મકસુદ કારીગર,કઠલાલ
કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં મહેમદાવાદ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલમાં પાંચમા જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જન ઔષધિ યોજના વિશે જન-જાગૃતિ વધારવા અને જેનેરીક દવાઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે૭ મી માર્ચને “જન ઔષધિ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે જન ઔષધિ દિવસ “જન ઔષધિ- સસ્તી ભી, અચ્છી ભી”ની થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો.
જન ઔષઘિ દિવસનું મહત્વ સમજાવતા દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૧૮માં પ્રધાનમંત્રી જન ઔષધિ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગની મુખ્ય યોજના છે. આ યોજનામાં સરકાર દ્વારા ઉચ્ચ ગુણવત્તાની જેનરિક દવાઓ બજાર ભાવથી ઓછા ભાવે જાહેર જનતાને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સરકાર દ્વારા ‘જન ઔષધિ સ્ટોર્સ’ મારફતે જેનરિક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર ઉજવાયેલ આઝાદીના અમૃત મહોત્સવ બાદ આઝાદીની શતાબ્દી સુધીના કાળને અમૃતકાળ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. ત્યારે આ અમૃતકાળ દરમિયાન ૨૦૪૭ સુધીમાં ભારતના નાગરિકોના જીવન સ્તર સુધરે તે માટે આરોગ્ય સુવિધાઓ સુગમ રીતે તથા પોસાય તેવા ભાવે મળી રહે તે પણ મહત્વનું છે. આવી આરોગ્યની સુવિધાઓ અંતર્ગત જન ઔષધિ કેન્દ્રો પર અપાતી દવાઓ બહાર મળતી દવાઓ કરતા પ૦% કે તેથી ઓછા ભાવમાં ઉપલબ્ધ થાય છે. જન ઔષધિ કેન્દ્રો પર બ્રાન્ડેડ દવાઓની સરેરાશ બજાર કિંમત કરતા ૮૦-૯૦% જેટલી સસ્તા ભાવમાં દવા પ્રાપ્ત થતા દેશના ગરીબ તથા સામાન્ય નાગરિકોને આર્થિક રાહત મળે છે. માટે તેમ કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
કાર્યક્રમ બાદ મંત્રીએ મહેમદાવાદ ખાતેના જન ઔષધિ કેન્દ્રની મુલાકાત લઈ તેના સંચાલકશ્રી સાથે આ કેન્દ્રનો લાભ ગામના વધુમાં વધુ લોકો લે તેવો પ્રચાર પ્રસાર કરવા પ્રયત્નો કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત તાલુકા તથા જિલ્લાકક્ષાએ વધુ જન ઔષધિ કેન્દ્રો ખુલે તથા તેનો લાભ મહત્તમ લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા ઉભી કરવા મંત્રી એ જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ૧ માર્ચથી ૭ માર્ચ સુધી પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના જાગૃતિ સપ્તાહ તરીકે ઉજવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે (ઈ.ચા) કલેક્ટર બી. એસ. પટેલ, (ઈ.ચા.) જિલ્લા વિકાસ અધિકારી પી. આર. રાણા, પ્રાંત અધિકારી અનંદુ સુરેશ, તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન પરમાર, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ધૃવે, જિલ્લા મુખ્ય તબીબી અધિકારી તૃપ્તિ શાહ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શાલિનીબેન ભાટિયા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.