ગાંધીનગર
આદિજાતિ જિલ્લાઓમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓની નિર્માણ માટે ૯ પ્રકારની ગ્રાંન્ટ ફાળવવામા આવે છે ઃ મંત્રી જગદીશ વિશ્વકર્મા
રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ મુખ્યમંત્રી વતી માર્ગ અને મકાન વિભાગ સંબંધિત પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ગ્રામસડક યોજના વર્ષ ૨૦૧૬-૧૭થી અમલમાં મૂકવામાં આવી છે, ત્યારથી આજ સુધીમાં આ યોજના હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં આ યોજના હેઠળ કુલ રૂ. ૬૦૩.૭૯ કરોડ રકમના ૧૧૦૭ કી.મી લંબાઈના ૪૮૬ કામો મંજૂર કરવામા આવ્યાં છે. આ પૈકી રૂ. ૨૬૮.૯૦ કરોડના ૮૪૪ કી.મી લંબાઇના ૩૩૪ કામો પૂર્ણ કરેલ છે. જેનો આજદિન સુધી ૫૪૬ ગામોની ૭,૦૦,૫૪૦ જનસંખ્યાને લાભ મળ્યો છે. રૂ ૨૮૦.૬૮ કરોડના ૧૦૪ કી.મી લબાઇના ૧૫૮ કાચા/મેટલ સપાટીના રસ્તાને પ્રથમવાર ડામર સપાટીના બનાવવામાં છે. જ્યારે રૂ.૧૬૪.૪૫ કરોડના ૧૦૮ કી.મી લંબાઇના ૬૫ કામો પ્રગતિ હેઠળ છે.
મંત્રી જગદીશ વિશ્વકર્માએ આદિજાતિ જિલ્લાઓમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટ અંગે વિગતો આપતાં કહ્યું હતું કે, આદિજાતિ જિલ્લાઓમા કુલ-૦૯ પ્રકારની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાં, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના,પંચાયત હસ્તકના મૂળ કામો, ખાસ મરામત, ચાલુ મરામત, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના સિવાયના પંચાયત હસ્તકના કામો, આદિજાતિ વિસ્તારના રાજ્ય રસ્તા, આદિજાતિ વિસ્તારના પુલો વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ હેડ હેઠળ વર્ષ-૨૦૨૨-૨૩માં માર્ગ અને મકાન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં કુલ રૂ.૧૪૭.૧૭ કરોડ રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે, તે પૈકી આજદિન સુધી રૂ.૧૨૩.૦૪ કરોડનો ખર્ચ થયો છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
છોટાઉદેપુર જિલ્લામાં વનબંધુ કલ્યાણ યોજના-૧ હેઠળ કુલ રકમ રૂ.૪૬૮.૮૬ કરોડના ૯૭૫.૩૮ કી.મી લંબાઇના કુલ ૪૦૪ કામો તેમજ વનબંધુ કલ્યાણ યોજના-૨ હેઠળ કુલ રકમ રૂ.૬૫.૩૯ કરોડના કુલ૨૮ કામો મંજૂર કરવામા આવ્યા છે. જેમાં ૩૫ પ્રાથમિક શાળાઓ અને ૧૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પાકા રસ્તાની સુવિધા મળનાર છે એમ મંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું.
