સત્ય તત્વના કારણે શોક કરવો યોગ્ય શા માટે નથી ? તેનું સમાધાન કરતાં ભગવાન શ્રીમદ ભગવદ ગીતા(૨/૧૨)માં કહે છે કે કોઇ કાળમાં હું નહોતો અને તૂં નહોતો તથા આ રાજા અને લોકો નહતા તેવું પણ નથી અને ભવિષ્યમાં હું તૂં રાજાઓ અને આ લોકો નહી રહીએ એવી વાત પણ નથી.લોકોની દ્રષ્ટિએ મેં જ્યાં સુધી અવતાર લીધો ન હતો ત્યાં સુધી હું કૃષ્ણરૂપે અને તૂં અર્જુનરૂપે બધાની સામે પ્રગટ ન હતા તેમ છતાં પહેલાં ન હતા તેવું નથી.
ભગવાને આત્મસ્વરૂપે સર્વેની નિત્યતા સાબિત કરીને અર્જુનને કહ્યું કે તૂં જેમના નાશની આશંકા કરી રહ્યો છે તે સર્વેનું અને તારૂં કે મારૂં કોઇપણ સમયે અસ્તિત્વ જ ન હતું એવું નથી.અત્યારના શરીરની ઉત્પત્તિ પહેલાં પણ આપણે સર્વે હતા અને હવે પછી ભવિષ્યમાં પણ હોઇશું.શરીરના નાશ થવાથી આત્માનો નાશ થતો નથી તેથી નાશની આશંકાથી આ સર્વેનો શોક કરવો યોગ્ય નથી.
દેહધારીઓના મનુષ્ય શરીરમાં જેમ બાળપણ-યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તેવી જ રીતે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે આ બાબતમાં ધીર પુરૂષ મોહિત થતો નથી.શરીરમાં ક્યારેય એક અવસ્થા રહેતી નથી તેમાં નિરંતર પરીવર્તન થતું રહે છે અને આ પરીવર્તન આત્મામાં થતું નથી.શરીર દ્રશ્ય છે અને આત્મા દ્રષ્ટા છે.દેહાન્તરની પ્રાપ્તિ થતાં સ્થૂળ શરીર તો છુટી જાય છે પરંતુ મુક્તિ પહેલાં સુક્ષ્મ અને કારણ શરીર છુટતાં નથી તેમની સાથે સબંધ ચાલુ રહે છે.
ધીર એ છે કે જેને સત-અસતનો બોધ થયો છે એવા ધીર મનુષ્યને મોહ થતો નથી.ઉંચ-નીચ યોનીઓમાં જન્મ થવાનું કારણ ગુણોનો સંગ છે.જીવ પોતાના કર્મોના ફળ ભોગવવા અનેક યોનીઓમાં જાય છે,સ્વર્ગ-નરકમાં જાય છે પરંતુ આત્મા એ જ રહે છે.જન્મવું મરવું એ શરીરનો ધર્મ છે.આપણે અનેક વસ્ત્રો બદલીએ છીએ પરંતુ આપણે બદલાતા નથી તેવી જ રીતે અનેક યોનીઓમાં જવા છતાં આપણી સત્તા નિત્ય નિરંતર જેમની તેમ રહે છે.આપણું જીવન કોઇ એક શરીરને આધીન નથી.અસંગ હોવાના લીધે આપણે અનેક શરીરોમાં જવા છતાં એ જ રહીએ છીએ પરંતુ શરીર સાથે તાદાત્મ્ય થવાના કારણે આપણે અનેક શરીર ધારણ કરતા રહીએ છીએ.
પ્રભુ ૫રમાત્મા જ સત્ય છે.અંતમાં અમારે તેમાં જ સમાવવાનું છે તેમનામાંથી જ સૃષ્ટિેની ઉત્પત્તિ થઇ છે અને તેમાં જ અંતમાં સમાઇ જાય છે.અમોને અમારા મૂળની વિસ્મૃત્તિ ના થઇ જાય એટલા માટે હરિ સ્મરણ આવશ્યક છે.સત્ય એક-નિત્ય અને અનંત છે તથા તમામનું આધાર સ્વરૂ૫ છે.
ભક્તજનો ૫રોપકારી હોય છે,તે માનવમાત્રને સંદેશ આપે છે કે હે માનવ..! આ સત્ય ૫રમાત્માનો બોધ કરી લે,તેમને જાણીને,માનનીને ભક્તિ કરી લે,તેનું જ નૂર ઘટ ઘટમાં સમાયેલું જોઇ,નફરતની તમામ દિવાલો પાડી દે અને ભાઇચારાની ભાવનાથી યુક્ત બની એક માનવ ૫રીવારનું અંગ બનીને રહે.
જ્ઞાનીઓ જગતને સત્ય માનતા નથી પણ સંસારને કલ્પિત માને છે.જગત સ્વપ્ન જેવું છે તેમ છતાં જેમ ખોટું સ્વપ્ન જીવને રડાવે છે તેમ ખોટું જગત પણ જીવને રડાવે છે.દાખલા તરીકે એક મનુષ્ય સૂતેલો હોય અને સ્વપ્નમાં વાઘ તેના પર હુમલો કરે અને તે રડવા માંડે પણ જો તરત જ જાગી જાય તો તેણે સમજાય છે કે ડરવાની જરૂર નહોતી. આ સ્વપ્નું ખોટું છે તે સમજાય ક્યારે? જયારે જાગી જઈએ ત્યારે.સર્વ વિષયોમાંથી જેનું મન ઉઠી ગયું છે તે જાગેલો છે.
સત્સંગ વગર જ્ઞાન મળતું નથી.સ્વ-રૂપનું (આત્મા)નું પરિપૂર્ણ જ્ઞાન એ એક જ સત્ય છે.એક બ્રહ્મ (પરમાત્મા) જ સત્ય છે.આ બ્રહ્મ સત્યસ્વરૂપ,ભેદથી રહિત પરિપૂર્ણ,આત્મસ્વરૂપ છે.પંડિતો તેને ભગવાન વાસુદેવ શ્રીકૃષ્ણ જેવા નામથી ઓળખે છે બાકી જગત મિથ્યા છે.
સદગુરૂએ મને સત્ય ૫રમાત્માનાં દર્શન કરાવ્યાં છે અને કહ્યું છે કે આ પ્રભુ પરમાત્મા સિવાય જે દ્દશ્યમાન માયા છે તે બધું અહી જ રહી જવાનું છે.સત્યલોકમાં તો ફક્ત જીવાત્મા જ ૫રમાત્માની નાવ બેસીને જાય છે.એક જ પ્રભુ ૫રમાત્મા જે તમામ જગ્યાએ વિદ્યમાન છે તેનું સ્મરણ કરવું જોઇએ. તમામ ધાર્મિક ગ્રંથોમાં ફક્ત સર્વવ્યાપી અવિનાશી અવ્યય અડોલ સનાતન પ્રભુની જ ચર્ચાઓ છે અને તેમને જ સત્ કહેવામાં આવે છે.અવિનાશી તો તેને જ જાણો કે જે જડ ચેતનમાં વ્યાપ્ત છે.આ અવિનાશીનો વિનાશ કરવામાં કોઇ સમર્થ નથી.
વિનોદભાઇ માછી નિરંકારી


