Gujarat

શ્રીમદ ભગવદગીતાના દશમા અધ્યાયનું માહાત્મય

ભગવાન શિવ કહે છે કે દેવી ! હવે તમે શ્રીમદ ભગવદ ગીતાના દશમા અધ્યાયના માહાત્મયની પરમ પાવન કથા સાંભળો,જે સ્વર્ગરૂપી દુર્ગમાં જવા માટે સુંદર સોપાન અને પ્રભાવની ચરમ સીમા છે.

કાશીપુરીમાં ધીરબુદ્ધિ નામનો વિખ્યાત એક બ્રાહ્મણ હતો,જે મારા પ્રિય નંદી સમાન ભક્તિભાવવાળો હતો,તે શાંત ચિત્ત અને હિંસા,કઠોરતા અને દુઃસાહસથી દૂર રહેનાર હતો.જીતેન્દ્રિય હોવાના કારણે તે નિવૃત્તિ માર્ગમાં સ્થિત રહેતો હતો.તેને વેદરૂપી સમુદ્રનો પાર પામી લીધો હતો.તે તમામ શાસ્ત્રોના તાત્પર્યનો જ્ઞાતા હતો.તેનું ચિત્ત હંમેશાં મારા ધ્યાનમાં સંલગ્ન રહેતું હતું.તે મનને અંતરાત્મામાં લગાવીને હંમેશાં આત્મતત્વનો સાક્ષાત્કાર કર્યા કરતો હતો એટલે જ્યારે તે ચાલતો ત્યારે હું પ્રેમવશ તેની પાછળ પાછળ દોડીને તેને હાથથી સહારો આપતો હતો.આ જોઇને મારા પાર્ષદ ભૃંગિરિટિએ મને પુછ્યું કે ભગવાન ! આવી રીતે આપનાં કોને દર્શન કર્યા હશેઆ મહાત્માએ કયું તપ,હોમ કે જપ કર્યો છે કે સ્વંય આપ પગ-પગ ઉપર તેને પોતાના હાથથી સહારો આપી રહ્યા છો?

ભૃંગિરિટિનો આ પ્રશ્ન સાંભળીને મેં કહ્યું કે એક સમયની વાત છે.કૈલાશ પર્વતના પશ્ચિમભાગમાં પુન્નાગ નામના વનની અંદર ચંદ્રમાની અમૃતમયી કિરણોથી સ્વચ્છ થયેલ ભૂમિમાં એક વેદીનો આશ્રય લઇને હું બેઠો હતો.મારા બેઠા પછી ઓચિંતી ઘણી જ જોરથી વંટોળ આવે છે જેનાથી ત્યાંના વૃક્ષોની શાખાઓ ઉપર-નીચે થઇ ટકરાવવા લાગી.કેટલીક ડાળીઓ તૂટી પડે છે.પર્વતની અવિચલ છાયા પણ હલવા લાગી,ત્યારબાદ ત્યાં મહાન ભયંકર શબ્દ થયો.જેનાથી પર્વતની કંદરાઓમાં પ્રતિધ્વનિ થવા લાગી. ત્યારબાદ આકાશમાંથી કોઇ વિશાળ પક્ષી નીચે ઉતરે છે,જેની ક્રાંતિ કાળા મેઘ સમાન હતી.આ પક્ષીએ પૃથ્વીનો સહારો લઇને મને પ્રણામ કર્યા અને એક સુંદર નવીન કમળ મારા ચરણોમાં મુકીને સ્પષ્ટ વાણીમાં મારી સ્તુતિ કરી.

પક્ષી કહે છે કે દેવ ! આપની જય હો.આપ ચિદાનંદમયી સુધાના સાગર તથા જગતના પાલક છોહંમેશાં સદભાવનાથી યુક્ત છો,અદ્વૈતવાસનાથી પરીપૂર્ણ બુદ્ધિના દ્વારા આપ ત્રિવિધ મળોથી રહિત છો,આપ જીતેન્દ્રિય ભક્તોને આધિન અવિદ્યામય ઉપાધિથી રહિત,નિત્ય મુક્તનિરાકાર,નિરામય,અસિમ,અહંકાર-શૂન્ય,આવરણરહિત અને નિર્ગુણ છો.આપના ભયંકર લલાટરૂપી મહાસર્પના વિષની જ્વાળાઓથી આપે કામદેવને ભસ્મ કર્યો હતો આપની જય હો !!

આપ પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી દૂર હોવા છતાં પ્રામાણ સ્વરૂપ છો.આપને હું વારંવાર નમસ્કાર કરૂં છું.ચૈતન્યના સ્વામી તથા ત્રિભુવનરૂપધારી હું આપને પ્રણામ કરૂં છું.હું યોગિઓના દ્વારા ચુમ્બિત આપના તે ચરણકમલોની વંદના કરૂં છું,જે અપાર ભવપાપરૂપી સમુદ્રને પાર કરવામાં અદભૂત શક્તશાળી છે.મહાદેવ ! સાક્ષાત બૃહસ્પતિ પણ આપની સ્તુતિ કરવાની ઘૃષ્ટતા કરી શકતા નથી,સહસ્ત્ર મુખવાળા નાગરાજ શેષમાં પણ એટલી ચતુરાઇ નથી કે તે આપના ગુણોનું વર્ણન કરી શકે તો પછી મારા જેવા ઓછી બુદ્ધિવાળા પક્ષીની શું વિસતા છે. !

પક્ષી દ્વારા કરવામાં આવેલ આ સ્તોત્રને સાંભળીને મેં પુછ્યું કે વિહંગમ ! તમે કોન છોઅને ક્યાંથી આવ્યા છોતમારી આકૃતિ તો હંસ જેવી લાગે છે પરંતુ રંગ કાગડાને મળતો આવે છે,તમે શું પ્રયોજન લઇને અહીયાં આવ્યા છો તે મને બતાઓ..

પક્ષીએ કહ્યું કે દેવેશ ! મને બ્રહ્માજીનો હંસ જાનો.જે કર્મના લીધે મારા શરીરમાં આ કાળાશ આવી છે તે વાત સાંભળો.પ્રભુ આપ સર્વજ્ઞ છો એટલે આપનાથી કોઇ વાત છુપી નથી તેમછતાં આપ પુછો છો તો હું બતાવું છું કે ગુજરાતના સૂરત પાસે એક સુંદર સરોવર છે,જેમાં હંમેશાં કમળ ખિલેલા રહે છે તેમાંથી એક બાળ ચંદ્રમાના ટુકડા જેવા શ્વેત કમળનાળ લઇને હું તિવ્ર ગતિથી આકાશમાં ઉડી રહ્યો હતો તે સમયે અચાનક હું પૃથ્વી ઉપર પડ્યો.

જ્યારે હું હોંશમાં આવ્યો અને મારા નીચે પડવાના કારણને જાણી શક્યો નહી ત્યારે મનોમન વિચારવા લાગ્યો કે હું નીચે કેવી રીતે પડ્યોમારા પતનનું કારણ શું હશેપાકેલા કપૂર સમાન મારા શ્વેત શરીરમાં આ કાળાશ કેવી રીતે આવીઆવો વિચાર કરતો હતો ત્યાં જ કમળનાળમાંથી અવાજ સંભળાયો કે હંસ ! ઉભો થા.હું તને નીચે પડવાનું અને કાળા થવાનું બતાવું છું.ત્યારે હું ઉભો થઇને સરોવરની મધ્યમાં ગયો તો ત્યાં મેં પાંચ કમળોની વચ્ચે ઘેરાયેલી એક કમલિની જોઇ તેને પ્રણામ કરીને મેં પ્રદક્ષિણા કરી અને મારા પતનનું કારણ પુછ્યું.

કમલિનીએ કહ્યું કે કલહંસ ! તમે આકાશ માર્ગથી મને ઓળંગીને ગયા તે પાપના પરીણામ સ્વરૂપે તમે પૃથ્વી ઉપર પડ્યા છો અને તેના કારણે જ તમારા શરીરનો રંગ કાળો પડી ગયો છે.તમારા પડી ગયા પછી મને દયા આવી અને તમારી સમક્ષ ઉપસ્થિત થઇ છું.એક સમયે મારા મુખમાંથી નીકળેલ સુગંધથી સાઇઠ હજાર ભમરા સ્વર્ગલોકમાં ગયા છે.

હે પક્ષીરાજ ! મારામાં આટલો પ્રભાવ કેવી રીતે આવ્યો તેની કથા કહું છું જેને ધ્યાનથી સાંભળો.આ જન્મ પહેલાંના ત્રીજા જન્મમાં હું આ પૃથ્વી ઉપર એક બ્રાહ્મણની કન્યા હતી.તે સમયે મારૂં નામ સરોજવદના હતું.હું ગુરૂજનોની સેવા કરતી હતી.હંમેશાં એકમાત્ર પતિવ્રતના પાલનમાં તત્પર રહેતી હતી. એક દિવસની વાત છે.હું એક મેનાને ભણાવી રહી હતી જેના લીધે પતિસેવામાં વિલંબ થયો,જેનાથી મારા પતિ કોપાયમાન થયા અને મને શ્રાપ આપ્યો કે પાપિની ! તૂં મૈના બની જા.મૃત્યુ બાદ હું મૈના બની પરંતુ પાતિવ્રત્યના પ્રસાદથી મને મુનિઓના આશ્રમમાં આશ્રય મળ્યો.કોઇ મુનિ કન્યાએ મારૂં પાલનપોષણ કર્યું. હું જેના ઘરમાં હતી તે બ્રાહ્મણ દરરોજ વિભૂતિયોગ નામથી પ્રસિદ્ધ શ્રીમદ ભગવદ ગીતાના દશમા અધ્યાયનો પાઠ કરતા હતા અને હું તે પાપોને હરનાર અધ્યાયને સાંભળતી હતી.વિહંગમ ! સમય થતાં મેં મેનાના શરીરનો ત્યાગ કરી ગીતાના દશમા અધ્યાયના માહાત્મયથી સ્વર્ગલોકમાં પદ્માવતી નામની અપ્સરા થઇ અને હું પદ્માની પ્રેમી સખી બની ગઇ.

એક દિવસ હું વિમાનમાં બેસી આકાશમાં વિચરણ કરતી હતી તે સમયે સુંદર કમળોથી સુશોભિત આ રમણીય સરોવર ઉપર મારી દ્રષ્ટિ પડી અને જેવી નીચે ઉતરી જલક્રીડા શરૂ કરી તે જ સમયે દુર્વાસા મુનિ આવી જાય છે અને તેમને મને વસ્ત્રહીન અવસ્થામાં જોઇ લીધી.ભયના લીધે મેં કમલિનીનું રૂપ ધારણ કરી લીધું.મારા બે પગ બે કમળ બન્યા,બે હાથ પણ બે કમળ બની ગયા અને બાકીના અંગોની સાથે મારૂં મુખ પણ કમળનું બની ગયું.આવી રીતે હું પાંચ કમળો યુક્ત બની ગઇ.મુનિવર દુર્વાસાના નેત્રો ક્રોધાગ્નિથી બળી રહ્યા હતા.

મુનિવર દુર્વાસા બોલ્યા કે પાપિની ! તૂં આ રૂપમાં સો વર્ષ સુધી પડી રહેજે.આવો શ્રાપ આપીને તે ક્ષણભરમાં અંતર્ધ્યાન થઇ ગયા પરંતુ ગીતાના વિભૂતિયોગ નામના યોગાધ્યાયના માહાત્મયથી મારી વાણી લુપ્ત ના થઇ.મને ઓળંગવાના અપરાધમાત્રથી તમે પૃથ્વી ઉપર પડ્યા હતા.આજે મને મળેલ શ્રાપને સો વર્ષ પુરા થયા છે.મારા દ્વારા ઉત્તમ ગીતાના દશમા અધ્યાયને ગાવાથી આજે મારા શ્રાપની નિવૃત્તિ થઇ છે તેને શ્રવણ કરવાથી તમે પણ મુક્ત થઇ જશો.આમ કહીને પદ્મિનીએ સ્પષ્ટ તથા સુંદર વાણીથી ગીતાના દશમા અધ્યાયનો પાઠ કર્યો અને તે મુક્ત થઇ ગઇ.

આટલી કથા કહીને તે પક્ષીએ પોતાના શરીરનો ત્યાગ કર્યો અને તે પક્ષીએ ગીતાના દશમા અધ્યાયના પ્રભાવથી બ્રાહ્મણના ઘેર જન્મ લીધો.જન્મથી જ અભ્યાસ હોવાના કારણે બાલ્યાવસ્થાથી જ તેના મુખારવિંદથી હંમેશાં ગીતાના દશમા અધ્યાયનું ઉચ્ચારણ થતું હતું.દશમા અધ્યાયનું અર્થ-ચિંતનનું પરીણામ એ આવ્યું કે તે તમામ ભૂતોમાં સ્થિત શંખ-ચક્રધારી ભગવાન વિષ્ણુનું હંમેશાં દર્શન કરતો રહેતો હતો.તેની સ્નેહપૂર્ણ દ્રષ્ટિ જ્યારે કોઇ દેહધારીના શરીર ઉપર પડતી હતી તો તે ભલે શરાબી કે બ્રહ્મહત્યારો કેમ ના હોય તે મુક્ત થઇ જતો હતો.પૂર્વજન્મમાં કરેલ દશમા અધ્યાયના અભ્યાસ અને માહાત્મયથી તેને દુર્લભ તત્વજ્ઞાન પ્રાપ્ત થતાં તેને જીવનમુક્તિ મળે છે,એટલે હું તેને હાથનો સહારો આપી રહ્યો છું. હે ભૃગિરિટી ! આ ગીતાના દશમા અધ્યાયની મહામહિમા છે.

ભગવાન શિવ કહે છે કે પાર્વતી ! આ રીતે મેં ભૃંગિરિટીને જે પાપનાશક કથા કહી હતી તે આજે મેં તમોને કહી છે.નર હોય કે નારી અથવા કોઇપણ કેમ ના હોય આ દશમા અધ્યાયના શ્રવણમાત્રથી તેને તમામ આશ્રમોના પાલનનું ફળ પ્રાપ્ત થાય છે.

ગીતાના દશમા અધ્યાયનો સાર એ છે કે સંસારમાં જ્યાં પણ વિલક્ષણ,વિશેષતા,સુંદરતા,મહત્તા, બલવત્તા વગેરે જોવા મળે તેને ભગવાનનું જ માનીને ભગવાનનું ચિન્તન કરવું જોઇએ.ભગવાન વિદ્યા બુદ્ધિ યોગ્યતા સામર્થ્ય વગેરેથી જાણી શકાતા નથી પરંતુ જીજ્ઞાસા-શ્રદ્ધા-વિશ્વાસ અને ભગવદકૃપાથી જ જાણવામાં આવે છે.જે મનુષ્યો મને અજન્મા અનાદિ અને સર્વ લોકોનો મહાન ઇશ્વર જાણે છે તે બધા માણસોમાં જ્ઞાની છે અને તે સર્વ પાપોથી છુટી જાય છે.

ભગવાન કહે છે કે મારા સિવાય આ સંસારનું બીજું કોઇ કારણ કે કાર્ય નથી.સાત્વિક, રાજસ, તામસ ભાવ મારાથી જ થાય છે.પ્રાણીઓના બુદ્ધિ જ્ઞાન અસંમ્મોહ વગેરે અલગ-અલગ ભાવો મારાથી જ થાય છે. મારાથી જ  સ્મૃતિ-જ્ઞાન અને અપોહન થાય છે..નિરંતર મારામાં પરોવાયેલા અને પ્રેમપૂર્વક મને ભજનારા ભક્તોને હું એવો બુદ્ધિયોગ આપું છું કે જેનાથી એ ભક્તોને મારી પ્રાપ્તિ થાય છે,તે ભક્તો ઉપર અનુગ્રહ કરવા માટે જ તેમના અંતઃકરણમાં રહેલો હું પોતે અજ્ઞાનજનિત અંધકારને ઝળહળતા જ્ઞાનરૂપી દિપક દ્વારા નષ્ટ કરી દઉં છું.

તમામ પ્રાણીઓના આદિ-મધ્ય અને અંતમાં હું જ છું અને તમામ પ્રાણીઓના અંતઃકરણ(હ્રદય)માં સ્થિત આત્મા પણ હું જ છું..

 

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *