પાટણ
સિદ્ધપુર હાઇવે ઉપર ગોકુલ મીલની સામેની સાઈડે રાત્રે ચાલતા-ચાલતા હાઇવે રોડ પસાર કરતાં ૪૨ વર્ષનાં એક પ્રૌઢને એક ફોરવ્હીલર ગાડીના ચાલકે ટક્કર મારતાં તેમને ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવની વિગતો એવી છે કે, સિદ્ધપુર તાલુકાના સુજાણપુરા ગામના એક વ્યક્તિની ટ્રકમાં વર્ધીઓ કરવાનું કામ કરતા રામારામ મંછારામ ગરાસીયા રે. રાજસ્થાન (ઉ.વ.૪૨) સવારે ટ્રક લઇને માલ ખાલી કરીને પરત સિદ્ધપુર આવીને ટ્રક ગાડીને ગોકુલ મિલ પાસે પાર્ક કરીને એ સાઇડેથી હાઇવેને ચાલતા પસાર કરતાં હતાં. ત્યારે કોઇ ફોરવ્હીલર ગાડીએ તેમને ટક્કર મારતાં ગંભીર ઇજા થઇ હતી. તેમને ૧૦૮માં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાંથી તેમને પાટણની ધારપુર સિવિલમાં ખસેડાયા હતા. તેમનું સવારે મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ તેમના ભાઇ શેરારામ મંછારામને થતાં તેઓ તથા પરિવારજનો દોડી આવ્યા હતા ને સિદ્ધપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
