સુરત
સુરતના ઉમરા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ૩૮ વર્ષીય પરિણીતા રિસ્પેશનિસ્ટની નોકરી માટે બિલ્ડરની ઓફિસ ગઈ હતી, જ્યાં ત્રણ સંતાનના પિતા એવા બિલ્ડરે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પોલીસે બિલ્ડર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના અડાજણ પાલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ ૫ વર્ષ પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા બાદ મહિલા પોતાની માતા સાથે રહેતી હતી. મહિલાને નોકરીની જરૂરિયાત હોવાથી તેણે મિત્ર મારફતે પાર્લે પોઇનટ સ્થિત એક રિયલ એસ્ટેટ એજન્સીમાં રિસ્પેશનિસ્ટની નોકરી હોવાની જાણ થઈ હતી. આથી મહિલા નોકરી માટે રિયલ એસ્ટેટ એજન્સીની ઓફિસ ગઈ હતી.આ દરમિયાન એજન્સીના માલિકે મહિલા સાથે આડી અવળી વાતો કર્યા બાદ હાથ પકડી લીધો હતો અને બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મ બાદ મહિલાને ‘જાે કોઈને કહીશ તો તારું જીવન બગાડી નાંખીશ અને તને કોઈ નોકરીએ નહીં રાખે’ તેવી ધમકી પણ આપી હતી. આ મામલે મહિલાએ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
