સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલામાં મહુવા રોડ ઉપર આશરે ચારેક કી.મી.દૂર અતિ પ્રાચીન વાવ આવેલ છે,જે એકાદ સદી પહેલાં ગીરધરલાલ જીવનલાલ પારેખ પરિવાર તરફથી બંધાવવામાં આવેલ, એટલે,” ગિરધર વાવ ” નામ રાખેલ.
આ પારેખ પરિવાર તરફથી બાજુમાં ધર્મશાળા પણ બંધાવી હતી. આ ધર્મશાળાની હાલત જીર્ણશિર્ણ થઈ ગયેલ. આ જર્જરિત ખંડેર થઈ ગયેલ ઇમારત ઉપર મૂળ કુંડલાના વતની અને મુંબઈ વસતા શ્રેષ્ઠીઓની નજર પડી અને આ જગ્યાને નવું ક્લેવર મળ્યું. શ્રી રામ વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા આ સ્થળે એકાદ વરસનાં ટૂંકા ગાળામાં ખૂબજ આધુનિક તમામ સુખ સુવિધાથી સભર બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યુ. જેમાં તરછોડાયેલા, લાચાર,નિરાધાર,પરતંત્ર વડીલ માતા પિતાઓને લાગણી અને હૂંફ આપી જીવન પર્યંત સાચવવામાં આવશે. જેને નામ મળ્યું છે, ગિરધર ઘર.
આ ઘરમાં એક રૂમમાં બે વ્યક્તિ રહી શકે એવી અટેચડ ટોઇલેટ બાથરૂમની સગવડ છે. સવારે ચા સાથે નાસ્તો, બે સમય ભોજન. સુંદર બગીચો, મન ને શાંતિ મળે તેવા વાતાવરણમાં મંદિરની સ્થાપના પણ કરવામાં આવી છે. આ ગિરધર ઘર વિશ્વ વિખ્યાત પૂ મોરારીબાપુનાં હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. હાલ ઘણાં જરૂરિયાતમંદ વૃદ્ધો રહે છે. જેમને એક એક ને અંગત મળીએ તો વેદનાનો દરિયો ઘૂઘવે છે. પોરબંદરનાં વયોવૃદ્ધ દંપતી જે બન્ને ૮૮ વર્ષના છે, સંતાનોમાં ફકત દીકરીઓ છે. દીકરીઓ તો પોતાની સાથે રાખવા ઈચ્છે છે પણ મન ત્યાં રહેવા માનતું નથી. બીજું એક દંપતી વેપારી વર્ગનું છે,૬૮ વર્ષના વડીલ પોતે મફતલાલ મિલમાં કામ કરતા, પોતાને બોન કેન્સર છે, એક દીકરો છે જે રખડુ છે. ખબર નથી કે અત્યારે ક્યાં હશે ! એક દીકરી ફલોરિડા અમેરિકામાં છે. જે ત્યાંથી મદદ મોકલ્યા કરે છે. મૂળ રોહીસા સાસરે અને પિયર મહુવામાં અને છેલ્લે ધંધાર્થે મુંબઈ વસેલા બેનનાં પતિ મૃત્યુ પામ્યા, બાદ બે દિકરાને જીવલેણ બિમારી લાગુ પડી એમની સારવારમાં મકાન વેચાઈ ગયું છતાં દીકરાઓ બચ્યા નહિ. હવે કોઈ નથી. સાવરકુંડલાની બે સગી બહેનોની કહાની પણ આવી જ છે. સૌથી કરુણાભરી કહાની અમરેલીનાં મિસ્ત્રીની છે. પોતે ૬૧ વર્ષનાં છે અને માતા ૮૮ વર્ષનાં જે કમરેથી વાંકા વળી ગયેલા છે, સાવ પરાધીન થઈ ગયા છે. જેના કારણે આ દીકરાને પણ આ વૃદ્ધાશ્રમમાં સાથે રહેવું પડે છે.આ કળિયુગમાં પણ શ્રવણ જીવે છે તે સાબિત કર્યું છે, આ પુત્રએ પોતે માતાની આજીવન સેવા કરવા લગ્ન જ કર્યા નથી. તેમને મોટા બે ભાઈઓ છે પણ અન્ય શહેરમાં વસે છે જેને પોતાની માતા કે ભાઈની ખર ખબર પૂછવાની પણ ફુરસદ નથી..!! આ તમામનાં નામ એમની ઓળખ જાહેર ન થાય અને તેમનું સ્વમાન જળવાઈ રહે તે માટે લખ્યા નથી.સાવ સામાન્ય લવાજમમાં અહી વી. આઇ.પી.સુવિધા આપવામાં આવે છે. કોઈ જરૂરિયાતમંદ વૃદ્ધો જેમને સાચવનાર કોઈ ન હોય તો તેમને અહી સંપર્ક કરી દાખલ કરી શકાય છે. આ માટે ટ્રસ્ટીશ્રી દિવ્યકાંતભાઈ સૂચક કોન્ટેક્ટ નંબર 98202 20120


