નિદ્રાધીન તંત્ર ક્યારે જાગશે :- સ્થાનિક અગ્રણી
અધિકારીઓને આંગણવાડીની મુલાકાત કરવા લેખીત રજુઆત.
સોની યોગેશ પી. સતીકુવર
વેરાવળ
06/03/2023
વેરાવળ બાગે રહેમત કલોની વિસ્તારની આંગણવાડીનાં સંચાલિકા બહેન પર આક્ષેપ કરતા સ્થાનીક લોકોએ જણાવ્યુ હતુ કે, આંગણવાડી અઠવાડિયામાં ચાર જ દિવસ ખૂલે છે 12 વાગ્યે બાળકોને છોડી મૂકે છે જ્યારે સોમવાર અને ગુરુવાર બાળકોને ફળ પણ આપવામાં આવતાં નથી તેમજ બાળકો આંગણવાડી પરથી જતાં રહે છે તો તેની પણ કાળજી રાખવામાં આવતી નથી અને વાલીની ફરિયાદની ગંભીરતા પણ લેવામાં આવતી ન હોવાની વિગતો જણાવી હતી, હાલ તો વાલીઓને પોતાનું વ્હાલસોયા સંતાનને આંગણવાડીમાં મોકલતા પણ ડર લાગતો હોવાનો અને તબાળકોની સલામતી અને સુરક્ષાનાં પ્રશ્ન પણ કરી રહ્યાં છે.
આંગણવાડીનાં તેડાગર બહેન બાળકોને ડરાવતા હોય અને રડવતા હોવાનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો છે અને સ્થાનીક લોકોની ફરિયાદથી જવાબદાર કર્મચારીઓ લાજવાને બદલે ગાજીને સામે જણાવી રહ્યા છે કે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો આખરે ભ્રષ્ટાચારનો પર્યાય બનવારાનાર આંગણવાડી વિભાગના આવા બેદરકાર કર્મચારીને કોણ છાવરી રહ્યુ છે તેની પણ વહિવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી જોઇએ.
બાળકોને નાસ્તો પૂરતા પ્રમાણમાં આપતા ન હોય અને બાળકોના યુનિફોર્મ પણ એક જ જોડી આપ્યા હોવાની વિગત સ્થાનીક લોકોએ જણાવી હતી તેમજ બાળકને તેડવા કે મૂકવા માટે પણ તસ્દી લેતા નથી. બીજી તરફ સરકારે લાખો રૂપિયાના ખર્ચે આપેલ રમકડાં પણ બાળકોને રમવા માટે મળતા ન હોવાનું સ્થાનીક લોકોએ જણાવ્યુ છે. જ્યારે સગર્ભા માતાઓને પણ પૂરતા પ્રમાણમાં પેકેટ મળતા નથી અને આંગણવાડીના કર્મચારીઓ મોબાઈલમાં જ સમય કાઢતા હોય ત્યારે બાળકોને કોના ભરોસે છોડવા એ પણ અહીં એક સવાલ છે?
હાલ તો આંગણવાડી કેન્દ્રો છાપરા વાળા મકાનમાં ચાલી રહ્યાં છે અને આંગણવાડી સંચાલિકાનાં સગા સબંધીઓને મસ્ત મોટા ભાડા પણ ચૂકવવામાં આવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે
એક તરફ ગૂજરાત સરકાર દ્વારા કુપોષણ મુક્ત ભારત અને સ્વસ્થ માતા સ્વસ્થ બાળક માટેની વિવિધ યોજનાઓ છેવાડાનાં લાભાર્થી સુધી પહોચાડવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે ત્યારે બેદરકાર તંત્રનાં જવાબદાર કર્મચારીની બેદરકારીને કારણે હાલ લોકો માંથી ક્યાંકને ક્યાંક સવાલો ઉઠી રહ્યાં છે. જો કે સામાન્ય રીતે
આંગણવાડીની મુલાકાત અઘિકારીઓએ કરવાની જ હોય છે પરંતુ અહીં તો કોઈ કારણોસર અધિકારીને સ્થાનીક લોકોએ લેખિતમાં રજૂઆત કરી મુલાકાત લેવા વિનંતી કરી છે.
લોકોની ફરિયાદને લઈને જો પ્રમાણીક અને નિષ્ઠાવાન અધિકારીને તપાસ શોપવામાં આવે તો મોટા ભ્રષ્ટાચાર અટકાવી શકવાની પણ શકયતા રહેલી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે નિદ્રાધીન તંત્ર જાગશે કે કેમ ? માસૂમ બાળકો માટે બેદરકાર કર્મચારી સામે પણ કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ?


