વિસાવદર તાલુકામાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત બાળકોને જન્મ થી ૧૮ વર્ષ સુધી આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. વર્ષ દરમિયાન શાળા/આંગણાવડી ખાતે જઈ બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવે છે. જેમાં બાળકોને જન્મ જાત ખામીઓ જેવી કે, ફાટેલા હોઠ, ફાટેલ તાળવું, ક્લબ ફૂટ, હૃદયની બીમારી વગેરે ગંભીર બીમારીઓનું શાળા આંગણવાડી ખાતે તથા ગૃહ મુલાકાત, ડિલિવરી પોઇન્ટ મુલાકાત દરમિયાન સ્ક્રીનીંગ કરી હાયર સેન્ટર ખાતે રિફર કરવામાં આવે છે.
ગત વર્ષ વિસાવદર તાલુકાનાં બાળકોને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની વિસાવદર તાલુકાની કુલ ૨ ટીમો દ્વારા તપાસણી કરવામાં આવી હતી. જેમા જય ભરતભાઇ વઘાસિયા નામના બાળકને જન્મજાત ત્રણ ખામીઓ હતી. જેવી કે, નયુરલ ટ્યુબ ડીફેક્ટ, કલેફ્ટ લીપ અને કલેફ્ટ પેલેટ, આ બાળકની મુલાકાત વિસાવદરની આરબીએસકે ટીમ દ્વારા તુરંત કરવામાં આવી હતી અને યોગ્ય સલાહ આપી સંદર્ભ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ બાળકને અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યું હતું. હાલ આ બાળકનું સ્વાસ્થ્ય ઘણું સારું છે. તદુપરાંત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમો દ્વારા બાળકોના પોષણ સબંધી તથા રસીકરણ સબંધી પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવે છે. આ જન્મજાત ગંભીર બીમારીઓ માટે જરૂરી સારવાર આર.બી.એસ.કે.પ્રોગ્રામ અંતર્ગત તેમને પૂરી પાડવામાં આવી હતી. તેમ વિસાવદર તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભેસાણીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
બાળકના પિતા ભરતભાઇ વઘાસિયાએ જણાવ્યું હતું કે, મારા બાળકને જન્મજાત ત્રણ ગંભીર ખામીઓ હતી. અમારા તાલુકાની આરબીએસકે ટીમના સભ્યો દ્વારા અમને આ રોગો વિષે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત અમોને તુરંત જ અમદાવાદ ખાતે રીફર કરવામાં પણ મદદ કરી હતી. જેના લીધે અમારા બાળકનું વ્યવસ્થિત રીતે સંપૂર્ણ સારવાર થઇ છે. અને હવે તેની તબિયત સારી છે. અમો આ કાર્યક્રમ અને ટીમના ડોકટરોના ખુબ જ આભારી છીએ. આ સેવાનો લાભ લેવા અન્યને પણ પ્રેરીત કરીશું.
