રાણપુરમાં અરજદારોને રૂબરૂ સાંભળી તેમના પ્રશ્નોના સકારાત્મક ઉકેલ લાવતા બોટાદ જિલ્લા કલેકટર ડો.જીન્સી રોય
રસ્તા, પાણી અને બસ સ્ટોપ જેવા પ્રશ્નો સાંભળી તેના ઉકેલ માટે સૂચના અપાઇ
રાજ્ય સરકારના છેલ્લા 20 વર્ષથી લોકાભિમુખ વહીવટને ચરિતાર્થ કરતા “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રારંભ કરાવેલા અનોખા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સ્વાગત સપ્તાહની ઉજવણી કરી રહી છે. જે અંતર્ગત આજે બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને રાણપુર તાલુકાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રસ્તા, પાણી અને બસ સ્ટોપ જેવા પ્રશ્નો સાંભળી તેના ઉકેલ માટે સૂચના અપાઇ હતી.
જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની આગેવાનીમાં રાણપુર તાલુકાના યોજાયેલા ‘સ્વાગત કાર્યક્રમ’માં ગ્રામ સ્વાગતની 163 અને તાલુકા સ્વાગતની 21 મળીને કુલ 184 અરજીઓનો નિકાલ કરાયો હતો. કલેક્ટરએ અરજદારોને રૂબરૂ સાંભળી ત્વરિત ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચિત કર્યા હતા.
નવું વીજ કનેક્શન આપવા બાબત, ચારણકી ગ્રામ પંચયાતનું નવું ઘર બનાવવા બાબત, માલણપુરથી બોડીયા ગામ તરફના રસ્તાનું રીપેરીંગ કરાવવા સહિતના તાલુકાના જુદાં જુદાં ગામના નાગરિકોના પ્રશ્નોનું જિલ્લા કલેક્ટર અને સંબંધિત વિભાગના અધિકારીઓના નેજા હેઠળ સ્થળ પર જ સુ:ખદ નિરાકરણ કરવામાં આવ્યું હતું, અને જે તે વિભાગને તાકીદે અધૂરી કામગીરી પૂર્ણ કરીને પ્રજાના અન્ય પ્રશ્નો હલ કરવા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હતી.મામલતદાર કચેરી, રાણપુર ખાતે યોજાયેલા રાણપુર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં બરવાળા પ્રાંત અધિકારી પી. ટી. પ્રજાપતી, રાણપુર મામલતદાર કે.કે.વાળા,T.D.O.કૃષ્ણપાલસિંહ મકવાણા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


