મન અંજુમન
સ્નેહલ નિમાવત
9429605924
મને ઇતિહાસ વિનાનું નગર મળે ન મળે,
મળે છો નગર, ઘર ભાડા ઉપર મળે ન મળે.
કદી આરામ ના કરતી ને રોજ ઉભરાતી,
અજાણ્યા ગામમાં આવી ગટર મળે ન મળે.
ભલે મળતાં હશે સુખચેન મલક આખામાં,
મફતમાં ભૂખ મારા નગર મળે ન મળે.
તમારા દેશમાં લોકો સજીધજીને ફરતાં,
અમારા લોક સાવ લઘરવઘર મળે ના મળે.
અમારું ગામ વેપારી, બધે વેપાર છે,
નફાની આટલી બીજે અસર મળે ન મળે.
મને મારગ મળે છે ક્યાં આટલા ઉબડખાબડ,
લબડધક્કે થતી એવી સફર મળે ના મળે.
અમે જોયા બધે જગમાં લોક મહેનતકશ,
કદી ના હો વળી એવી કમર મળે ના મળે.
ડૉ. જગદીશ ત્રિવેદી
ડૉ જગદીશ ત્રિવેદી હાસ્યકાર તરીકે જાણીતા અને માનીતા છે.તેમના પ્રતિકાવ્યોનું એક પુસ્તક વાંચ્યું.હાસ્ય સાથે વાસ્તવિકતા રજુ કરવી એ તેમની ખાસ કલા છે.જે આ પુસ્તકમાં સહજે અનુભવાય છે.આ પુસ્તકનું નામ જગદીશ ત્રિવેદીના પ્રતિકાવ્યો છે.જાણીતા કવિની કવિતા પર તેમણે પ્રતિકાવ્યો લખેલા છે.જેની પાછળ તેમનો આશય મુળ કવિની કવિતાને ઠેસ પહોંચાડવાનો બિલકુલ નથી.આ પ્રતિકાવ્ય તેમણે આદિલ મન્સુરીની ગઝલ નદીની રેતમાં રમતું નગર મળે ન મળેના આધારે લખેલું છે. પ્રતિકાવ્યો લખવાના તેમના ત્રણ આશય છે.તેમણે દિલીપભાઇ ગોહિલ સાથેની વાતચીત દરમ્યાન થયેલી વાત અનુસાર પ્રતિકાવ્યો ડી. બી. ગોલ્ડ દૈનિક માટે કોલમ લખવા માટેનો તેમણે પડકાર ઝીલ્યો હતો તે પૂરો કરવાનો હતો. તેમણે એકાવન અઠવાડિયા સુધી આ કોલમમાં તેમની કોલમ કાગળ પર કલા ઉતારી હતી. બીજો આશય પેરોડી દ્વારા નિર્દોષ હાસ્ય સર્જવાનો.ત્રીજો આશય હાસ્યને સાધન બનાવી સમાજનાં દૂષણોને ખુલ્લા કરી કલમકારની ફરજ બજાવવાનો છે.મૂળ કવિની મજાક કે તેમની ગરિમાને ઠેસ પહોંચાડવાનો તેમનો આશય નથી.
ઇતિહાસ વગરનું નગર તો લગભગ ના જ મળે.દરેક નગર પાછળ કંઇકને કંઇક ઇતિહાસ છુપાયેલો જ છે.આપણને અત્યારે નવા નગરમાં ઓળખ ઉભી કરવા જઇએ તો કામ મળી જાય પણ ભાડાનું ઘર ગોતવું મુશ્કેલ છે.કેમકે આજે અજાણ્યા લોકો પર જલ્દી વિશ્વાસ કોઇ મુકતુ નથી. ભાડાનું ઘર ગોતવું મુશ્કેલ હોય છે.મુંબઇ માટે કહેવાય છે ને કે રોટલો મળે પણ ઓટલો ન મળે.કામ સરળતાથી મળી જ જાય છે.ઘર મળવું કપરું હોય છે.
શહેરોમાં ઉભરાતી ગટરોનો પ્રશ્ન આજે વિકટ બન્યો છે.જેને સરળ અને વ્યંગાત્મક રીતે અહીં બખૂબી રજુ કરાયો છે.થોડોક વરસાદ થયો નથી કે પાણી ભરાઇ જાય છે.ગટરો બ્લોક થઇ જાય છે. ગટરોનો મોટો પ્રશ્ન શહેરોના નાગરિકોને સતાવી રહ્યો છે. રોજિંદા જીવનમાં સતાવતો આ અઘરો સવાલ છે.ગમે ત્યારે ગટર ઉભરાય અને નવી નવી મુશ્કેલીઓ સામે આવતી જ રહે છે…
શહેરોમાં જેમ અમીરી વધી છે તેમ ગરીબી પણ વધી છે.જ્યારે કોઇ ભૂખથી ટળવળતુ હોય ત્યારે મનમાં પીડા થાય છે.કોઇ આપણા આંગણે ભુખ્યુ આવે ત્યારે આપણે તેને જમાડીએ એ આપણી નૈતિક ફરજ છે. શહેરોની સામાજીક વ્યવસ્થા પર ઘણા સવાલે ઉભા થાય છે.આજે અમીર વધુ ને વધુ અમીર થતા જાય છે. ગરીબ વધુ ને વધુ ગરીબ.
શહેરોમાં આધુનિકતા વધી ગઇ છે. લોકો ફેશનના નામે કંઇપણ કરે છે. ખરેખર તો તમારું વ્યક્તિત્વ તમારા ગુણોથી થવું જોઇએ.તમારા કપડાથી તમને ઓળખે એ ફક્ત તમારુ સ્ટેટસ અને પૈસા જોઇને આવે. તમારું મન કેટલું શુધ્ધ અને પવિત્ર છે એ જ અગત્યનું છે.માણસની ખરી ઓળખ તેના કામથી થવી જોઇએ.
આજ કાલ સૌ નફા અને નુકશાન જ જોવે છે.સંબંધમાં પણ હવે વેપારીપણું પ્રવેશી ગયું છે.કોણ આપણી સાથે કેમ અને ક્યા આશયથી સંબંધ રાખે છે એ કળી શકાતું નથી.તકલીફ મનને ત્યારે થાય છે જ્યારે કોઇ પોતાના ફાયદા માટે તમને ઠગી જાય, અને પોતાને મહાન અને આપણને મુરખ સમજે..
કહેવાય છે ને કે છેતરાવા કરતા છેતરાઇ જવું સારું.તમે કોઇપણ માણસને એકવાર ઠગી શકો.
જીવનની સફર ઉભડખાબડ જ છે.ઠોકર ખાઇ ખાઇને જીવનના પાઠ આપણે ભણતા હોઇએ છીએ. જીવનમાં હંમેશા સીધો રસ્તો કોઇને મળતો નથી.સૌને મહેનત કરીને ઠોકર ખાઇને જ શીખવું પડે છે. જે ઠોકરો ખાય છે તે જ શીખી શકે છે. ઠોકર ખાઇને આગળ વધનાર માણસ જ આગળ વધી શકે છે.
જે તનતોડ મહેનત કરે છે તેને ક્યારેય કોઇ મુશ્કેલી નડતી નથી. જેમણે મહેનત જીવનમાં ઉતારી છે તેમને ક્યારેય કોઇ શારીરીક તકલીફો નથી નડવાની.જીવન સરળતાથી પસાર થઇ જાય છે.ઇશ્વર પણ મહેનત કરનાર પર જ મહેરબાન થાય છે. નશીબ પર ભરોસો રાખનાર પર ઇશ્વર પણ ખુશ નથી થતો.
ટુંકુ ને ટચ
ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા નકામા છે.
-શાહબુદ્દીન રાઠોડ


