Gujarat

માંડવી ખાતે ડી.જેના ટેમ્પામાં સાઉન્ડ સિસ્ટમ ઉપર બેસેલા ૪ને વીજકરંટ લાગ્યો

બારડોલી
સુરત જિલ્લાના માંડવી ખાતે ૪ લોકોને વીજ કરંટ લાગ્યો હતો. લગ્નની જાનમાં આવેલા ડી.જેનાં ટેમ્પા પર ચઢીને વીજ વાયર ઊંચો કરવા જતાં ૧૪ વર્ષીય સગીરનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ૩ યુવાનને ૧૦૮ની મદદથી માંડવીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. માંડવી તાલુકાના આંબલી ગામે નિશાળ ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાકેશ રમેશભાઈ વસાવા પત્ની અને બે પુત્રો સાથે રહે છે. ગતરોજ તેઓના ફળિયામાં રહેતા ધીરુ વસાવાની પુત્રી નિશાના લગ્ન હતા અને બીલીમોરાથી જાન આવી હતી. જે જાનમાં રાકેશ અને તેનો ૧૪ વર્ષીય મોટો પુત્ર આયુષ પણ ગયા હતા. દરમિયાન આયુષ ડી.જે સાઉન્ડનાં સ્પીકર પર ડી.જે સાઉન્ડના અન્ય ૩ કારીગરો સાથે બેઠો હતો.ડી.જે.નો ટેમ્પો ચાલક ટેમ્પો રિવર્સ મારી રહ્યો હતો. દરમિયાન ઉપરથી પસાર થતો વિજતાર નજીક આવતા આયુષે હાથથી વિજતાર પકડી ઊંચો કરવા જતાં ઉપર બેસેલા ચારેયને કરંટ લાગ્યો હતો. ઘટનાના પગલે ત્યાં હાજર એક યુવાને ૧૦૮ને જાણ કરી તેઓની મદદથી ચારેયને માંડવીની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ૧૪ વર્ષીય આયુષને મૃત જાહેર કર્યો હતો. જ્યારે ડી.જેનાં કારીગર આકાશ રાયજા વસાવા, પંકજ અરવિંદ પાડવી અને વીનેશ પારસિંગ વસાવાને ગંભીર ઈજાઓ થતા તેઓ હાલ સારવાર હેઠળ છે. માંડવી ખાતે બનેલી વીજકરંટ લાગવાની ઘટનામાં ૩ ઇજાગ્રસ્તોને રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ત્યારે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સરકારના આદિજાતિ અને શ્રમ રોજગાર વિભાગના રાજ્ય મંત્રી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ઇજાગ્રસ્ત યુવાનોની ખબર લઈ પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી. તો બીજી તરફ વીજકરંટ લાગવાથી મોતને ભેટેલા સગીર આયુષનાં પરિવારને રાજ્ય સરકાર તરફથી યોગ્ય સહાય આપવા માટે ખાતરી પણ આપી છે.

Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *