આ એજ અલ્હાદપુરા છે જયાંથી જવાન તુલસીભાઇ બારીયા અકસ્માતે ડ્યુટી દરમ્યાન શહીદ થયા હતા!
જે ગામની માટીનો એક લાલ શહીદ થયો ત્યાંથી બીજા જવાન તૈયાર થવા પાછળ શહીદ તુલસીભાઇની પ્રેરણા કારણભૂત ગણાવતા ગ્રામજનો!
બોડેલી તાલુકાના અલહાદપુરા ગામનો યુવાન સતપાલભાઈ બારીયા આર્મી જવાન તરીકે ટ્રેનિંગ લેવા માટે ગામથી રવાના થતા આખુ અલ્હાદપુરા ગામ તેઓને વિદાયમાન આપવા માટે એકત્રિત થયું હતું.આપને જણાવી દઈએ કે, આ જ અલહાદપુરા ગામમાંથી ગત વર્ષે આર્મી જવાન તુલસીભાઈ બારીયા એક અકસ્માતમાં વીરગતિ પામ્યા હતા અને શહીદ થયા હતા.અલ્હાદપુરા ગામમાંથી દેશની સરહદની સુરક્ષા માટે અમર જવાન શહીદ તુલસીભાઈ બારીયાથી પ્રેરિત થઈ નવા યુવાનો તૈયાર થઈ રહ્યા છે. એમાંથી સતપાલ બારીયાએ ઓરસંગ માતાના લાલ અને અલ્હાદપુરા ભૂમિના પનોતા પુત્ર તરીકે માતૃભૂમિના રક્ષણ માટે બોર્ડર ઉપર પહોંચતા આખું ગામ તેમને વિદાય માન આપવા એકત્રિત થયું તે સમયે ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા.
અલ્હાદપુરા ગામમાંથી આર્મી જવાન તરિકે નિયુક્ત થયેલા સતપાલ બારીયાએ ટ્રેનિંગ લેવા માટે રવાના થતા અમર જવાન સ્વર્ગસ્થ તુલસીભાઈ બારીયાના શહીદ સ્મારક પાસે સરપંચ રમેશભાઇ બલુભાઈ બારીયા સહિતના ગામના આગેવાનો મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ તેઓનો વિદાય સમારંભ યોજ્યો હતો.સતપાલભાઈએ આ પ્રસંગે સર્વ પ્રથમ સ્વ. તુલસીભાઈ બારીયાની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી તેઓને વંદન કર્યા હતા. તેઓના આશીર્વાદ લીધા બાદ ગ્રામજનોએ વિદાય માન આપતા ફૂલોની માળાઓ તેમજ પુષ્પગુચ્છ વડે ઉષ્માભર્યું વિદાયમાન આપ્યું હતું. આ પ્રસંગે શહીદ તુલસીભાઈ બારીયાના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તે સહિત ગામના યુવાનો પણ આ પળો દરમિયાન એક જવાન બોર્ડર પર અકસ્માતે શહીદ થયો છે ત્યારે તેમનાથી જ પ્રેરિત બીજા જવાન માતૃભૂમિ ની રક્ષા માટે અલ્હાદપુરાની ભૂમિ પરથી તૈયાર થઈ હથિયારો સાથે બોર્ડર પર દેશ તેમજ દેશવાસીઓની રક્ષા માટે તૈયાર થઈ ગયા છે ત્યારે ગર્વની લાગણી અનુભવતા ઉત્સાહભેર વિદાયમાન આપવામાં આવ્યું હતું.
બોક્સ 1
સતપાલ બારીયા આર્મી ટ્રેઇનીંગ માટે જઇ રહ્યા છે.તેમની ભાવિ કારકિર્દી માટે અમે શુભેચ્છાઓ પાઠવી છે.ગામમાંથી નવા છોકરાઓ આર્મી જવાન બનવા થનગની રહ્યા છે.તે અમારા માટે ગર્વની બાબત છે.
બોક્સ 2
શહીદ તુલસીભાઇથી પ્રેરણા લઇ નવા યુવાનો આર્મી માટે તૈયાર થઈ રહ્યા છે
શૈલેષ બારીયા, આગેવાન મુ.અલ્હાદપુરા
સતપાલભાઇ રેડિયો ઓપરેટર – હવાલદાર તરીકે આર્મીમાં નિયુક્ત થયેલા છે.સ્વ.તુલસીભાઇની પ્રેરણાથી નવયુવાનોમાં નવી ચેતનાનો સંચાર થયો છે.એટલેજ નવા નવા યુવાનો પણ તૈયાર થઈ રહ્યા છે.આર્મી ટ્રેઇનીંગ માટે જઇ રહેલા સતપાલ બારીયાને અઢળક શુભેચ્છાઓ પાઠવીએ છીએ.
બોક્સ 3
ભાવ વિભોર દ્રશ્યો સર્જાયા!
અમર જવાન તુલસીભાઇ બારીયાના પરિવારજનોની આંખોમાંથી આંસુ સરી પડ્યા!
આ એજ અલ્હાદપુરા છે કે જ્યાંથી એક જવાન શહીદ થયો છે અને આ જ ગામની માટીમાંથી નવો લાલ સરહદ પર, દેશના સીમાડા પર દેશની અને દેશવાસીઓની સુરક્ષા કાજે ગ્રામમાંથી ટ્રેનિંગ માટે નાગાલેન્ડ બોર્ડર પર રવાના થઈ રહ્યો છે. ત્યારે અમર શહીદ જવાન તુલસીભાઈ બારીયાના પરિવારજનોની આંખોમાંથી આ દ્રશ્યો જોઈ અશ્રુધારાઓ વહેવા લાગી હતી.તેમને તુલસીભાઇની યાદ આવી ગઇ હતી. એક તરફ ગામમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ પણ હતો ત્યારે બીજી તરફ એક પરિવાર અમર શહીદ ની યાદમાં ગમગીન બનીને સરહદ પર જતા જવાનને વિદાયમાન આપતા હોય તેવા હૃદય દ્રાવક દ્રશ્યોએ ભાવનાત્મક માહોલ સર્જ્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


