રાજકોટ
રાજ્ય સરકારની સુચના બાદ શહેરમાં એક બાદ એક વ્યાજંકવાદનો ભોગ બનેલા લોકો બહાર આવી રહ્યા છે શહેરમાં બે દિવસમાં વધુ ૨૦ વ્યાજખોરો સામે ૧૦ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. હદ તો ત્યાં થઇ રહી છે કે હવે પ્રોફેસરને પણ વ્યાજખોરીનો નશો ચડી રહ્યો છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક શિક્ષકે પ્રોફેસર સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં પ્રોફેસરે શિક્ષક પાસેથી ૫ લાખના ૯ લાખ વસૂલી ૧૩ લાખની માંગ કરી ધમકીઓ આપી હોવાનો ઉલ્લેખ કરાયો છે. રાજકોટ શહેરના મનહર પ્લોટ વિસ્તારમાં રહેતા અને રામોદ ગામે છેલ્લા સાતેક વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાવેશભાઈ ઇંદુલાલભાઈ કારાવડીયાએ વૈશાલીનગરમાં રહેતા અને જસાણી કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા પરસોતમભાઈ મોહનભાઈ ઉપાડ સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેમને જણાવ્યું હતું કે મારે ૨૦૧૭ માં ફ્લેટ લેવો હોય તો રૂપિયાની જરૂરિયાત થતા લખાણ કરી ૧૦ ટકે ૫ લાખ લીધા હતા. જેનું હું રેગ્યુલર વ્યાજ ભરતો હતો. ૨૦૨૧ માં લખાણનો સમય પૂરો થઇ ગયો છે નવું લખાણ કરવું પડશે કહી ૭ લાખનું લખાણ કરતા મેં ના પાડતા તું લખાણ નહિ કરે તો તને નોકરી કરવા જેવો નહિ રહેવા દઉં કહી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨ માં ૪.૬૦ લાખ ચૂકવી દીધા છતાં વધુ ૧૩ લાખની પઠાણી ઉઘરાણી કરતાં અને ચેક બાઉન્સની નોટીસ મોકલી મારા બે કાર્ડ પડાવી લઇ ૨૮ હજાર ઉપાડી દીધા હતા આમ મેં કુલ ૫ લાખના ૯.૧૦ લાખ ચૂકવી દીધા છતાં ૧૩ લાખ માંગી ધમકી આપતા હોવાથી ફરિયાદ નોંધાવી છે. બીજી ફરિયાદમાં જામનગર રોડ પર વાલ્મિકી વાડીમાં રહેતા સફાઈકામદાર ગૌરીબેન ગિરધારલાલ ગોરીએ વકીલ નીલેશ રજનીકાંતભાઈ જાેષી અને વિશાલ અશ્વિનભાઈ જાેષી સામે પ્રદ્યુમનનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ૨૦૧૭ માં દીકરીના લગ્નના ખર્ચ માટે ૫૦ હજાર ૧૦ ટકે લીધા હતા જેના ૮૪ હજાર ચૂકવી દીધા પછી મકાન માટે વર્ષ ૨૦૨૦ માં ૧ લાખ લીધા હતા જેના ૧.૯૦ લાખ ચૂકવી દીધા છતાં ઘર પાસે તથા નોકરીના સ્થળે આવી હજુ ૮ લાખ આપવા પડશે નહિ આપો તો નોકરીમાંથી સસ્પેન્ડ કરાવી દઈશ અને અમારા માણસો ગમે ત્યાંથી શોધી ઉપાડી લેશે અને હાથ પગ ભાંગી નાખશે તેમ જણાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. તો અન્ય ફરિયાદમાં શહેરના ગોલ્ડન પાર્કમાં રહેતા મનીષભાઈ ભીમજીભાઈ લાખાણીએ પરસોતમ નાનજીભાઈ બૉડા પાસેથી ૨૦૧૪ માં ૫ લાખ બે ટકે લીધા હતા જેનું ૫ વર્ષ વ્યાજ ભર્યું હતું તે પછી અઢી લાખ આરટીજીએસથી અને અઢી લાખ કટકે કટકે ચૂકવી દીધા છતા મુદ્દલ અને વ્યાજ માગી ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એ જ રીતે નંદનવન સોસાયટીમાં રહેતા પ્રેમબા છત્રસિંહ જાડેજાએ રશ્મીબેન પ્રકાશભાઈ અઢીયા અને ચેતન શિંગાળા સામે ગાંધીગ્રામ પોલીસમાં છેતરપીંડી અને વ્યાજની ઉઘરાણી કરવા અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રશ્મિબેને મારો ભાઈ સટ્ટામાં પકડાઈ ગયો છે. દીકરો બીમાર છે કહી ૧૦ લાખ અને દાગીના આપેલ તથા ચેતનની ઓફિસે જઈ મારા મકાનનો દસ્તાવેજ કરાવી ૪૦ લાખ વ્યાજે લીધા હતા પૈસા પરત આપેલ નહિ અને ચેતનએ ઘરે આવી આ મકાન મારા નામે છે જાે ફાઈલ પરત જાેઈતી હોય તો ૪૦ લાખનું વ્યાજ આપવું પડશે કહી ઉઘરાણી કરતા હોવાની ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
