Gujarat

સિંહ પરિવાર,અમારો કાયમી મહેમાન…-  પ્રતાપભાઇ ખુમાણ. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા કાઠી ક્ષત્રિય આગેવાન અને શિક્ષણવીદ્ પ્રતાપભાઇ ખુમાણ આ પ્રમાણે જણાવે છે. કાઠિયાવાડી પરંપરા મુજબતો કાઠી દરબારો પોતાની મહેમાનગતી માટે વખણાય છે. ત્યારે આ સિંહ પરિવાર પણ આ વાત જાણે સારી રીતે જાણતો હોય તેવું લાગે છે. તેમનું એકસો વીઘાનું ફાર્મ નાના ભમોદ્રા નજીક, સાવરકુંડલા થી ૬ કી.મી.નાં અંતરે આવેલ છે. જે આખી વાડીમાં શેરડીનો વાડ ઉભો છે. આ વાડમાં સિંહ પરિવાર કાયમી વસવાટ કરે છે. દરરોજ સવારે ૭.૦૦ આસપાસ નર સાવજ, સિંહણ અને ચાર યુવા એટલે કે પાઠડા સાવજ શેરડીના વાડમાં દાખલ થઈ જાય કારણકે વાડમાં દરરોજ પાણી છોડવામાં આવતું હોવાથી ખૂબજ ઠંડક હોય અને પીવા પણ મળી રહે. અને દરરોજ સાંજે ૭.૦૦ વાગ્યે વાડમાંથી બહાર નીકળી, આખી રાત આજુબાજુ શિકાર શોધવા ફર્યા કરે. અને આ વિસ્તારમાં રોજડા, ભૂંડ ઉપરાંત રેઢિયાળ ઢોર આસાનીથી શિકાર બની જાય છે એટલે આ પરિવારે આ વિસ્તારને પોતાની ટેરીટરી બનાવી દીધી છે.સાવરકુંડલામાં  અમરેલી હાઇવે બાય પાસ નજીક આવેલ જુની લાઈટ હાઉસની આશરે ૧૦૦ વીઘા જમીન કેટલાય વર્ષોથી પડતર પડી છે જેમાં આખું જંગલ થઈ ગયું છે. એટલે તેમાં ઘણાં પ્રાણીઓ નીલ ગાય, ભૂંડ, દીપડા, રેઢિયાળ ઢોર વસે છે એટલે આ સિંહ પરિવાર રાત્રે નાના ભમોદ્રાથી ૭ કીમી દૂર આવેલ આ જગ્યાએ મારણ માટે રખડે છે અને સવાર પડતા જ પરત પ્રતાપભાઇની માલિકીનાં શેરડીના ફાર્મમાં પહોંચી જાય અને આખો દિવસ અંદર પડ્યા રહે છે. દરરોજ શેરડીની કટાઈ ચાલુ જ હોય છે, અને ત્રીસ જેટલા મજૂર બહેનો આખો દિવસ કાપણી કરતા હોય છે પણ કોઈ દિવસ આ સિંહ પરિવારમાંથી એક પણ સિંહ ક્યારેય બહાર આવતો નથી કે ભુંકતો પણ નથી. આ બહેનો પણ જાણે સિંહ પરિવાર એક બીજાના પરિચિત હોય તેમ સહેજ પણ ડર રાખ્યા વગર પોતાનું કામ કરતા રહે છે. અને આ ખુમાણ પરિવાર સિંહ પ્રેમી અને તેમનાં સરંક્ષણ પ્રત્યે ખૂબજ પ્રયત્નશીલ હોવાથી, ક્યારેય કોઈ પણ વ્યક્તિને પોતાના આ ફાર્મમાં સિંહ દર્શન માટે આવવાની સખત મનાઈ છે. અને આ પરિવારની દરરોજની જીવન શૈલીમાં સહેજ પણ કોઈ અડચણ ન આવે તેની કાળજી રાખે છે.

IMG-20230517-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *