રાજ્યના શ્રમ, કૌશલ્ય અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યની ડબલ એન્જિન સરકાર રાજ્યનું ભાવિ એવા યુવાનો સતતપણે આગળ વધી રાજ્ય અને દેશના નિર્માણમાં પોતાની ભાગીદારી નોંધાવે તે માટે તેમના શ્રેષ્ઠ શિક્ષણ અને શિક્ષણ લીધા બાદ તેમને રોજગારી મળી રહે તે માટે સતત ચિંતિત છે. સરકાર દ્વારા આ માટે તેમના કૌશલ્ય વિકાસ અને જીવન ઘડતર માટે પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાત સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧,૫૦,૦૦૦ જેટલા શિક્ષિત બેરોજગારોને સરકારી નોકરી આપવામાં આવી છે. ભારતનો બેરોજગારી દર ૪.૪% છે ત્યારે ગુજરાતનો દર માત્ર ૨.૨% છે જે ગુજરાત માટે ગર્વની વાત છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના અહેવાલ પ્રમાણે સમગ્ર દેશમાં રોજગારી આપવામાં ગુજરાત પ્રથમ છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે રાજ્યના બેરોજગારોને રોજગારી મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ અનુબંધન પોર્ટલ પર બેરોજગારો નોંધણી કરાવી શકે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત રોજગારી વિનિમય કચેરીઓ દ્વારા જિલ્લા રોજગારી ભરતી મેળા તેમજ રોજગારલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરાય છે.
વિધાનસભા ગૃહમાં ગુરુવારે જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં રોજગારી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપુત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જુનાગઢ જિલ્લાના ૧૦૩૨૩ અને પોરબંદર જિલ્લાના ૪૬૪૪ નોંધાયેલા બેરોજગાર સામે જુનાગઢ જિલ્લાના ૪૫૭૩ અને પોરબંદર જિલ્લાના ૪૦૫૩ બેરોજગારોને રોજગારી આપવામાં આવી છે. ગુજરાત સરકારનો ધ્યેય મંત્ર ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ આ સાથે જ સાકાર થાય છે.