માળીયા હાટીના તાલુકાના કાણેક ગામે ગ્રામ પંચાયતના સહયોગ એસબીઆઈ-લીડ બેંક તથા એસબીઆઈ-ચોરવાડ દ્વારા ભારત સરકારની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના હેઠળ ગ્રામજનોને આવરી લેવા માટે કેમ્પ યોજાયો હતો. જેમાં લોકોને જનસુરક્ષાની આ યોજનાઓના લાભોથી વાકેફ કરવામાં આવ્યાં હતા.
આ કેમ્પના માધ્યમથી ગ્રામજનોએ ઉક્ત યોજનાઓનો લાભ મેળવવા માટે એસબીઆઈ-ચોરવાડ શાખામાં ફોર્મ જમા કરાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર રૂપિયા ૪૫૬માં રૂપિયા ચાર લાખનું વીમો આપે છે. જેમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ માત્ર વાર્ષિક રૂ. ૪૩૬નું પ્રીમિયમ છે. જેનો ૧૮ થી ૫૦ વર્ષના લોકો લાભ મેળવી શકે છે. આ યોજના હેઠળ કોઈપણ રીતે મૃત્યુના કિસ્સામાં નોમીનીને રૂપિયા બે લાખ મળવાપાત્ર છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું વાર્ષિક પ્રીમીયમ માત્ર રૂ. ૨૦ છે. જેમાં ૧૮ થી ૭૦ વર્ષના લોકોને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં રૂ. બે લાખનો વીમો મળવાપાત્ર છે. આમ, ભારત સરકારની આ વીમા યોજનાઓ જનસમાન્યને એક આર્થિક સુરક્ષા પૂરી પાડે છે.
આ કેમ્પમાં લીડ બેંક મેનેજર શ્રી પ્રશાંત ગોહેલ, એફએલસી શ્રી દિલીપ છૂગાણી, નાબાર્ડના જિલ્લા મેનેજર શ્રી કિરણ રાઉત દ્વારા ગ્રામજનોને વીમા યોજનાની સમજ આપવામાં આવી હતી.