સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત બીજા દિવસે સૌરાષ્ટ્રીયન તમિલ ભગિની-બંધૂઓએ પ્રકૃતિના ખોળે વિહરતા સાવજને જોયા, જાણ્યા અને માંણ્યા હતાં. સાથો સાથ ગિરના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વૈભવથી પણ પરિચિત થયા હતાં.
ગીરની લઘુ આવૃત્તિ એવા ૪*૪ ચોરસ કિલમીટરમાં ફેલાયેલા દેવડિયા સફારી પાર્કમાં એશીયાઇ સિંહ ઉપરાંત દીપડા, હરણ, સાબર, નીલગાય વગેરે વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. અહીંયા ઔષધીય વૃક્ષોની સાથે અન્ય વૃક્ષોની વિવિધ પ્રજાતિઓ આવેલી છે. તેમજ રંગબેરંગી પક્ષીઓનું એટલું જ વૈવિધ્ય જોવા મળે છે. આજે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી થઈને આ દેવડીયા સફારી પાર્કમાં બસના માધ્યમથી સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવોઓએ સિંહ દર્શન કર્યા હતા.
આરએફઓ શ્રી સુનિલ પ્રજાપતિએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના માધ્યમથી સૌરાષ્ટ્રીયન તમિલ ભગિની બંધુઓ સાથેના સંબંધો સદીઓ બાદ પુનઃ જીવંત થયા છે. અહિ સોમનાથથી દરરોજ ૩૦૦ જેટલા મહેમાનોને દેવળીયા સફારી પાર્કની મુલાકાતનું આયોજન વનવિભાગ દ્વારા કરાયું છે. તમિલ બાંધવોને સૌરાષ્ટ્ર – ગીર સંસ્કૃતિના તેમજ સિંહદર્શનના આતિથ્ય માટેની પુરેપુરી તકેદારી રાખવામાં આવી છે
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી બનેલા એન.એસ.કુબેનદ્ર એ તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, અમારા પૂર્વજોની ભૂમિમાં આવીને અમે ખૂબ ખુશ છીએ. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને અનુલક્ષીને દેવળીયા સફારી પાર્ક તેમજ અમને અહીં ગુજરાતમાં મળેલા આવકારનો ભાવ અમે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી
અન્ય એક મહેમાન મુરૂગદાસ જણાવે છે કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં મળેલ આતિથ્ય સત્કાર અવિસ્મરણીય છે. સોમનાથ મહાદેવના દર્શન આરતી, એશિયાટીક સિંહ જોવાએ જીવનનો યાદગાર પ્રસંગ બની ગયો છે.
