Gujarat

રાત્રી દરમિયાન ચાલતા ગેરકાયદેસર રેતી ખનન બંધ કરવા રણભૂન ગામના રહીશોમાં ભારે આક્રોશ

બોડેલી તાલુકાના રણભૂન ગામના રહીશો ઘ્વારા જિલ્લા ખાણખનીજ વિભાગના કલેક્ટર અને બોડેલી મામલતદારને ૨૦ ફેબ્રુઆરીના રોજ ગેરકાયદેસર રીતે રાત્રીના સમયે હેરાફેરી કરતા ટ્રેક્ટરોને બંધ કરાવવા અંગે આવેદનપત્ર આપ્યાના એક પખવાડિયા બાદ પણ તંત્ર ઘ્વારા કોઈ સઘન પગલાં ન લેવાતા રણભૂન ગામના રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.જિલ્લા કલેક્ટરનું જાહેરનામું સવારે ૬ વાગ્યા પહેલા અને સાંજે ૬ વાગ્યા બાદ રેતીની હેરાફેરી પર પ્રતિબંધ હોવા છતાં જાહેરનામાને ઘોળીને પી જતા ખનીજ માફિયાઓ રાત્રી દરમિયાન ગ્રામજનોની ઊંઘ હરામ કરી તેમને માનસિક ત્રાસ આપી રહ્યા છે.તેમ આવેદનપત્રમાં જણાવાયું છે.રાત્રી દરમિયાન રણભૂન ગ્રામ્ય વિસ્તારમાંથી મોટાપાયે ટ્રેકટરો મારફતે ખનીજની તસ્કરી થઇ રહી છે.ટ્રેક્ટરોમાં મોટા અવાજે લાઉડસ્પીકરો વગાડી રહીશોની ઊંઘ હરામ કરી તેમને ઉજાગરા કરવાનો વારો આવ્યો છે.બેરોકટોક ચાલતી ગેરકાયદેસર રેતીની હેરાફેરી અંગે રાત્રી પેટ્રોલિંગ કરતી પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.ખાણખનીજ વિભાગના કલેક્ટર અને બોડેલી મામલતદારને રણભૂન ગ્રામજનો ઘ્વારા લેખિતમાં આવેદનપત્ર આપવા છતાં કાર્યવાહી ન થતા ગ્રામજનોએ રાજ્યના મુખ્યમંત્રીને ઓનલાઇન ફરિયાદ કરી આગામી સમયમાં કોઈ નિરાકરણ નહીં લાવવામાં આવે તો ભૂખ હડતાળ પર ઉતરશે તેવું જાણવા મળ્યું છે.હાલ ગ્રામજનો ઘ્વારા વહેલીતકે રાત્રીદરમિયાન ચાલતા ગેરકાયદેસર રેતી ટ્રેક્ટરોને બંધ કરવા જિલ્લા ખાણખનીજ વિભાગના કલેક્ટર અને બોડેલી મામલતદારને આવેદનપત્ર આપી વહેલીતકે નિરાકરણ લાવવા જણાવ્યું છે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *