૧૭ એપ્રિલે યોજાનાર બોડેલી બજાર સમિતિની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું… ખેડૂત વિભાગમાં ૨૧ ઉમેદવારો અને વેપારી વિભાગમાં ૮ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જ્યારે મંડળી વિભાગ ની બંને બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી…
ખેડૂતોના હિતોના રક્ષણ માટે ગુજરાતમાં સૌપ્રથમ સન્ ૧૯૩૯માં બોડેલી ખાતે સ્થપાયેલ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, બોડેલીનાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સામાન્ય ચૂંટણી આગામી ૧૭મી એપ્રિલ ના રોજ યોજાનાર હોય આજે તેના ઉમેદવારી પત્રો પરત ખેંચવાના દિવસે ૮૦૧ મતદારો ધરાવતા ખેડૂત મત વિભાગ ની ૧૦ બેઠકો માટે કુલ ૩૩ ઉમેદવારી પત્રો પૈકી આજે ૧૨ ઉમેદવારી પત્રો પરત ખેંચાતા ૨૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે અને ૯૭ મતદારો ધરાવતા વેપારી મત વિભાગની ૪ બેઠકો માટે 13 ઉમેદવારી પત્રો પૈકી પાંચ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચતા હવે આઠ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જ્યારે ૩૩૧ મતદારો ધરાવતા ખરીદ વેચાણ મંડળી વિભાગની ૨ બેઠકો માટે ૧૧ ઉમેદવારી પત્રો ભરાયા હતા જેમાંથી ૯ ઉમેદવારી પત્રો પરત ખેંચાઈ જતા આ મંડળી વિભાગની બંને બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે જેમાં યશપાલસિંહ ગોવિંદસિંહ ઠાકોર અને બજાર સમિતિના વર્તમાન ઉપપ્રમુખ કૌશિક કુમાર મનહરભાઈ પટેલ નો સમાવેશ થાય છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા બજાર સમિતિ બોર્ડ ઓફ ડિરેક્ટરસની સોળે સોળ બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા જેમાં મંડળી વિભાગમાં જાહેર કરેલા યશપાલસિંહ ઠાકોર અને સુશીલકુમાર અરવિંદભાઈ પટેલ ના નામો જાહેર થયા હતા પરંતુ કોક કારણોસર સુશીલભાઈ અરવિંદભાઈ પટેલે નામ જાહેર થયું હોવા છતાં પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હોય ચર્ચાનો વિષય બન્યો હતો.
આમ હવે બોડેલી બજાર સમિતિના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ૧૬ બેઠકો પૈકી ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે ૨૧ ઉમેદવારો અને વેપારી વિભાગની ૪ બેઠકો માટે ૮ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ મંડાશે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર