ગરવા ગિરનારની ગોદમાં તારીખ ૧૫ થી શરૂ થનાર ભજન ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમાન આધ્યાત્મિક શિવરાત્રીના મેળામાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડશે. ભાવિકો આ મેળો મન ભરીને માણી શકે તે માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન આરોગ્ય વિષયક પગલા લેવાયા છે.
ભાવિકો મેળામાં જોડાઈ ત્યારે તેમને આરોગ્ય વિષયક સવલત આપવા ૬ એમ્બ્યુલન્સ ભવનાથ મંદિર મેઈન દવાખાના ઝોનલ ઓફિસ ખાતે,ભવનાથ રેસ્ટ હાઉસ દવાખાના, અને પ્રેરણા ધામ ખાતે એમ ૩ દવાખાના શરૂ થશે. જેમાં ચોવીસ કલાક મેડિકલ ઓફીસરો,ફાર્માસીસ્ટ ફરજ બજાવશે. જેથી કોઈ પણ મેડિકલ ઇમરજન્સીને પહોંચી શકાય. વધુમાં એક ટીમ ગિરનાર પર્વત ઉપર દેરાસર ખાતે હાજર રહેશે.
મેળા દરમિયાન યાત્રાળુઓની જાહેર સુખાકારી અને આરોગ્ય જળવાઈ રહે એ માટે કલોરીનેશન અને સેનીટેશનની કામગીરી કરવામાં આવશે.
જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, હેલ્થ વિભાગ તેમજ સિવિલ હોસ્પિટલના સંકલનથી જિલ્લા કલેકટરશ્રી રચિતરાજ, મ્યુનિસિપલ કમિશનર આર.એમ.તન્ના ના માર્ગદર્શન હેઠળ સમગ્ર આરોગ્ય કામગીરી કરવામાં આવી રહી છે.
