અમદાવાદ
ગુજરાતભરમાં રવિવારે પણ કમોસમી વરસાદનો માર યથાવત્ રહ્યો હતો. રાજ્યના ૩૩માંથી ૨૭ જિલ્લાના ૧૧૧ તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ગાંધીનગરમાં તો બારે મેઘ ખાંગા થયા હોય એમ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉના, ગીર-ગઢડામાં ગાજવીજ સાથે ૧થી ૪ ઇંચ વરસાદ તૂટી પડતાં ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં. મરચાંના હબ ગણાતા સનખડા ગામમાં વરસાદને કારણે મરચાં પાણીમાં વહેતાં થયાં હતાં. આ સાથે સૌરાષ્ટ્રમાં કેરીના પાકને પણ ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગે વધુ પાંચ દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તેજ પવનો સાથે હળવોથી ભારે વરસાદ થઈ શકે છે. આ વિસ્તારોમાં કરા પડવાની આગાહી પણ કરવામાં આવી છે. કમોસમી વરસાદને પગલે જગતના તાતને મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. હવે ગૃહિણીઓના બજેટમાં પણ માવઠાનો માર લાગવાનો છે, કારણ કે શાકભાજીના ભાવમાં ૫૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં રાતે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. બદલાયેલા વાતાવરણ વચ્ચે શહેરમાં રાત્રે એસજી હાઈવે, વસ્ત્રાપુર, સેટેલાઇટ, પ્રહલાદનગર, બોડકદેવ, નારોલ, બાપુનગર, નિકોલ, બોપલ, ઘુમા, ઇસ્કોન સહિતના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. કમોસમી વરસાદે પાટણ સરસ્વતી અને સિદ્ધપુર સહિતના વિસ્તારમાં તારાજી સર્જી છે. વરસાદમાં ખેતરમાં જવા નીકળેલા ટાંકવાસણાના ખેડૂતનું વહેણમાં ડૂબી જતાં મોત થયું હતું. જ્યારે મુડાણા ગામે વીજળી પડતાં ૧૨ ઘેટાંનાં મોત થયાં હતાં. જામવાડા ગામે વીજળી પડતાં ગાયનું મોત થયું હતું. તો દેલીયાથરા ગામે વૃક્ષ પડતાં ભેંસનું મોત થયું હતું. ત્રણે તાલુકામાં ઘઉં, વરિયાળી, તમાકુ સહિતના પાકોમાં નુકસાન થતાં ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. સૌરાષ્ટ્રમાં આફતરૂપી માવઠાનો વરસાદ શરૂ થયો હોય એમ વીજળીના પ્રચંડ કડાકાભડાકા અને તેજ પવન સાથે અનેક સ્થળોએ કરાં સાથે માવઠું વરસ્યું હતું. ઉના પંથકમાં તો જાણે ચોમાસું રિટર્ન થયું હોય એમ સાંબેલાધારે ૧થી ૪ ઈંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઉના તાલુકાના મરચાંના હબ ગણાતા સનખડા ગામમાં વરસાદને કારણે મરચાંને ભારે નુકસાન થયું હતું. અણધાર્યા આવેલા વરસાદના પાણીમાં મરચાં તરવા લાગ્યાં હતાં. આ ઉપરાંત કેરીના પાકને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.? ??????જાફરાબાદના દુધાળા અને તળાજાના ટીમાણા ગામે મકાન ઉપર વીજળી પડતાં ઘરવખરી બળી ગઈ હતી. કમોસમી વરસાદને કારણે તાલાલામાં કેસર કેરી સહિત અન્ય સ્થળોએ ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું.


