Gujarat

રામ રાખે એને કોણ ચાખે જેવી જેતપુર પંથકમાં બની ઘટના, પણ ભેદભરમ સર્જાયા 

જેતપુરના અમરનગર ગામની સીમમાં કૂવામાં ગબડેલો યુવાને 15 કલાક કૂવામાં જ વિતાવી !
એક તબક્કે મોત સામે ઝઝૂમ્યા જેવી બીના : સવારે વાડી માલિક આવ્યા ત્યારે, જેતપુર પાલિકાના ફાયર ફાયટરોની મદદથી કઢાયો બહાર : ભેદી રીતે ગૂમ થયેલો એ મિત્ર કોણ ? જાગૃત લોકોમાં ઉઠેલા અનેક પ્રશ્નો તપાસવા જેવા
જેતપુર પંથકમાં કૂવા ગબડેલો યુવાન છેક 15 કલાકે બહાર હેમખેમ આવ્યો હોવાની ઘટના જેતપુરમાં ટોક ઓફ ધ તાલુકા એરિયા બની ગઈ છે.
જાણવા મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના અમરનગર ગામે દેવળા રોડ પર આવેલી ભરતભાઈ કથીરિયાની વાડીમાં પહોંચેલા બે મિત્રો રાત્રિના કૂવા કાંઠે બેઠા હતા.
એવામાં અચાનક વાઘેલા પ્રવીણ નાનજી નામનો એક યુવાન કૂવામાં ગબડી પડે છે, આવા સમયે તેમની સાથેનો મિત્ર પણ અચાનક ગાયબ થઈ જાય છે. પ્રવીણ આખી રાત કૂવામાં બેસી રહે છે. અંતે 15 કલાક પછી વાડી માલિક પોતાના ખેતરે આવીને પિયત માટે ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જાય છે ત્યારે કઈક ગરબડ સર્જાય છે. વાડી માલિક કૂવા તરફ દોડે છે અને કૂવામાં ડોકિયું કરે છે ત્યારે પ્રવીણે બૂમ પાડી કે મને કાઢો ! વાડી માલિકે અચરજ સાથે તાત્કાલિક જેતપુર પાલિકાના ફાયર ફાયટરોને જાણ કરતાં તેઓની મદદથી પ્રવીણ વાઘેલાનો મહામહેનતે કૂવા બહાર કઢાયો હતો.
બોક્સ :
કૂવામાંથી યુવાનને તો બહાર કઢાયો પણ પ્રશ્નો સર્જે છે ભેદભરમ !!
જેતપુર : અત્રે એ નોંધનિય છે કે, 15 કલાક કૂવામાં જ રહ્યો હોવાનો દાવો કરતો આ યુવાન મૂળ બનાવને રિતસરનો છુપાવી રહ્યો હોવાનો તાલ સર્જાયો છે. તેમની સાથે કોણ મિત્ર હતો તેની કાઇ માહિતી આપતો નથી એટલે ભેદભરમના તાણાવાળા સર્જાયા છે. મોડી રાત્રિના વાડી ફરતે ફેનસિંગ હોવા છતાં કૂદીને પ્રવીણ અને તેમનો મિત્ર ભરતભાઈની વાડીએ કેમ પહોંચ્યા ? ત્યાં શું કરવા ગયા હતા ? પ્રવીણ સાથેનો બીજો યુવાન કોણ ? તે અજાણ્યો યુવાન પ્રવીણને કૂવામાં ધક્કો મારીને ગાયબ થઈ ગયો કે શું ? જો મિત્ર કૂવામાં પડી જાય તો અન્યોને જાણ કરવાની મિત્રએ મદદ કરવાને બદલે તે કેમ ગાયબ થઈ ગયો ? શું કોઈ કેફી પીણાંના બંને મિત્રો નશામાં હતા ? વાડી માલિકે આ તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવા લાગતાં વલગતા સત્તાધીશો અથવા તો પોલીસનો સહારો લેવો જોઈએ તેવું જાગૃત લોકો કહે છે.

IMG_20230604_184716.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *