Gujarat

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સપનાને સાકાર કરતી એક કડી સૌરાષ્ટ્ર તમિલ સંગમ છે : મંત્રી શ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર

સાગર નિર્મળ

સોમનાથના સાન્નિધ્યમાં સાગરદર્શન ઑડિટોરિયમ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ શૃંખલા અન્વયે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રીશ્રીએ આ કાર્યક્રમની રૂપરેખા અંગે માહિતી આપી હતી.

 

-ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંત અને તમિલનાડુ રાજ્ય વચ્ચેના સદીઓ જૂના સંબંધોની ઉજવણી કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે સાથે મળીને આગામી તા. ૧૭ એપ્રિલ થી 30 એપ્રિલ દરમિયાન “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમનું આયોજન કર્યું છે.

 

-સદીઓ પહેલા જ્યારે મોહમ્મદ ગઝની અને ત્યારબાદ અલ્લાઉદ્દીન ખીલજી જેવા આક્રાન્તાઓએ સોરઠના પર કરેલા અક્રમણોના કારણે સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી અનેક લોકો સ્થળાંતર કરી, તમિલનાડુના મદુરાઈના આસપાસના વિસ્તારોમાં જઈને સ્થાયી થયા હતા. આ લોકો સ્થાયી થયા બાદ સૌરાષ્ટ્રીયન તમિલ તરીકે ઓળખાયા.

 

-સૌરાષ્ટ્રથી તમિલનાડુમાં થયેલું આ સ્થળાંતર દુનિયામાં થયેલા સૌથી મોટા સ્થળાંતરોમાનું એક છે.

 

-સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના માધ્યમથી આ લોકોનું સદીઓના અંતરાલ પછી સૌરાષ્ટ્ર સાથે અનોખું પુનઃમિલન થશે, જે એક ઐતિહાસિક ઘટના હશે.

 

-સૌરાષ્ટ્ર તમિલ સંગમનો મુખ્ય કાર્યક્રમ સોમનાથમાં યોજાશે, જ્યારે પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજાશે.

 

-સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમથી બંને રાજ્યો વચ્ચે ભાષા, સંસ્કૃતિ, વારસો, સાહિત્ય, કલા, વ્યવસાય અને શિક્ષણ સહિતનું આદાન પ્રદાન થશે.

 

-જેના માટે ગુજરાતમાં વિવિધ સ્થળોએ ચિત્રકામ, સંગીત, ડ્રામા, પ્રદર્શન, લોકગાયન, હસ્તકલા, ભાષાના વર્કશોપ, રાંધણકલા, શોપિંગ ફેસ્ટીવલ, બિઝનેસ મીટ અને રમત ગમત વગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

 

-આ કાર્યક્રમ હેઠળ તમિલનાડુમાં વસતા સૌરાષ્ટ્રીયન લોકોને ૧૦ દિવસ માટે ગુજરાતના પ્રવાસે લાવવામાં આવશે. તેઓ ગુજરાતમાં સોમનાથથી દ્વારકા સુધીનો રોડ પ્રવાસ કરી વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે.

 

-આ પ્રવાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૦ દિવસ માટે ૧૦ ખાસ ટ્રેન દોડાવવામાં આવશે. જે તમિલનાડુના મદુરાઈથી સૌરાષ્ટ્રીયન તમિલ લોકોને ગુજરાતના સોમનાથ સુધી અને સોમનાથથી મદુરાઈ સુધી પહોંચાડશે.

 

-સૌરાષ્ટ્રીયન તમિલ લોકોને ગુજરાતમાં પધારવા માટે આમંત્રણ આપવા માટે અલગ-અલગ ૯ શહેરોમાં રોડ-શો કરવામાં આવ્યા હતા. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ મંત્રીશ્રીઓએ રૂબરૂ જઈને સૌને ગુજરાતમાં આવવા માટે આવકાર્યા હતા.

 

-સૌરાષ્ટ્રીયન તમિલ લોકો મુખ્યત્વે ચેન્નાઈ, મદુરાઈ, ડીંડીગુલ, પરમાકુડી, સાલેમ, કુમ્બકોણમ, તન્જાવુર, તિરૂનેલવેલી અને ત્રિચી શહેરની આજુ-બાજુમાં સ્થાયી થયા હતા.

આ સમુદાયના લોકો રેશમ કાપડની વણાટની કળામાં ખુબ જ પારંગત હતા, આજે પણ તેમની આ કલાની નોંધ સમગ્ર દેશમાં લેવાય છે.

 

-તાજેતરમાં જ રોડ શો દરમિયાન ગુજરાત સરકાર તરફથી મંત્રી શ્રી કુંવજીભાઈ બાવળીયાએ તન્જાવુર સ્ટેટના રાજાની રૂબરૂ મુલાકાત કરીને તેમને પણ ગુજરાતમાં પધારવા માટે આમંત્રણ આપ્યું હતું.

 

-વર્ષો પહેલા ત્યાના રાજાએ સૌરાષ્ટ્રીયન તમિલ લોકોને ત્યાં આસરો આપ્યો તે માટે ગુજરાતમાં તેમનું સન્માન પણ કરવામાં આવશે.

 

-થોડા દિવસો અગાઉ કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે આ કાર્યક્રમના લોગો, થીમ સોંગ અને રજીસ્ટ્રેશન પોર્ટલનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

 

-પોર્ટલ લોન્ચ કર્યાના માત્ર ૨૪ કલાકમાં જ લગભગ ૧૦ હજાર જેટલા લોકોએ ગુજરાતમાં આવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

 

-વર્ષો પહેલા તમિલનાડુમાં જઈને સ્થાયી થયા હોવા છતાં સૌરાષ્ટ્રીયન તમિલ લોકો આજે પણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથે જોડાયેલા છે. તેઓ આજે પણ દાદા સોમનાથ અને દ્વારકાના દર્શનાર્થે આવે છે.

 

-ત્યારે બંને રાજ્યો વચ્ચેના આ ઐતિહાસિક સબંધને વધુ મજબૂત કરવા માટે અને “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે આ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામ આવ્યું છે.

 

-આ કાર્યક્રમને લઈને તમિલનાડુમાં વસતા સૌરાષ્ટ્રીયન લોકોએ ખુબ જ ઉત્સાહ બતાવ્યો છે ત્યારે ગુજરાત સરકાર પણ તેમનું સૌરાષ્ટ્ર સાથે પુનઃ મિલન કરાવવામાં અને વર્ષો જુના આ સંબંધને ઉજવવામાં કોઈ કસર નહિ રાખે.

-કેન્દ્ર અને ગુજરાત સરકારે આ કાર્યક્રમને ભવ્યાતિભવ્ય બનાવવા માટે સંપૂર્ણ તૈયારીઓ પૂર જોશમાં કરી રહી છે.

Saurashtra-Tamil-Press-Conference-Pictures-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *