રામ નામનાં જયઘોષથી ધ્રાંગધ્રા ગુંજી ઉઠ્યું,સમગ્ર ધ્રાંગધ્રા શોભાયાત્રામાં ઉમટી પડ્યું)
[ધ્રાંગધ્રા વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદલ પ્રેરિત શોભાયાત્રાનું રોકડીયા હનુમાનથી પ્રસ્થાન થયું તો હિન્દૂ મહાસભા તથા ગૌ રક્ષા દલ દ્વારા રામ મહેલ મંદિર ખાતેથી રામ લલ્લાને પ્રસ્થાન કરાયા] [વડવાળા ધામનાં ગાદીપતી મહામંડલેશ્વર પૂજ્ય કનીરામ બાપુ, ધ્રાંગધ્રાનાં ધારાસભ્ય અને સંતો મહંતો દ્વારા રામ લલ્લાની સવારીનાં આશીર્વાદ લઈને ધ્રાંગધ્રાની મુખ્ય બજારોમાં ફેરવવામાં આવી] [સ્વામી નારાયણ ગુરુકુળ, આર્યસમાજ મંદિર, ખાનગી શાળાઓ સહીત વિવિધ સંસ્થાઓ દ્વારા સુંદર પ્રદર્શન કરવામાં આવ્યા]ધ્રાંગધ્રા :
ચૈત્ર સુદ નોમ ને સમગ્ર ભારત વર્ષમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવ સ્વરૂપે ઉજવવામાં આવે છે ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં પણ વહેલી સવારથી જ રામ મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી. ધ્રાંગધ્રાનાં રોકડીયા હનુમાનજી મન્દિરે ચૈત્ર સુદ એકમ થી ચૈત્ર સુદ નોમ સુધી અખંડ રામધૂન કરવામાં આવે છે સતત 114 વર્ષથી ચાલુ રહેતી આ રામધૂનમાં ભક્તોએ દર્શન કરી દિવ્યતા અનુભવી હતી. ધ્રાંગધ્રા શહેરમાં પૌરાણિક રામ મહેલ મંદિર ખાતેથી હિન્દૂ મહાસભા અને ગૌ રક્ષા દલ દ્વારા રામ ભગવાનની શોભાયાત્રાનું પ્રથમ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રોકડીયા હનુમાન મંદિરે થી વિશ્વ હિન્દૂ પરિષદ પ્રેરિત શોભાયાત્રાનું વડવાળા ધામના ગાદી પતી મહામંડલેશ્વર પૂજ્ય કનીરામ બાપુ, ધ્રાંગધ્રા ધારાસભ્ય શહેર ભાજપ પ્રમુખ અને પરિષદનાં જિલ્લા મહામંત્રીનાં હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રાની મુખ્ય બજારો ફૂલેશ્વર ચોક, ઝાલા રોડ, રાજકમલ ચોક, HDFC બેન્ક રોડ, નવયુગ રોડ, શક્તિ ચોક, ગ્રીનચોક, રામ મહેલ મંદિર ચોક, સીતા દરવાજા ચોક તમામ સ્થળોએ ભવ્યતા સાથે રામ લલ્લા શહેરીજનો ને આશીર્વાદ આપવા નીકળ્યા હતા. જો કે આખુ ધ્રાંગધ્રા બહેનો, બાળકો સહીત શોભાયાત્રામાં ઉમટી પડતા ધ્રાંગધ્રા શહેર રામ મય બન્યું હતું. બંન્ને શોભાયાત્રામાં ઘોડા, ટ્રેક્ટર, વિવિધ પ્લોટો, કલા બાજી સહીત ભજન મંડળી એ લોકો ને દર્શન સાથે મનોરંજન પૂરું પાડી આકર્ષણ જમાવ્યું હતું. ધ્રાંગધ્રા સ્વામી નારાયણ ગુરુકુળ દ્વારા ભગવાન વિષ્ણુ ની સુંદર મંડળી રચી હતી તો આર્યસમાજ મંદિર ધ્રાંગધ્રા દ્વારા ચાલુ શોભાયાત્રામાં ટ્રેકટરમાં જ મહાયજ્ઞ કરી સમગ્ર વિશ્વમાં શાંતિ અને સૌના સુખની મનોકામના કરી હતી આ તકે આર્ય વિર દલ ધ્રાંગધ્રાનાં નાનાં ભૂલકાઓ દ્વારા જિમનેસ્ટિક, કરાટે, લેજીમ થી લઈને કસરત બતાડતા અનેક કાર્યક્રમો થી લોકોના દિલ જીતી લીધા હતા. ધ્રાંગધ્રા શહેરની મુખ્ય બજારોમાં બન્ને શોભા યાત્રા નાં રૂટ લગભગ સરખા હોઈ ધ્રાંગધ્રા dysp પુરોહિત, પીઆઇ ઝાંબરે, પીઆઇ વાઘેલા સહીત ધ્રાંગધ્રા તાલુકા અને સીટીનો સ્ટાફ ખડે પગે રહી ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. અતિ ભવ્ય રામ નવમીની શોભાયાત્રામાં ધ્રાંગધ્રાની મુખ્ય બજારોમાં તમામ રૂટ ઉપર સેવાભાવી સંસ્થા, વેપારીઓ અને યુવા મિત્રોએ ઠેર ઠેર નાસ્તા,ગુલ્ફી,પાણી, લીંબુ સરબત, વરિયાળી સરબત, દૂધીયું પીવડાવી શોભાયાત્રામાં સામેલ ધ્રાંગધ્રાવાસીઓ ની સેવા કરી હતી.


