શ્રી મહાદેવ કહે છે કે પ્રિયે ! ગીતાના વિશ્વરૂપ અધ્યાયના પાવન માહાત્મયને સાંભળો.ગીતાના અગિયારમા અધ્યાયનું પુરેપુરૂ વર્ણન થઇ શકે તેમ નથી,આ અધ્યાય સબંધી અનેક કથાઓ છે જે પૈકી એક કથા કહું છું.પ્રણીતા નદીના કિનારે મેઘંકર નામનું વિખ્યાત નગર હતું.નગરની ચારે બાજુ દિવાલો અને ઘણા જ મોટા દ્વાર બનાવવામાં આવ્યા હતા.ત્યાં મોટા મોટા વિશ્રામગૃહ બનાવવામાં આવ્યા હતા.આ નગરમાં શ્રીમાન સુખી શાંત સદાચારી તથા જીતેન્દ્રિય મનુષ્યો નિવાસ કરતા હતા.આ નગરમાં હાથમાં સારંગ નામનું ધનુષ્ય જેને ધારણ કરેલ છે તે જગદીશ્વર ભગવાન વિષ્ણુ જે પરબ્રહ્મ પરમાત્માના સાકાર સ્વરૂપ છે તે વિરાજમાન છે.
મેઘંકર નગરમાં સુનંદ નામનો એક શ્રેષ્ઠ બ્રાહ્મણ કે જે બ્રહ્મચર્ય પરાયણ,મમતા અને અહંકારથી રહિત,વેદ-શાસ્ત્રોમાં પ્રવીણ,જીતેન્દ્રિય,ભગવાન વાસુદેવનો શરણાગત હતા.સુનંદ દરરોજ શ્રીમદ ભગવદ ગીતાના અગિયારમા અધ્યાય વિશ્વરૂપ દર્શનનો પાઠ કરતા હતા,તેના પ્રભાવથી તેને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી,તેને ઉત્તમ જ્ઞાનમયી સમાધિના દ્વારા ઇન્દ્રિયોને અંતર્મુખ કરતાં નિશ્ચલ સ્થિતિની પ્રાપ્તિ થઇ અને જીવનમુક્ત યોગીની સ્થિતિમાં રહેતા હતા.
એકવાર મહાયોગી સુનંદે ગોદાવરી તીર્થની યાત્રા શરૂ કરી જેમાં અનેક સ્થાનોના દર્શન કરીને તે વિવાદમંડપ નામના નગરમાં આવે છે.આ નગરમાં દરેક ઘેર ફરીને રાત્રી રોકાણ માટે વિનંતી કરવા છતાં કોઇએ તેમને રહેવા માટે આશરો ના આપ્યો.છેલ્લે ગામના મુખીએ તેમને એક મોટી ધર્મશાળા બતાવી ત્યાં જઇને તે પોતાના સાથીઓ સાથે રોકાય છે.સવારમાં સુનંદ ધર્મશાળામાંથી બહાર આવે છે તો તેમના કોઇ સાથી દેખાતા નથી,જેથી વિહ્વળ થઇ તેમની શોધ કરતાં રસ્તામાં તેમને નગરના મુખી મળે છે.
મુખી કહે છે કે મુનિશ્રેષ્ઠ ! તમે દિર્ધાયુ લાગો છો,સૌભાગ્યશાળી તથા પુણ્યવાન પુરૂષોમાં તમે સૌથી પવિત્ર છો પરંતુ તમારા સાથીઓ ક્યાં ગયા? તેઓ આ ધર્મશાળામાંથી કેવી રીતે ગુમ થઇ ગયા? તેની તપાસ કરો. હું તો એટલું જ કહીશ કે મેં તમારા જેવો કોઇ તપસ્વી આજદિન સુધી જોયો નથી. વિપ્રવર ! તમારી પાસે કયા મહામંત્રનું જ્ઞાન છે? કંઇ વિદ્યાનો આશ્રય લઇને તથા કયા દેવની દયાથી તમોને અલૌકિક શક્તિ પ્રાપ્ત થઇ છે? હે બ્રાહ્મણદેવ ! કૃપા કરીને તમે અમારા નગરમાં રહો. હું તમારી તમામ પ્રકારની સેવા કરીશ.આ મુખીએ સુનંદને પોતાના ગામમાં સાત-આઠ દિવસ રોકી લીધા પછી એક દિવસ મુખી આવીને રડતાં રડતાં કહે છે કે ગઇકાલે રાત્રે રાક્ષસે મારા દિકરાને પોતાનો આહાર બનાવી લીધો.મારો પૂત્ર ઘણો જ ગુણવાન અને ભક્તિમાન હતો.
સુનંદે પુછ્યું કે આ રાક્ષસ ક્યાં છે? અને તમારા પૂત્રનું ભક્ષણ કેમ કર્યું? ત્યારે મુખી કહે છે કે બ્રાહ્મણદેવ ! આ નગરની બહાર એક મહાભયંકર નર-ભક્ષી રાક્ષસ રહે છે.તે દરરોજ આ નગરમાં આવીને અનેક મનુષ્યને ખાઇ જતો હતો એટલે એક દિવસ નગરવાસીઓએ ભેગા મળીને તેને પ્રાર્થના કરી કે હે રાક્ષસ ! તમે અમારી રક્ષા કરો,અમે તમારા ભોજનની વ્યવસ્થા કરીશું અને નગરમાં જે બહારના યાત્રિકો આવીને આ ધર્મશાળામાં રોકાય તેમને તમે ખાઇ જજો તેવી વ્યવસ્થા અમોએ નગરજનોની રક્ષા માટે કરી છે.આપ તમામ સાથીઓ સહિત આ ધર્મશાળામાં રોકાયા હતા તે રાત્રીએ રાક્ષસે આવીને તમારા તમામ સાથીઓને ખાઇ ગયો પરંતુ તમોને છોડી દીધા છે.
હે બ્રાહ્મણશ્રેષ્ઠ ! તમારામાં શું પ્રભાવ છે તે તો આપ જાણો.ગઇકાલે મારા પૂત્રનો મિત્ર આવ્યો હતો પરંતુ હું તેને ઓળખી શક્યો નહી,તે મારા પૂત્રને ઘણો જ પ્રેમ કરતો હતો પરંતુ અન્ય રાહગીરીઓની સાથે મેં તેને પણ આ ધર્મશાળા મોકલી દીધો.જ્યારે મારા પૂત્રે સાંભળ્યું કે મારો મિત્ર પણ પ્રવાસીઓ સાથે ધર્મશાળામાં ગયો છે તો તેના મિત્રને લેવા જાય છે ત્યારે રાક્ષસ આ બંન્નેને ખાઇ ગયો છે.આજે સવારે મેં ઘણા જ દુઃખી થઇને તે પિશાચને પુછ્યું કે હે દુષ્ટાત્મા ! તૂં ગઇકાલે રાત્રે મારા પૂત્રને ખાઇ ગયો છે જે અત્યારે તારા પેટમાં પડેલો છે,મારો પૂત્ર પુનઃજીવીત થાય તેવો કોઇ ઉપાય હોય તો મને બતાવ..
રાક્ષસે કહ્યું કે મુખીજી ! ધર્મશાળામાં આવેલા તારા પૂત્રને બહારની વ્યક્તિ સમજીને હું ખાઇ ગયો છું તે મારા ઉદરમાં જીવીત અને રક્ષિત રહી શકે તેવી વ્યવસ્થા વિધાતાએ પોતે કરી છે.જે બ્રાહ્મણ દરરોજ ગીતાના અગ્યારમા અધ્યાયનો પાઠ કરે છે તેના પ્રભાવથી મારી મુક્તિ થશે અને તારા પૂત્રને પણ પુનઃ જીવન મળશે.તમારા નગરમાં એક બ્રાહ્મણ આવ્યો છે.એક દિવસ મેં તેને ધર્મશાળાની બહાર જોયો હતો.તે નિરંતર ગીતાના અગ્યારમા અધ્યાયનો જપ કર્યા કરે છે તે આ અગિયારમા અધ્યાયના મંત્રોથી સાતવાર અભિમંત્રિત કરીને જળ મારી ઉપર છાંટશે તો નિઃસંદેશ મારો શ્રાપમાંથી ઉદ્ધાર થશે.રાક્ષસનો આવો સંદેશ સાંભળીને હું આપની પાસે આવ્યો છું.
ગ્રામપાલે કહ્યું કે હે બ્રાહ્મણ ! પહેલાં આ ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતા.એક દિવસ તે પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો,ત્યાંથી નજીક એક બહુ મોટો ગીધ કોઇ મુસાફરને મારીને ખાઇ રહ્યો હતો તે જ સમયે એક તપસ્વી ત્યાંથી પસાર થાય છે અને તેને રાહગીરીની દયા આવે છે.તપસ્વી નજીક આવતાં ગીધ રાહગીરીના શરીરને લઇને આકાશમાં ઉડી જાય છે તે સમયે તપસ્વી ખેડૂતને કહે છે કે હે દુષ્ટ ખેડૂત ! તને ધિક્કાર છે.તૂં ઘણો જ કઠોર અને નિર્દયી છે.બીજાની રક્ષા કરવાના બદલે ફક્ત પોતાનું પેટ ભરવાના ધંધામાં જ લાગેલો છે,તારૂં જીવન નષ્ટપ્રાય છે.
શક્તિ હોવા છતાં જે ચોર,દાઢવાળા જીવ, સાપ, શત્રુ, અગ્નિ, વિષ, જળ, ગીધ, રાક્ષસ, ભૂત કે વેતાળ વગેરે દ્વારા ઘાયલ થયેલા મનુષ્યની જે ઉપેક્ષા કરે છે તેને તેમના વધ કરવાનું ફળ મળે છે.જે શક્તિશાળી હોવા છતાં ચોર વગેરેના ચંગુલમાં ફસાયેલાને છોડાવવાનો પ્રયત્ન નથી કરતો તે ઘોર નરકમાં પડે છે અને ફરીથી ઘેંટાની યોનિમાં જન્મ લે છે.જે જંગલમાં ગીધ અને શિકારીની જાળમાં ફસાયેલા જીવની રક્ષા કરે છે તે પરમગતિને પ્રાપ્ત કરે છે.જે ગાયોની રક્ષા કરતાં કરતાં વ્યાઘ્ર,ભીલ કે દુષ્ટ રાજાઓના હાથે માર્યો જાય છે તે ભગવાન વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત થાય છે.તે દુષ્ટ ગિદ્ધ રાહગીરીને ખાઇ રહ્યો હતો તેને બચાવવા તૂં સમર્થ હોવા છતાં તેની રક્ષા નથી કરી એટલે સાબિત થાય છે કે તૂં નિર્દયી છે એટલે હું તને શ્રાપ આપું છું કે તૂં રાક્ષસ યોનિને પ્રાપ્ત થઇશ.ખેડૂત કહે છે કે મહાત્મા ! હું ત્યાં હાજર હતો પરંતુ મારૂં ધ્યાન ખેતરોના કામકાજમાં લાગેલું હતું એટલે મારી નજીકમાં જ ગિદ્ધે એક મનુષ્યનું મારણ કર્યું છતાં હું તેને બચાવી શક્યો ન હતો.આપે મને શ્રાપ આપ્યો છે તેની મુક્તિનો રસ્તો બતાવો.
તપસ્વી બ્રાહ્મણ કહે છે કે જે દરરોજ શ્રીમદ ભગવદગીતાના અગિયારમા અધ્યાયનો પાઠ કરે છે તે મનુષ્ય દ્વારા અભિમંત્રિત જળ જ્યારે તમારા મસ્તક ઉપર પડશે ત્યારે તમારો શ્રાપથી છુટકારો મળશે.આમ કહીને તપસ્વી બ્રાહ્મણ ચાલ્યા જાય છે અને ખેડૂતને રાક્ષસની યોનિ પ્રાપ્તિ થાય છે માટે હે દ્વિજ શ્રેષ્ઠ ! હવે તમે શ્રીમદ ભગવદ ગીતાના અગિયારમા અધ્યાયનો પાઠ કરી જળને અભિમંત્રિત કરી આ રાક્ષસ ઉપર છંટકાવ કરો.મુખીની પ્રાર્થના સાંભળી બ્રાહ્મણના હ્રદયમાં કરૂણા આવે છે.રાક્ષસની નજીક જઇ ગીતાના અગિયારમા અધ્યાયનો પાઠ કરી જળ અભિમંત્રિત કરી તેના મસ્તક ઉપર નાખતાં તે રાક્ષસ દેહ છોડીને ચતુર્ભુજરૂપ ધારણ કરે છે તેમજ તેને જે જે પ્રાણીઓનું ભક્ષણ કર્યું હતું તે તમામ પણ વિમાન ઉપર સવાર થઇ પરમગતિને પ્રાપ્ત થાય છે.
મુખી રાક્ષસને કહે છે કે હે નિશાચર ! આ બધામાં મારો પૂત્ર કોન છે? તે મને બતાવો, ત્યારે દિવ્ય બુદ્ધિવાળા રાક્ષસે કહ્યું કે આ જે તમાલ સમાન શ્યામ,મણીનો મુકુટથી જે સુશોભિત છે,જેમને દિવ્ય વિમાન ઉપર બેસીને જેમને દેવત્વ પ્રાપ્ત થયું છે તે તમારો પૂત્ર છે.તે સમયે મુખી પોતાના પૂત્રને પોતાના ઘેર લઇ જવા વિનંતી કરે છે ત્યારે તેમનો પૂત્ર ર્હંસીને કહે છે કે મુખીયાજી ! ઘણીવાર તમે પણ મારા પૂત્ર બન્યા છો,પહેલાં હું તમારો પૂત્ર હતો પરંતુ હવે હું દેવ બની ગયો છું.આ બ્રાહ્મણ દેવતાના પ્રસાદથી હવે હું વૈકુંઠમાં જઇશ.ગીતાના અગિયારમા અધ્યાયના માહાત્મયથી આ રાક્ષસ સહિત અમે તમામ શ્રી વિષ્ણુ લોકમાં જઇ રહ્યા છીએ માટે તમે પણ આ બ્રાહ્મણ દેવ પાસેથી ગીતાના અગિયારમા અધ્યાયનું અધ્યયન કરી નિરંતર તેનો પાઠ કરો જેનાથી તમારી પણ ઉત્તમ ગતિ થશે.
મનુષ્યોના માટે સાધુ પુરૂષોનો સંગ સર્વથા દુર્લભ છે.સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણના મુખથી કુરૂક્ષેત્રમાં અર્જુનને જે અમૃતમય ઉપદેશ આપ્યો હતો તેનું ચિંતન કરો.તે મોક્ષના માટે પ્રસિદ્ધ રસાયણ છે, સંસારના ભયથી ભયભીત થયેલા મનુષ્યોની આધિ-વ્યાધિનું વિનાશક છે તથા અનેક જન્મના દુઃખોનો નાશ કરનાર છે.
ભગવાન શંકર કહે છે કે આમ કહીને રાક્ષસ સહિત તમામ ભગવાન વિષ્ણુના પરમધામમાં ગયા. ત્યારબાદ મુખીએ બ્રાહ્મણના મુખથી ગીતાના અગિયારમા અધ્યાયને સાંભળી તેનો દરરોજ પાઠ કરી તે પણ વિષ્ણુધામમાં ગયા.આ અધ્યાયના શ્રવણમાત્રથી મહાન પાપોનો નાશ થાય છે.
ગીતાના અગિયારમા અધ્યાયનો સાર એ છે કે આ જગતને ભગવાનનું સ્વરૂ૫ માનીને પ્રત્યેક મનુષ્ય ભગવાનના વિરાટ સ્વરૂ૫નાં દર્શન કરી શકે છે.સ્વર્ગ અને આકાશ વચ્ચેનું સંપૂર્ણ આકાશ તથા તમામ દિશાઓ એકમાત્ર પરમાત્માથી પરીપૂર્ણ છે.ભગવાનનું સર્વવ્યાપક વિશ્વરૂપનું દર્શન કરીને અર્જુન સ્તુતિ કરે છે કે આપને આગળથી નમસ્કાર,પાછળથી નમસ્કાર,આપને બધી બાજુથી નમસ્કાર કરૂં છું.આપે આખા બ્રહ્માંડને એક સ્થાનમાં સમેટી રાખ્યું છે માટે સર્વ કાંઇ આપ જ છો.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


