Gujarat

બોર્ડની પરીક્ષાને લઇને શિક્ષણમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઇ

પરીક્ષાનું સુચારુ આયોજન થાયવિદ્યાર્થીઓ ભય મુક્ત પરીક્ષા આપે તેવા વાતાવરણનું નિર્માણ કરવું – મંત્રીશ્રી

જૂનાગઢ અધિક જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષાના આયોજન અંગે અધિકારીઓને સૂચના આપવામાં આવી

જૂનાગઢ તા.૦૩ માર્ચ, ૨૩ (ગુરુવાર) આગામી તા.૧૪/૦૩/૨૦૨૩ થી બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષા શરુ થશે. બોર્ડની પરીક્ષાના આયોજનને લઇને શિક્ષણમંત્રીશ્રી કુબેર ડિંડોર અને રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પરીક્ષાની સમીક્ષા બેઠક યોજાઇ હતી.  આ વિડીયો કોન્ફરન્સમાં

જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી, જૂનાગઢ અધિક જિલ્લા કલેક્ટરશ્રી એલ.બી.બાંભણિયા, જિલ્લા શિક્ષણાધિકારી વાઢેર, પ્રાથમિક શિક્ષણાધિકારી ઘુંચલા, ડાયેટના પ્રાચાર્યશ્રી, શિક્ષણ સંઘના પ્રમુખ, મંત્રીઓ અને એવોર્ડ વિજેતા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં શિક્ષણમંત્રીશ્રી કુબેર ડિંડોરે જણાવ્યુ હતુ કે, તમામ પરીક્ષા કેન્દ્રોમાં સારી રીતે પરીક્ષા લેવાઇ તેવું આયોજન કરવું, કોઇ પણ વિદ્યાર્થી પરીક્ષાના સમય કરતા પેપર પુરું કરી વહેલા ન નીકળી જાય તેની તકેદારી રાખવી, કોઇ પણ વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર પર મોડા ન પહોંચે તે માટે વાહન વ્યવહાર માટે એસ.ટી.વિભાગને એકસ્ટ્રા બસ અને નવા રુટ પર બસો દોડાવવા કહ્યુ હતુ. તેમજ કોઇ પણ વિદ્યાર્થીઓ કે વાલીઓને સમસ્યા હોય તો હેલ્પલાઇન નંબર પરથી મદદ મેળવી શકશે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, કોઇ પણ ઘટના કે, સમસ્યા ઉભી ન થાય તે માટે વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓને તકેદારીની સૂચના આપી હતી. ખોટી અફવાઓ ન ફેલાય તેનું ધ્યાન રાખવું તથા પરીક્ષાનું સુચારુ આયોજન થાય અને વિદ્યાર્થીઓ ભય મુક્ત પરીક્ષા આપે તેવા વાતાવરણનું નિર્માણ થાય તે જોવા જણાવ્યુ હતુ.  બોર્ડની પરીક્ષા અંગે જૂનાગઢ અધિક જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાના અધિકારીશ્રીઓને જણાવ્યુ હતુ કે, પરીક્ષા સંચાલન માટે રાખવાની સાવચેતી અંગે આપવામાં આવેલી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું, પરીક્ષા સંબંધિત  તૈયારીની રુપરેખા, વિદ્યાર્થી સંખ્યા, કેન્દ્રોની સંખ્યા, બ્લોક વ્યવસ્થા વગેરે, તમામ પરીક્ષા સ્થળો ઉપર ઉપલબ્ધ સી.સી.ટી.વી વ્યવસ્થા ચાલુ હાલતમાં હોય તેની ચકાસણી થાય તે સુનિશ્વિત કરવું, પરીક્ષા કેન્દ્રો અને ઝોનલ કચેરી ખાતે કાયદો અને વ્યવસ્થા, સીઆરપીસી કલમ-૧૪૪ પરીક્ષા સ્થળથી ૧૦૦ મીટર અંતરે ઝેરોક્ષ પ્રતિબંધ અને પરીક્ષા સ્થળમાં અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ અંગેના જાહેરનામા પ્રસિદ્વિ કરવા, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ વાહન વ્યવહારની સગવડો, સતત વીજ પૂરવઠો ચાલુ રહે તે માટેના આયોજન સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

જૂનાગઢ જિલ્લામાં એસ.એસ.સી.માં ૧૮ પરીક્ષા કેન્દ્રોના ૮૭ બિલ્ડીંગના ૮૧૨ બ્લોકમાં ૨૫,૭૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એચ.એસ.સી.(સા.પ્ર)માં ૧૧ પરીક્ષા કેન્દ્રોના ૫૫ બિલ્ડીંગના ૫૦૩ બ્લોકમાં ૧૫,૮૦૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ એચ.એસ.સી.(વિ.પ્ર.)ના ૩ પરીક્ષા કેન્દ્રોના ૧૫ બિલ્ડીંગના ૧૫૬ બ્લોકમાં ૩,૦૪૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

જૂનાગઢ જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષા જૂનાગઢ અને કેશોદ એમ બે ઝોનમાં પરીક્ષા લેવાશે. તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સી.સી.ટી.વી. કેમેરાની દેખરેખ રહેશે. તેમજ જૂનાગઢ જિલ્લામાં બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઇ તે માટે હેલ્પલાઇન નંબર, કાઉન્સેલરો અને વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓ દેખરેખ રાખશે.

board-exam-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *