આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે આદિજાતિ વિકાસ વિભાગ રચિત ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર દ્વારા સંચાલિત તાલાલા (ગીર)ની કન્યા સાક્ષરતા નિવાસી શાળાની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ દરમિયાન મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે હળવી શૈલીમાં સંવાદ સાધ્યો હતો અને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.
મંત્રીશ્રીએ શાળાના આચાર્ય શ્રી ડૉ બી.જી.ઘંટિયા તથા સ્ટાફ સાથે મુલાકાત કરી અને શાળાની વિવિધ પ્રવૃત્તિઓ વિશે પરિચય મેળવ્યો હતો અને શૈક્ષણિક કાર્ય તપાસવાની સાથે જ ભૌતિક સુવિધાના વિકાસ અંગે પણ ચિતાર મેળવ્યો હતો. ઉપરાંત મંત્રીશ્રીએ શાળાના વર્ગખંડોમાં જઈને વિદ્યાર્થીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી અને જ્ઞાનવર્ધક સંવાદ સાધ્યો હતો. આ તકે મંત્રીશ્રી સાથે તાલાળાના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એચ.કે.વાજા તેમજ ડાયેટ પ્રાચાર્ય શ્રી વી.એમ.પંપાણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.