ઘરમાંથી પાણી પડતું હોય તોય ચોમાસું કાઢવું પડતું…. બીજી પણ આવી પારાવાર તકલીફ છેલ્લા ઘણા વર્ષોથી ભોગવતા હતા. પણ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી આવા પાકા અને સુવિધાવાળા ઘરનું સપનું સાકાર થયું છે. આ શબ્દો છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહિજ ગામે રહેતા અર્જુનભાઈ નાંગસના.
અરજનભાઈ નાંગસ છેલ્લા ૪૯ વર્ષથી બકરા ચરાવવાનો વ્યવસાય કરે છે. અત્યંત ગરીબ સ્થિતિમાં જીવતા અરજનભાઈ સાથે તેમના પરિવારમાં પત્ની બે દીકરા, બે દીકરી અને માતા સાથે રહે છે. અરજનભાઈ કહે છે કે, સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ થકી આવી સુવિધાવાળું ઘરનું ઘર બનાવવાનું સપનું હકીકત બની ગયું છે. અરજનભાઈ વધુમાં કહે છે કે હવે કોઈ તકલીફ રહી નથી.
ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થતાં અરજનભાઈએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનો અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે આજ રોજ અમૃત આવાસોત્સવ અંતર્ગત જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અરજનભાઈ અને તેના પરિવારનો ગૃહ પ્રવેશનો કાર્યક્રમ યોજાયો હતો.


