સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આવેલા એસટી બસ સ્ટેશન પાસેના ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ પર ગુરુવારે સવારે એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને લઈને ઓવરબ્રિજ એક કલાક બંધ રહ્યો હતો. તો બી-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોચી વાહનો હટાવીને બ્રિજ પર ફરી વાહન વ્યવહાર શરુ કર્યો હતો.આ અંગેની વિગત એવી છે કે, ગોધરાથી પાલનપુર જતી એસટી બસ મોતીપુરાથી એસટી સ્ટેન્ડ પર આવતા સમયે ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ પર ચઢતા સમયે ઓવરબ્રિજ પરથી ઉતરતી કાર સાથે અકસ્માત સર્જાયો હતો. ઓવરબ્રિજ પર બંને વાહનો આડા થઇ જતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો અને ટ્રાફિક જામ થયો હતો. તો ઉતરતી કારને બચાવવા માટે એસટી બસે રોડ સાઈડ ફૂટપાથ પર બસ વાળી હતી, પરંતુ અકસ્માત ટાળી શકાયો ન હતો. જોકે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઇ ન હતી, પરંતુ એસટી સ્ટેન્ડ અને શહેરનો એકજ ઓવરબ્રિજ હોવાને લઈને ટ્રાફિકજામ થઇ ગયો હતો. જેને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા મોતીપુરાથી આવતા વાહનો બાયપાસ તરફ અને એસટી સ્ટેન્ડથી આવતી બસો અને શહેરનો ટ્રાફિક ટાવર ચોકમાં થઈને છાપરીયા ચાર રસ્તા તરફ થઈને ખેડ તસીયા તરફ વાળ્યો હતો. ટ્રાફિક ખુલ્લો થયા બાદ ક્રેન દ્વારા એસટી અને કારને ઘટનાસ્થળ પરથી ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતોઅકસ્માત અંગે બી-ડિવિઝન પોલીસને જાણ થતા ટ્રાફિક જામ દૂર કર્યા બાદ બંને વાહનો હટાવ્યા હતા. અકસ્માતગ્રસ્ત એસટી બસ એસટી ડેપોમાં લઇ જવાઈ હતી. તો કારને બી-ડિવિઝન પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સવારે સાડા આઠ વાગ્યે અકસ્માત બન્યો હતો. ટ્રાફિક ખુલ્લો કર્યા બાદ ટ્રાફિક સાડા નવ વાગે પૂર્વવત થયો હતો. જેને લઈને ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ પર અકસ્માતને લઈને એક કલાક બાદ ઓવરબ્રિજ ખુલ્લો થયો હતો
