જૂનાગઢ શહેરમાં ભવનાથ તળેટી ખાતે તા.૧૫/૦૨/૨૦૨૩ થી તા.૧૮/૦૨/૨૦૨૩ મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે. આ મેળામાં કોઇ અકસ્માતનો બનાવ બનવા ન પામે અને યાત્રાળુઓની અવર-જવર પર નિયમન રાખવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, જૂનાગઢ એલ.બી.બાંભણિયાને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ (આંક-૨૨)ની કલમ-૩૩(૧) (બી) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ જાહેરનામુ બહારપાડીને તા.૧૫/૦૨/૨૦૨૩ થી તા.૧૮/૨/૨૦૨૩ સુધી નીચે જણાવેલ રસ્તાઓ ઉપર લોકોની અવર-જવર કરવા માટે તેમાં જણાવ્યા પ્રમાણેનું નિયમન કરવા ફરમાવેલ છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ (આંક-૨૨) ની કલમ-૧૩૧માં જણાવેલ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામાનાં ભંગ બદલ ગુનો માંડવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.
મહાશિવરાત્રીના મેળા દરમિયાન યાત્રાળુઓને ગીરનાર ઉપર અંબાજી મંદિર સુધી જવા માટે ગીરનારના પગથીયાથી મુખ્ય સીડી ઉપર જઇ શકશે તથા પરત ઉતરવા માટે આ મુખ્ય સીડી બંધ રહેશે.
ગિરનાર પર્વત પરથી ઉતરવા માટે ગૌમુખી ગંગાની જગ્યા પાસેથી ભરતવન-શેષાવનના રસ્તે થઇ જતી સીડી યાત્રાળુઓને ઉતરવા માટે ખુલ્લી રહેશે અને આ સીડીથી ગિરનાર પર્વત ઉપર જઇ શકશે નહીં.
મહાશિવરાત્રીના મેળા દરમિયાન યાત્રાળુઓ વડલી ચોકથી ડાબી બાજુ ભવનાથ મંદિરથી મંગલનાથ બાપુની જગ્યા તરફ જઇ શકશે, જ્યારે વડલી ચોકથી મંગલનાથ બાપુની જગ્યા તરફ જવાનો રસ્તો બંધ રહેશે.
ગિરનાર તળેટીથી પરત ફરતાં ભવનાથ મંદિરથી મંગલનાથ બાપુની જગ્યા તરફ આવતા યાત્રાળુઓ સીધા રસ્તે વડલી ચોક આવી શકશે. પરંતુ મંગલનાથ બાપુની જગ્યાથી કે ભવનાથ તળેટીથી સીધા જ ભવનાથ મંદિર તરફ જઇ શકશે નહીં, પરંતુ વડલી ચોક થઇને ભવનાથ મંદિર જઇ શકશે.
