Gujarat

રોજગારી માટે આદિવાસીઓની હિજરત

કેટલું દોડાવે છે રોટલો ?  જંગલમાં આવેલા ઘર થી છેક કચ્છના રણ સુધી
લગ્નો પૂરાં થતાં આદિવાસી શ્રમજીવીઓ કાઠિયાવાડ મજૂરી કરવા ફરી જવા લાગ્યા!
સ્થાનિક કક્ષાએ રોજગારના અભાવે વર્ષોવર્ષની આ દડમજલનો અંત અંતે ક્યારે આવશે?
*કેટલું દોડાવે છે રોટલો ?  જંગલમાં આવેલા ઘર થી છેક કચ્છના રણ સુધી*
*તમે યાત્રા કે મોજમજા માટે પ્રવાસ કરો છો એ સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પૂર્વ પટ્ટીના આદિવાસીઓ મજૂરી માટે શ્રમ યાત્રા કરે છે*
   રોટલો કેટલું દોડાવે માણસને એની કલ્પના કરવી અશક્ય છે.ઘરબાર અને વતન છોડીને રોજીરોટી માટે લોકો સાવ અજાણ્યા મુલકોમાં ઉતરી પડે છે.
   એવું જ રાજ્યના આદિવાસી પૂર્વ પટ્ટીના મહેનતકશ આદિવાસીઓનું છે.શ્રમ કાર્ય કરવામાં મકાઈનો રોટલો ખાઈને ભૂખ મિટાવતા આદિવાસીઓનો કોઈ મુકાબલો કરી શકે તેમ નથી.
  એનો પુરાવો પૂર્વ પટ્ટીના આદિવાસીઓ આપે છે.છોટાઉદેપુર જિલ્લાના દુરદરાજ ના ગામોમાં વસતા આદિવાસી બાંધવો રોટલો રડવા પોતાનું વતન છોડીને સૌરાષ્ટ્ર ના વિવિધ ભાગો અને છેક કચ્છ – સુરેન્દ્રનગર નાં રેતાળ રણ સુધી દોડી જાય છે.આ દડમજલ આમ તો હાડમારી ભરેલી છે.પરંતુ વતનમાં આછી પાતળી અને આસમાની ખેતી સિવાય ખાસ વિકલ્પો ઉપલબ્ધ ન હોવાથી તેઓ નિયમિત આ શ્રમ યાત્રા કરે છે.એમને એમના બાવડાની તાકાત અને ખેતી કાર્યમાં કુશળતા પર વિશ્વાસ છે.તેઓ મહેનત મજુરીના આ સિવાયના કામો સહજતા થી કરી શકે છે.એટલે એ વિસ્તારોમાં એમની એટલી માંગ છે કે જમીન માલિકો અને રોજગાર દાતાઓ છેક એમના ગામો સુધી તેડવા આવે છે.
  જો કે આ હિજરતની કોઈ વ્યવસ્થિત નોંધણી થતી ન હોવાથી અજાણ્યા પ્રદેશો માં તેઓ ઘણીવાર મોટી મુશ્કેલીમાં મુકાય છે,આર્થિક શોષણ,દાદાગીરીનો,મહિલાઓ જાતીય શોષણનો ભોગ બને છે,કેટલીક ઘટનાઓમાં અસરગ્રસ્તો એ ક્યાં તો જાન ગુમાવ્યા છે કે લાપતા થઈ ગયા છે પરંતુ તાત્કાલિક થોડીક હલચલ પછી મામલો થાળે પડી જાય છે.
   આ હિજરત કદાચ આ આદિવાસી પરિવારોને આર્થિક તાકાત અવશ્ય આપે છે.આ પૈકીના ઘણાં તો હવે ઉપરોક્ત વિસ્તારોને મજુરો પૂરાં પાડનારા મુકાદમ કે કોન્ટ્રાકટર બની ગયા છે.પરંતુ મોટાભાગના હિજરતીઓ એક સુરક્ષા છત્ર વગરના વાતાવરણમાં રોટલાની મજબૂરી માટે પરસેવો વહાવે છે એ કડવું સત્ય છે અને છોગામાં એમના બાળકોનું શિક્ષણ પણ ખોરવાય છે.
રાજ્ય સરકારે ફરતા રેશનકાર્ડ જેવી સુવિધાઓ આપી છે.જેની મદદ થી તેઓ મજુરીના સ્થળે રાહત દરના સસ્તા અનાજનો લાભ લઈ શકે છે.પરંતુ ખરેખર કેટલો લાભ લેવાય છે એનો નક્કર અભ્યાસ કરીને મહત્તમ લાભ લેવાય એવી વ્યવસ્થા પ્રશાસન ગોઠવે તે ઈચ્છનીય છે.
  આ ઉપરાંત આદિવાસી પૂર્વ પટ્ટીમાં રોજગારની તકો ઉપલબ્ધ થાય તેવા આયોજનો જરૂરી બન્યા છે.
  ખાસ કરીને આ વિસ્તારને નર્મદાનું પાણી નથી મળતું ત્યારે સિંચાઇ ની વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા બારમાસી ખેતી સુલભ બનાવવાની જરૂર છે.
   જીઆઇડીસી રોજગારી આપે છે પરંતુ એની સાથે પ્રદૂષણ,શોષણ, નશાખોરી જેવા દુષણો પગપેસારો કરે છે.એટલે  પર્યાવરણ રક્ષક હોય એવા ઉદ્યોગોની આ વિસ્તારને જરૂર છે.
   રોજીરોટી માટે સ્વેચ્છાએ બહાર જવું અને મજબૂરી થી વતન છોડવું એ બંને વચ્ચે ઘણો ફરક છે.આ ફરક સમજીને આરોગ્ય,શિક્ષણ,લઘુત્તમ વેતનના દરો પ્રમાણે વળતર,સુરક્ષા જેવી બાબતોની સચોટ વ્યવસ્થા એ પણ આદિજાતિ કલ્યાણનો ભાગ જ ગણાય.
   આદિવાસીઓનો પરિશ્રમ ઉન્નતિ ની સુગંધ બને એની કાળજી લેવી એ સમાજ,સરકાર અને શિક્ષિત અને સંપન્ન આદિવાસી આગેવાનો,સૌ ની ફરજ છે.
બોક્સ
*હિજરતી પરિવારોના પ્રત્યેક સદસ્યનું નામ,ઉંમર,ફોટો,આધાર કાર્ડ નં, રોજગાર દાતાનું નામ,સચોટ સરનામું, આધાર કાર્ડ, સંપર્ક નંબર સહિતનો એક રેકોર્ડ અને ડેટા બેઝ ફિઝિકલ અને ઓનલાઇન બનાવવો જોઈએ*
ખરેખર તો આદિવાસી વિસ્તારોમાં હિજરતી શ્રમિક પરિવારોની સચોટ નોંધણી અને સંકલન કરે એવી સરકારી એજન્સી ની જરૂર છે.
   આપણે વિદેશ જઈએ તો મુશ્કેલીના સંજોગો માં ત્યાંના ભારતીય રાજ દૂતાવાસની મદદ લઈ શકીએ છે.
 એવી હીજરતી શ્રમિક નોંધણી એજન્સી બનાવવાની જરૂર છે.ગ્રામ પંચાયતો ની મદદ થી પ્રત્યેક ગામમાં થી દૂરના પ્રદેશોમાં મોસમી મજદૂરી માટે જતાં પરિવારોના પ્રત્યેક સદસ્ય નું નામ,ઉંમર,ફોટો,આધાર કાર્ડ નં.,રોજગાર દાતાનું નામ,સચોટ સરનામું,આધાર કાર્ડ,સંપર્ક નંબર સહિતનો એક રેકોર્ડ અને ડેટા બેઝ ફિઝિકલ અને ઓનલાઇન બનાવવો જોઈએ.
   જેથી સંકટના સમયે,કોઈ ગંભીર માંદગી,અકસ્માત, હુમલા જેવા બનાવો પ્રસંગે આ શ્રમિક પરિવારો ને તાત્કાલિક સહાયતા ઉપલબ્ધ કરાવી શકાય અને એમનો પરિશ્રમ સાર્થક થાય.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230526-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *