આમાં ક્યાંથી ભણે ગુજરાત..
તાત્કાલીક કામ પૂરું કરવા ગ્રામજનો દ્વારા માંગ.
સાગર નિર્મળ
એક તરફ ગુજરાત સરકાર શિક્ષણ માટે મસ્ત મોટા દાવા કરી રહી છે ત્યારે વંથલી તાલુકાના ધણફૂલીયા ગામની જર્જરિત પ્રાથમિક શાળાનું બાંધકામ રીપેરીંગ હાલ ખોરંભે ચડતા સ્થાનીક લોકોમાં ભારે રોસ જોવા મળી રહ્યો છે જ્યારે કોન્ટ્રાકટર દ્વારા કામગીરી અધૂરું મૂકી દેવાતા જિલ્લા પંચાયતના પ્રમુખને હાલ પત્ર પાઠવી આ કામને તાત્કાલિક પૂર્ણ કરવા માગણીઓ ઉઠવા પામી છે.
ધણફૂલીયા ગ્રામ પંચાયત દ્વારા પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે રૂ. 38 લાખના ખર્ચે 1 રૂમ, પ્લાસ્ટર, બારી બારણા, કલરકામ, ત્રણ ટોયલેટ બ્લોકનું કામ દિવાળી પહેલા કંપની દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ થોડો સમય કામ કર્યા બાદ આ કામગીરી કોઈ કારણોસર અધૂરી મૂકી દેવામાં આવી છે. છેલ્લા ત્રણ માસથી કામગીરી હાલ બંધ છે તેમજ થયેલ કામ પણ નિયમ વિરુદ્ધ લોટ પાણીને લાકડા જેવું કામ થયા હોવાના ગ્રામજનોએ આક્ષેપો કર્યાં છે. કરવામાં આવેલ પ્લાસ્ટરમાંથી પણ અત્યારે પોપડીઓ પડવા માંડી હોવાનું જાણવા મળેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ શાળામાં 250 જેટલા બાળકો અભ્યાસ કરે છે. કામ અધૂરું છોડી દેવાતાં બાળકોના અભ્યાસ પર પણ અસર પડી રહી છે. કામ અધૂરું મુકનાર કોન્ટ્રાકટર પર તાત્કાલિક પગલાં લઈ કામગીરી પૂર્ણ કરવા માગણીઓ ઉઠી રહી છે જો આ અંગે તાત્કાલીક યોગ્ય કરવામાં નહિ આવે તો આગામી સમયમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.


