Gujarat

શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪  અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે આગામી તા.૨૨ એપ્રિલ સુધી અરજી કરી શકાશે  

જૂનાગઢ જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ધોરણ ૧ માં પ્રવેશ મેળવવા માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. જે અન્વયે જૂનાગઢ જિલ્લાની ૪૦૦ જેટલી ખાનગી શાળામાં ૧૬૮૪  જગ્યામાં નબળા અને વંચિત જૂથના બાળકોને નવા શૈક્ષણિક વર્ષ  ૨૦૨૩-૨૦૨૪ માટે પ્રવેશ મળશે.

બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણના અધિકારની કલમ ૧૨(૧) હેઠળ અંતર્ગત નબળા અને વંચિત જૂથોના બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થયેલો છે. જે મુજબ  જૂનાગઢમાં નબળા અને વંચિત જૂથોના બાળકોને ૨૫ ટકા મુજબ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ માં જૂન-૨૦૨૩ થી વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. 

જે બાળકોને ૧ જુન ૨૦૨૩ ના રોજ છ વર્ષ પૂર્ણ થતા હોય અને ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૧ માં અભ્યાસ ન કરેલો હોય તે આ યોજના હેઠળ પ્રવેશપાત્ર બને છે. આરટીઈ એક્ટ હેઠળ પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી  https://rte.orpgujarat.com વેબસાઈટ  પર તારીખ ૧૦/૪/૨૦૨૩  થી તારીખ ૨૨/૪/૨૦૨૩ દરમિયાન ફોર્મ ભરી શકશે. આ અંગેની જરૂરી વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪  માં જૂનાગઢ જિલ્લાની અંદાજે ૪૦૦ જેટલી ખાનગી પ્રાથમિક શાળામાં ૨૫ ટકા મુજબ ૧૬૮૪ જેટલી જગ્યા ઉપલબ્ધ છે. આ પ્રવેશ  બાબતે વાલીઓને માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા શિક્ષણ સમિતિ જૂનાગઢ ખાતે હેલ્પ સેન્ટર અને હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. જિલ્લા હેલ્પ લાઈન નંબર ૦૨૮૫- ૨૯૯૦૪૫  પર સંપર્ક કરવા જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *