સુરત
સમગ્ર વિશ્વમાં આજે સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પર્યાવરણને બચાવવાની સાથે સાથે શરીરને તંદુરસ્ત રાખતા સાયકલ ટુ વર્ક અભિયાનને વેગ આપવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા મહિનામાં પ્રથમ શનિવારે કર્મચારીઓ સાયકલ પર ઓફિસ આવે દરેક પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. સાયકલ ટુ વર્ક અભિયાનની શરૂઆત કરાવતા મેયર પોતાના નિવાસસ્થાનેથી કચેરી સુધી સાયકલ ચલાવીને પહોંચ્યા હતા.સુરત મહાનગરપાલિકા દ્વારા દરેક વ્યક્તિઓને સાયકલ ચલાવવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે. ત્યારે આ અનુરોધના પ્રથમ તબક્કામાં જ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સાયકલ ચલાવીને ઓફિસ આવવા માટે સૂચના આપવામાં આવી હતી. કર્મચારીઓને સુરત સ્માર્ટ સિટીની વેબસાઈટ પર નોંધણી કરાવવાની રહી હતી. સાથે જ પર્યાવરણ સંરક્ષણ અને ટ્રાફિક પાર્કિંગ સમસ્યાના નિરાકરણ માટે આ પહેલ મદદરૂપ થશે. કર્મચારીઓને પોતાની સાયકલ ચલાવતા ફોટો અને વિડિયો સોશિયલ મીડિયામાં પણ અપલોડ કરવાના રહેશે.સુરતના મેયર હેમાલી બોધાવાલાએ જણાવ્યું હતું કે, સાયકલથી તંદુરસ્તી મળે છે. વ્યક્તિના શરીરને તંદુરસ્ત બનાવે છે. સાથે સાથે સાયકલથી પર્યાવરણને પણ તંદુરસ્ત રાખવામાં સરળતા મળે છે. કારણ કે, વાહનો પ્રદૂષણ ફેલાવે છે. જ્યારે સાયકલ તંદુરસ્તી, આર્થિક, સામાજિક, માનસિક રીતે આપતી હોવાથી દરેક વ્યક્તિએ સાયકલ જરૂર ચલાવવી જાેઈએ તેમ વધુમાં જણાવતા કહ્યું કે, મહાનગરપાલિકા દ્વારા સાયકલ ટ્રેક ઊભા કરવામાં આવ્યા છે. સાયકલ ચલાવવા માટેની વ્યવસ્થા પણ નાગરિકો માટે કરવામાં આવી છે. જેનો લાભ દરેક વ્યક્તિએ લેવો જાેઈએ.