Gujarat

રાજકોટ શહેરમાં મધ્યસ્થ જેલના જેલરને ધમકી મળી

રાજકોટ
રાજકોટ શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે ત્યારે રાજકોટમાં હત્યાના ગુનામાં જેલની હવા ખાઈ ચૂકેલા બે શખ્સોએ રાજકોટ મધ્યસ્થ જેલના જેલર કૃષ્ણકુમાર વાઢેરને ફોન કરીને ધમકી આપી હતી. આ ઘટના બાદ જેલરે રાજકોટ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમને અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને આ ફોનમાં સામેવાળી વ્યક્તિએ પોતે મયુરસિંહ જાડેજા બોલતા હોવાનું જણાવ્યું હતું અને તે ફાર્મ હાઉસ પર કેમ નથી આવતો, તેમ કહી અપશબ્દ કહ્યા હતા. જેલરને ચેલેન્જ કરતા કહ્યું હતું કે, જાે તને ફાર્મહાઉસ પર આવતા બીક લાગતી હોય તો હું જેલ આવી જાવ, એમ કહીને ધમકી આપી હતી. ત્યાર બાદ અલગ-અલગ નંબરો પરથી સતત ધમકીના ફોન આવતા હોવાનું ફરિયાદમાં નોંધાયું હતું. મયુરસિંહ જાડેજા અને તેના સાગરીત ભરત ઉર્ફે ભૂરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, જેલરે પણ પોતાની સુરક્ષા અંગે પોલીસ સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી.જેલરને આ ધમકી આપવા પાછળનું કારણ એવું સામે આવ્યું હતું કે, આરોપીઓ ત્રણ મહિના પહેલા જ રાજકોટ મધ્યસ્થ જેલમાંથી છૂટ્યા હતા. આરોપીઓ જ્યારે જેલમાં હતા ત્યારે જેલર દ્વારા ઝડતી લેવડાવી હોવાનું ખાર રાખી ધમકી આપી હોવાનું જેલરે જણાવ્યું હતું. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે રાજકોટ શહેરમાં જેલરને મળેલી ધમકી પણ ચર્ચાનું કેન્દ્ર બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *