્ય પુસ્તિકા બેનમૂન બોટાદમાં બોટાદ જિલ્લાની વિકાસયાત્રાને આલેખવામા આવી છે. આ જિલ્લા પરિચય પુસ્તિકામાં જિલ્લાની વિશેષતાઓને આવરી લેવામાં આવી છે. જેમાં જિલ્લા વહીવટીતંત્રના તમામ વિભાગોના વિશિષ્ટ કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરાંત આ પુસ્તિકામાં જિલ્લા વહીવટીતંત્રની સાફલ્યગાથાઓ પણ આવરી લેવામાં આવી છે. જ્યારે જિલ્લાના પરિચયની જ વાત થાય છે ત્યારે બોટાદ જિલ્લો જેનાથી ઓળખાય છે તેવી બોટાદ જિલ્લાની વિશિષ્ટ વાનગીઓને પણ આ પુસ્તિકામાં સમાવી લેવામાં આવી છે તો જિલ્લાના ખેલરત્નો તેમજ કલારત્નોનો પણ વિશેષ ઉલ્લેખ આ પુસ્તિકામાં કરાયો છે.
આ પુસ્તિકાના વિમોચન કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય મહંત શંભુપ્રસાદજી ટુંડીયા, કાળુભાઇ ડાભી, શ્રી ડી. કે. સ્વામી, રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ રાજકુમાર, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા, અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશ, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્રસચિવ અશ્વિની કુમાર, જિલ્લાના પ્રભારી સચિવ સંજીવ કુમાર સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો, સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા…
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ


