*રાજકોટ શહેરમાં મહિલાઓનું સન્માન જાળવવાની સાથે સ્વાસ્થ્યની સાર-સંભાળ લેતી અભયમ્ ટીમ.*
*રાજકોટ શહેર તા.૧૯/૫/૨૦૨૩ ના રોજ મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની મુશ્કેલીઓમાં તાત્કાલિક ધોરણે બચાવ અને માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે, તે માટે ૧૮૧ અભયમ્ હેલ્પલાઇનની સુવિધા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલી બનાવાઈ છે. રાજકોટ જીલ્લામાં અભયમ્ ટીમ મહિલાઓને નિર્ભયતાનું સુરક્ષા કવચ પૂરું પાડી રહી છે. એટલું જ નહીં, મહિલાઓનું સન્માન જાળવવાની સાથે સ્વાસ્થ્યની સાર-સંભાળ લેવાની પણ પ્રસંસનીય કામગીરી કરી રહી છે. ગત તા.૧૪ના રોજ ‘આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ’ ની ઉજવણી નિમિત્તે રાજકોટમાં અભયમ્ ટીમના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર તુષારભાઈ બાવરવા દ્વારા નવતર પહેલ કરાઈ હતી. રાજકોટ અભયમ્ ટીમના સ્થાનિક કાઉન્સિલર્સ કૃપાલીબેન ત્રિવેદી અને શિવાનીબેન પરમારની માતાઓ તથા પોલીસ કોન્સ્ટેબલ સુધાબેન બારૈયા, કે જેઓ પોતે માતા છે, તેઓનું નજીકના ધન્વંતરી આરોગ્ય રથમાં મેડીકલ ચેકઅપ કરાયું હતું. તેમજ માતાઓને સન્માનપત્ર અર્પણ કરાયા હતા. કાઉન્સિલર કૃપાલીબેન ત્રિવેદી જણાવે છે કે મારી માતા દરેક નિર્ણયમાં સહકાર આપે છે. માતા સાથે સમસ્યાઓની ચર્ચા કરવાથી હળવાશ અનુભવાય છે. કાઉન્સિલર તરીકે કાર્ય કરતા-કરતા માતાઓના સંઘર્ષમય જીવનમાંથી પ્રેરણા લેવાની તક મળી છે. તેમજ કાઉન્સિલર શિવાનીબેન પરમાર કહે છે કે “તું તારે આગળ વધ.” માતાના આ શબ્દોએ મને અભયમમાં ફરજ નિભાવવા પ્રોત્સાહન આપ્યું છે. મારી માતા વર્કિંગ વુમન હોવા છતાં પરિવારની જવાબદારી સુપેરે નિભાવે છે. માતાનું જીવન મારા માટે સદાય આદર્શરૂપ છે.*
*રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.*




