સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા ગઈકાલે ઉતરાયણ નિમિત્તે લોકો દ્વારા ખૂબ હોંશથી પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જો કે પતંગ ઉડાડતી વખતે ધ્યાનમાં રાખવાની સાવધાની બાબત પણ લોકોને એન. જી. ઓ. તથા સંલગ્ન તંત્ર દ્વારા વિવિધ સૂચનાઓ જાહેર માધ્યમ દ્વારા આપવામાં આવેલ. ઘરની બહાર નીકળતી વખતે ખાસ કરીને દ્વિચક્રી વાહન પર સવાર થતી વખતે પણ પતંગની દોરીથી ઇજા ન પહોંચે તે માટે પણ સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ આ તો ઉતરાયણનું પર્વ અને એમાંય પાછું સાવરકુંડલા એટલે પતંગ રસિયાઓ પણ પતંગની મોજ ભરપૂર માણતાં જોવા મળ્યાં. જો કે આ પર્વ દરમિયાન દોરીથી ઇજા થવાના પંદરેક જેવાં કિસ્સાઓ જોવા મળેલ જેમાં બાર જેટલા ઈજાગ્રસ્તોને અહીં સાવરકુંડલાની સરકારી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવેલ જ્યારે ત્રણેક જેટલા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અમરેલી રીફર કરવામાં આવેલ. ધાયલ પક્ષીઓની સારવાર અર્થે કરુણા અભિયાન ૨૦૨૩ અંતર્ગત પશુ દવાખાનું સાવરકુંડલા અને પશુપાલન વિભાગ દ્વારા કાર્યરત અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ ૧૯૬૨ દ્વારા સંચાલિત કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ (ફરતું દવાખાનું જીરા એમવીડી) તેમજ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા દોરીથી ઘાયલ થયેલ પક્ષીઓની સારવાર પણ કરવામાં આવી રહી હતી. આમ સાવરકુંડલા શહેરમાં ઉતરાયણ નિમિત્તે આનંદ સાથે દુખદ બનાવો પણ જોવા મળ્યાં. સાવરકુંડલા શહેરમાં વિદ્યુત પૂરવઠો પણ ચાલું હોવાથી જીઈબીના કર્મચારીઓ અને અધિકારીઓ સતત ખડે પગે ફરજ બજાવતા જોવા મળેલ. પોલીસ વિભાગ દ્વારા પણ પેટ્રોલીંગ ચાલુ હતું.
