ભુજ
રાપર તાલુકાના મોમાંયમોરા ગામનો ૧૬ વર્ષીય કિશોર તા. ૨૭ના ઘરેથી રિસાઈને બહાર નીકળી ગયો હતો. બપોર સુધી ઘરે પરત ના ફરતા પરિજનોએ શોધખોળ કરતા તેની સાયકલ ગામથી ૬ કિલોમીટર દૂર માંજુવાસ નર્મદા કેનાલ પાસેથી મળી આવી હતી. જેના પગલે સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલના પાણીમાં શોધ આદરી હતી, પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો અને તંત્રની મદદ લેવાઈ હતી. ગુમ થયાના બીજા ત્રીજા દિવસે તંત્ર દ્વારા ભચાઉ અને ગાંધીધામની ફાયર ટીમ દ્વારા શોધ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, પરંતુ સફળતા મળી ના હતી. ત્યારે ઘટના ચોથા દિવસે આજે શનિવાર સવારે સ્થાનિક લોકોને સગીરનો મૃતદેહ કેનાલના ગેટ નંબર ૯૮ પાસે તરતી હાલતમાં મળી આવ્યો હતો. હતભાગી ખેંગાર વિરજી ગરવા ચાર ભાઈ બહેનમાં ત્રીજા ક્રમનો હતો અને ધોરણ ૧૦માં અભ્યાસ કરતો હતો. જે કોઈ કારણોસર ઘરેથી રિસાઈને નાસી ગયો હતો. બાદમાં કેનાલ પાસેથી મળી આવેલી તેની સાયકલના આધારે કેનાલમાં સગીરની શોધખોળ ચાલી રહી હતી. દરમિયાન તેનો મૃતદેહ મળી આવતા પરિવારમાં માતમ છવાયો છે. ઘટનામાં કિશોર અકસ્માતે કેનાલમાં પડી ગયો હતો કે, આત્મહત્યાના ઇરાદે પડ્યો હતો તે અંગેની તપાસ આડેસર પોલીસે હાથ ધરી છે.
