Gujarat

સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિરના સત્સંગીઓ ચારધામની યાત્રાએ.. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાના પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના સત્સંગીઓનો સંઘ ચારધામ સહિત વિવિધ ધાર્મિક સ્થળોની એક માસની યાત્રાએ તારીખ ૨૮/૪ થી પ્રસ્થાન થયો છે જે એક માસની ધાર્મિક યાત્રા પૂર્ણ કરી તારીખ ૨૮ / ૫  ના રોજ સાવરકુંડલા પરત ફરશે. આ યાત્રા સંઘ  સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સ્વામિ શ્રી બાલસ્વરૂપ સ્વામી અને પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીનાં સાનિધ્યમાં સાવરકુંડલા  સ્વામિનારાયણ મંદિરેથી રાધારમણ દેવ અને ઘનશ્યામ મહારાજનાં આશીર્વાદ સાથે પ્રસ્થાન થઈ વિવિધ ધાર્મિક સ્થળોના દર્શન કરતા કરતા ઉજ્જૈન, કાશી વિશ્વનાથ, ચિત્રકૂટ, અયોધ્યા , હરિદ્વાર, ઋષિકેશ,કેદારનાથ,બદ્રીનાથ, ગોકુલ ,મથુરા ,વૃંદાવન, યમનોત્રી, ગંગોત્રી સહિતના પાવિત્ર યાત્રાધામ સાથે નેપાળમાં પશુપતિનાથ મહાદેવના પણ દર્શન, પૂજન કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે.. આમ તો ગુજરાતી યાત્રાળુ માટે ચારધામની યાત્રા વિપરીત આબોહવા અને પ્રતિકૂળ હવામાનના કારણે  ખૂબ કઠિન ગણાતી હોય છે પરંતુ સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી સાવરકુંડલાનાં યાત્રાળુની ચારધામ યાત્રા ખૂબ સરળતાપૂર્વક ચાલી રહ્યાનું પૂર્વ નગરપતિ ડી.કે પટેલે  કેદારનાથથી જણાવ્યું હતું. યાત્રા પ્રવાસ દરમિયાન યાત્રાળુઓને  કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી વગેરે સ્થળોએ બરફ વર્ષાનાં આહ્લાદક અનુભવ સાથે કુદરતી સૌંદર્યનો  અદભુત નજારો માણવા મળ્યો હતો. વિવિધ ધર્મસ્થળોએથી સાવરકુંડલાના પૂર્વ નગરપતિ ડી.કે. પટેલ સાવરકુંડલામાં તેમના મિત્રો, સ્નેહીજનો, ટેકેદદારો પણ વિવિધ ધર્મસ્થળોના દર્શન કરી શકે તે માટે જે તે ધાર્મિક સ્થળોએથી દરરોજ સવારે વિડીયો મારફત સ્નેહી મિત્રોને ઘેર બેઠા ચારધામ દરમ્યાન વિવિઘ પવિત્ર યાત્રધામનાં દર્શન ,આરતી નો લાભ આપી રહ્યા છે. તારીખ ૨૮/૫ રોજ યાત્રાળુઓ સાવરકુંડલા પરત ફરશે અને સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિરમાં રાધા રમણ દેવ અને શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરી યાત્રાનું સમાપન કરશે. યાત્રા દરમિયાન યાત્રાળુઓએ સાવરકુંડલાના તમામ નગરજનો સુખ, સમૃદ્ધિ અને સુખાકારી મેળવતા રહે તે માટે દરેક ધાર્મિક સ્થળોએ પ્રાર્થનાઓ  કરી રહ્યા છે. તસવીરમાં સાવરકુંડલાનો યાત્રાળુ સંઘ કેદારનાથ મહાદેવ ખાતે દ્રષ્ટિ ગોચર થાય છે.

IMG-20230523-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *