Gujarat

ભગવાનની આઠ પ્રકૃતિ અને તેના કાર્યો..

શ્રીમદ ભગવદ ગીતા(૭/૪)માં ભગવાન કહે છે કે ભૂમિ(પૃથ્વી) જળ(પાણી) અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર એવી આઠ પ્રકારની ભિન્ન ભિન્ન મારી પ્રકૃતિ છે.આ અષ્ટધા પ્રકૃતિને કાબુમાં રાખે તેને મોક્ષ-મુક્તિ મળે છે.પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થાય છે તે કૃતાર્થ બને છે.મોક્ષ એટલે ભવભવના બંધનમાંથી મુક્ત થવું.મોહનો ક્ષય થવો એ મોક્ષ છે.મોહમાં કામ, ક્રોધ, લોભ વગેરે દોષો અને આસક્તિ,મમત્વ આદિ વિકારોનો સમાવેશ થાય છે.સંસારના પાત્રો, વસ્તુઓ, ક્રિયાઓ, ઇચ્છાઓ વગેરે બંધનોથી અને દેહભાવના બંધનમાંથી નીકળી જીવનો ભગવાન સાથે બંધન થાય તે મોહનો ક્ષય થયો કહેવાય.ભગવાનની જેટલી સમીપે જવાય તેટલો જીવનો મોક્ષ થાય છે.જુદી જુદી વ્યક્તિઓ માટે મોક્ષનો અર્થ જુદો જુદો થાય છે. આધ્યાત્મિક માર્ગમાં એક જ અર્થમાં સિમિત થઇ જાય છે-મોક્ષ એટલે શાશ્વત આનંદ,બધા દુ:ખોમાંથી કાયમનો છૂટકારો.ટૂંકમાં કહીએ તો જેને મોક્ષ મેળવવો હોય તેમને જ્ઞાનવાન થવું જોઇએ.

આરતી પાંચ મહાભૂતોનું સ્મરણ કરાવે છે.આચમની જળતત્વનું પ્રતિક છે.વસ્ત્રં પૃથ્વી તત્વનું પ્રતિક છે.ધૂ૫ વાયુ તત્વનું પ્રતિક છે.દિ૫ક તેજતત્વનું પ્રતિક છે.ઘંટ આકાશતત્વનું પ્રતિક છે.જ્ઞાનેન્દ્રિયો ૫ણ આરતી દ્વારા ઇશ્વરને અર્પણ કરવાની છે.દિ૫ક આંખનું,ઘંટનાદ કાનનું,ધૂ૫ નાકનું,જળ જીભનું અને વસ્ત્ર ત્વચાનું પ્રતિક છે.ભગવાનની આ આઠ પ્રકૃતિને સમજવા જેવી છે.

(૧) પ્રકૃતિનું સૌથી સ્થૂલતત્વ પૃથ્વી છે તેમાંથી અન્ન,ઔષધિ,વનસ્પતિ વગેરેની ઉત્પત્તિ થાય છે. બધું ઉત્પાદીત તત્વ ભૂમિમય છે.આખું જગત ભૂમિમય છે.પૃથ્વી પાસેથી સહનશીલતાનો તથા ક્ષમાશીલતાનો ગુણ લેવાનો છે.પૃથ્વીના એક ભાગને ૫ર્વત કહેવામાં આવે છે.૫ર્વતમાંથી નીકળતી નદીઓ અને વૃક્ષો પાસેથી ૫રો૫કાર કેવી રીતે કરવો? તેનો બોધ લેવાનો છે.

(ર)જળ તત્વ પ્રકૃતિનું બીજું તત્વ છે.ભૂમિ કરતાં આ તત્વનો વિસ્તાર ઘણો છે,તે સૂક્ષ્મ છે.ભૂમિની ઉત્પાદક્તા જળ થકી છે.જળ છે તો અન્ન ઘાસ,વનસ્પતિ,માનવ,પશુ-પક્ષીઓ વગેરે છે.સૂર્ય આપણને માત્ર પ્રકાશ કે ગરમી જ નથી આપતો, આપણા માટે તે અબજો ઘનફુટ પાણી પણ ઊંચકી રહ્યો છે.આવું મહાન કાર્ય કરનાર સૂર્યને દેવ કહેવાય તો તેમાં જરાય કશું ખોટું ન કહેવાય.જળ પ્રવાહી હોવાથી તેની હેરાફેરી શક્ય બની છે.માનો કે તે પણ પૃથ્વી જેવું જ ઘન-નક્કર હોત તો ? સમુદ્રો જ ન હોત,વાદળો જ ન હોત, વૃષ્ટિ જ ન હોત અને જીવન જ ન હોત.

(૩) અગ્નિ જીવન છે.જ્યાં સુધી શરીરનું તાપમાન સામાન્ય છે ત્યાં સુધી જ જીવન છે.તાપમાન વધી જાય તો તાવ ચડે અને ઘટી જાય તો અશક્તિ આવે.કોઇએ તાપમાનનો નિશ્ચિત પ્રોગ્રામ કર્યો છે.તે પ્રમાણે શરીર ચાલે છે.પૃથ્વી ઉપરનું તાપમાન સૂર્યને આધીન છે.સૂર્ય એકાદ કિ.મી. દૂર ચાલ્યો જાય તો પણ જીવન ન રહે અને તેના નિશ્ચિત પૉઈન્ટથી એકાદ કિ.મી. નજીક આવી જાય તો પણ જીવન ન રહે. અગ્નિ મહાશક્તિ છે.તેનાંથી યંત્રો ચાલે છે,વીજળી ઉત્પન્ન થાય છે,વાહનો ચાલે છે,વિમાનો અને મિસાઈલો ચાલે છે.બધું જ અગ્નિથી ચાલે છે.આર્યો સૂર્યપૂજક હતા અને પછી અગ્નિપૂજક પણ થયા.પશ્ચિમવાળાએ અગ્નિને તૃપ્ત કરવા પ્રયત્નો ન કર્યા પણ તેને વશમાં કરવા પ્રયત્નો કર્યા,તેમણે બૉઈલર બનાવ્યાં,ઇધન નાખીને અગ્નિની ઊર્જાને વેડફાતી રોકી,વરાળ પેદા કરી,વરાળે પૈડું ફેરવ્યું,પૈડાએ ભાગ્ય ફેરવી નાખ્યું ! એટલે અગ્નિ દેવ છે કારણ કે તે જ જીવન છે.

(૪) વાયુ અદૃશ્ય છે પણ અનુભવાય છે.પ્રાણીઓ બધાં જ વાયુથી જીવે છે.વાયુ વિના જીવનની શક્યતા જ નથી.વાયુ નક્કર ઘન નથી,પ્રવાહી નથી,સૂક્ષ્મ વહેતો છે.વહેવાથી તે આપોઆપ શુદ્ધ થતો રહે છે.વાયુ પોતે ઊર્જા છે.આપણે ઊર્જાને દેવ માનીએ છીએ અને પછી પૂજીએ છીએ.તે પ્રસન્ન થાય અને આપણાં કામ કરે.જેમાંથી અને જેના વડે સૃષ્ટિ ચાલે છે.વાયુની શક્તિ અમાપ છે,અનંત છે.

કાર્યની દ્રષ્ટિએ પ્રાણના પાંચ નામ છેઃપ્રાણ-હ્રદયમાં રહે છે,અપાન-ગુદા સ્થાનમાં રહે છે,સમાન-નાભિમાં રહે છે,વ્યાન-આખા શરીરમાં રહે છે,ઉદાન-કંઠમાં રહે છે.આ સિવાય પાંચ ઉપપ્રાણ છેઃનાગ કૂર્મ કૃકલ દેવદત્ત અને ધનંજય..નાગથી ઓડકાર આવે છે,કૂર્મથી આંખ મિચાય અને ખોલાય છે,કૃકલથી છીંક આવે છે,દેવદત્તથી બગાસા આવે છે અને ધનંજય ઉપવાયુ તમામ શરીરને પૃષ્ટ કરે છે.

(૫) દૂરદૂર સુધી જેનો અંત નથી તે આકાશ છે.આકાશમાં કરોડો બ્રહ્માંડો રાઈના દાણાની માફક ઘૂમી રહ્યા છે,તે દેખાતું નથી,અનુભવાતું પણ નથી તેમ છતાં તે છે ખરૂં કારણ કે તેનો શબ્દ સંભળાય છે, અનુભવાય છે.માનો કે વિશ્વમાં બધું જ હોય પણ માત્ર શબ્દ જ ન હોય તો? આ શબ્દોમાં ગજબની શક્તિ છે.

(૬) મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે.વિષયાસક્ત મન બધ્ધ અને નિર્વિષય મન જ મુક્ત માનવામાં આવે છે.જેને મનને જીતી લીધું છે તેને જગતને જીતી લીધું.મનનો પૂર્ણ નિરોધ કરવામાં વિષયવિહિન મન જ સમર્થ હોય છે.મન ઇન્દ્રિયાતીત છે.મન ન હોત તો લાગણીઓ ન હોત, જીવન પણ ન હોત.લાગણીહીન જીવનનો શો અર્થ છે? પ્રભુ નામસ્મરણ,પ્રભુરૂપસ્મરણ,પ્રભુ કાર્યસ્મરણ વગેરે દિવ્ય રસોમાં મન રમતું રહે તો તેને રસપૂર્વક એકાગ્રતા અને અંતર્મુખતા પ્રાપ્ત થાય.મનને નિર્મલ બનાવવા દરેકે ૫રમાત્માની અનુભૂતિ કરવી જોઇએ.

માનવ જીવનમાં તમામ સમસ્યાઓ,દુઃખો અને તકલીફોનું પ્રમુખ કારણ મન છે કારણ કે તમામ ઇન્દ્દિયોમાં મન જ મુખ્ય છે.આમ તો કર્મ કરવા માટે પાંચ કર્મેન્દ્રિયો(હાથ પગ મુખ ગુદા અને ઉ૫સ્થ) તથા કોઇ ૫ણ જાણકારી મેળવવા પાંચ જ્ઞાનેન્દ્રિયો(આંખ કાન નાક જીભ અને ત્વચા) આ૫વામાં આવેલ છે પરંતુ કોઇપણ કર્મેન્દ્રિય કે જ્ઞાનેન્દ્રિય મનના આદેશ વિના કામ કરી શકતી નથી.ક્યારેક એવું બને છે કે કોઇ વ્યક્તિ અમારી નજરની સામે જ ૫સાર થાય તેમછતાં અમે તેને જોઇ શકતા નથી.કોઇ વ્યક્તિ અમોને બોલાવે છે તેમ છતાં અમે સાંભળતા નથી,ત્યારે અમોને પૂછવામાં આવે તો અમો કહીએ છીએ કે મેં તે વ્યક્તિને જોયો જ નથી કે મેં તેની બૂમ સાંભળી જ નથી.આનું કારણ એ છે કે આંખો દ્વારા જોવા છતાં તથા કાનો દ્વારા સાંભળવા છતાં અમારૂં ધ્યાન અન્યત્ર હોવાના કારણે જોઇ કે સાંભળી શકતા નથી.આનો અર્થ એ થયો કે મન જ જુવે છે અને મન જ સાંભળે છે,ઇન્દ્રિયો તો નિમિત્તમાત્ર છે.માનવ શરીરમાં મન જ સમ્રાટ છે.શરીરની તમામ ઇન્દ્રિયો મનના ઇશારે જ કામ કરે છે.

(૭) બુદ્ધિ એટલે પક્ષ-વિપક્ષનો વિચાર કર્યા પછીની નિર્ણય કરવાની ક્ષમતા.

પાત્રભેદથી બુદ્ધિના છ પ્રકાર છે.કાચી બુદ્ધિ-જેને બાળબુદ્ધિ પણ કહેવાય છે.કાચી બુદ્ધિના ત્રણ લક્ષણો છે:ટૂંકું દેખાય,જે પહેલું કહે તેનું માની લે અને કોઇની સલાહનો ઉતાવળીયો-ખોટો નિર્ણય કરે. મોટાભાગની સ્ત્રીઓમાં પણ આ ત્રણ ક્ષતિઓ હોય છે.કાચી બુદ્ધિથી રાજ કે મોટા કાર્યો ન કરાય..

ભોળી બુદ્ધિ-તેને કહેવાય જે તરત જ ગમે તેના ઉપર વિશ્વાસ કરી લે,ચકાસણી ન કરે.બુદ્ધિ ઓછી નથી પણ ભોળી હોવાથી વારંવાર છેતરાતી રહે છે,ખંધા લોકો તેનો ગેરલાભ ઉઠાવે છે..

લુચ્ચી બુદ્ધિ-બધાને છેતરવામાં જ પોતાને ધન્ય માને છે,પ્રત્યેક બાબતમાં તે લુચ્ચાઈ કરતી રહે છે..

પાકી બુદ્ધિ-અનુભવોથી પરિપક્વ થયેલી બુદ્ધિ કહેવાય છે,તે જલદી છેતરાતી નથી,તે વિકટ પરિસ્થિતિમાં પણ રસ્તો કાઢી શકે છે..

કુબુદ્ધિ-જે પોતે પોતાનું જ અહિત કરે તે કુબુદ્ધિ છે.આવો માણસ જાણી જોઇને પોતે પોતાના પગ ઉપર કુહાડો મારતો હોય છે.

સદબુદ્ધિ-પ્રત્યેક ઘટનાને શુભભાવથી જુએ,જેને શુભ પ્રવૃત્તિઓ જ ગમે તેને સદબુદ્ધિ કહેવાય..આ છ પ્રકારની બુદ્ધિમાંથી જેને જેવી બુદ્ધિ મળી હોય તે તેવો થાય છે.બુદ્ધિને સુધારી શકાય છે.જો વ્યક્તિ પશ્ચાતાપ સાથે સેવા સુમિરણ સત્સંગ કરે તો ધીરેધીરે બુદ્ધિમાં પરિવર્તન થઇ શકે છે.

(૮) ભગવાનની આઠમી પ્રકૃતિ અહંકાર એટલે પોતાના અસ્તિત્વનું સતત ભાન રહેવું.અહીં અહંકાર શબ્દ ‘ઘમંડ’ અર્થમાં નથી.પ્રત્યેક વ્યક્તિને પોતાના હોવાપણાનું જ્ઞાનભાન રહેતું હોય છે તે અહંકાર છે.આ આઠ પ્રકારની પ્રકૃતિઓમાંથી પૂરાં બ્રહ્માંડોની ઉત્પત્તિ થતી હોવાથી તેને પ્રકૃતિ કહી છે.જીવનું મુક્તિમાર્ગનું મોટામાં મોટું વિઘ્ન અહંકાર છે.જે વિશાળ પ્રભુનાં દર્શન કરીને દૂર થાય છે.આપણા અહંકારનું કારણ જીવભાવ છે,જે પ્રભુદર્શનથી દૂર થાય છે.જીવભાવ દૂર થતાં જ તમામ દુઃખ દુર થાય છે.જેનામાં અભિમાન છે,અહંકાર છે તેને મહાન માનવામાં આવતા નથી.મહાન તે છે કે જેનામાં દાસ ભાવના છે,વિનમ્રતા છે,જેના હ્રદયમાં મિઠાસ છે,જેને શુધ્ધ વ્યવહાર કર્યો છે.

અમે જ્યારે સંતોના ચરણોમાં નમસ્કાર કરીએ તે સમયે જો અમારૂં અંતઃકરણ વિરોધ કરે તો સમજી લેવું જોઇએ કે આ વાસ્તવમાં અહંકાર જ છે જે અમોને રોકી રહ્યો છે કારણ કે અહંકાર નમવાનું નહી ૫રંતુ અક્કડ રહેવાનું જાણે છે.અમારા હ્દયમાં આવી ભાવના હોય તો તેને દૂર કરવી જોઇએ.અહંકાર ના આવે તેના માટે નિરંતર સંતોના ચરણોમાં ઝુકતા રહેવું જોઇએ.

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *