સુરત
સુરતમાં ગઈકાલે વાવાઝોડું ફુંકાયું હતું. જેમાં ઠેર ઠેર ઝાડ પડવાના બનાવો પણ સામે આવ્યા હતા. આ દરમિયાન સરથાણા વિસ્તારમાં ચાલી રહેલા એક્સપોનો ડોમ તૂટી પડ્યો હતો. તૂટીને આ ડોમ ૧૯ વર્ષીય યુવક પર પડ્યો. યુવકના છાતીના ભાગે ડોમ પાડવાની ઘટનાને લઈ ગંભીર ઈજાના કારણે યુવકનું મોત થયું છે. સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી શિવધારા સોસાયટીમાં ૧૯ વર્ષીય દિવ્યાંશુ વિરેન્દ્રભાઈ મોરડીયા તેમના પરિવાર સાથે રહેતો હતો. મૂળ બોટાદના અનિડા ગામનો મોરડિયા પરિવાર વર્ષોથી સુરતમાં રહે છે. પરિવારનો દીકરો દિવ્યાંશુએ ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ તે ઇલેક્ટ્રીક બાઈકની કંપનીમાં બાઈક સર્વિસનું કામ કરતો હતો. સરથાણા વિસ્તારમાં આવેલા રીંગરોડ પાસે સેવક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક એક્સ્પો અને પુસ્તક વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે ડોમ ઉભા કરી તેમાં સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આ એક્સપોમાં ઈલેક્ટ્રીક બાઈકની કંપની દ્વારા સ્ટોલ રાખવામાં આવ્યો હતો. જેમાં દિવ્યાંશુ પણ જાેડાયો હતો અને ઈલેક્ટ્રીક બાઈક વિશે માહિતી આપતો હતો. પરંતુ દિવ્યાંશુંને એ વાતની જાણ નહીં હતી કે આ એક્સપો તેના જીવનનો છેલ્લો એક્સપો હશે. ગત રોજ સાંજે મીની વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને ભારે પવન ફુંકાઈ રહ્યો હતો. જેમાં આ એક્સપોનો ડોમ પણ તૂટી પડ્યો હતો. દિવ્યાંશુ જ્યારે ઘરે નીકળવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે જ આ ડોમ તેના પર પડ્યો હતો. આ ભારે ભરખમ ડોમ દિવ્યાંશુની છાતી પર પડવાને કારણે તેને ગંભીર ઈજા થઈ હતી.ઘટના બનતા સ્થળ પર હાજર સાથી કર્મચારીઓ અને મિત્રો દિવ્યાંશુને લઈને ખાનગી હોસ્પિટલમાં ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો દિવ્યાંશુના મૃતદેહને લઈને સ્મીમેર હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે લઈ ગયા હતા. જ્યાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો. આ કરૂણ ઘટનાને લઈ સમગ્ર પરિવાર શોકમાં મુકાયો છે.