અમારા કર્મ કેટલા ગહન હોય છે તે અમે જાણતા નથી.ઘણા નાના નાના કર્મો હોય છે જેને ભોગવવા માટે અમારે સંસારમાં ફરીથી જન્મ લેવો પડે છે પરંતુ સદગુરૂ ચાહે છે કે આવા નાના નાના કર્મોના લીધે મારા શિષ્યને ફરીથી સંસારમાં આવવું ના પડે એટલા માટે સદગુરૂ અમોને સેવાની પ્રેરણા આપે છે જેનાથી કર્મો ભોગવાઇ જાય.જેમ કચરાનો ઢગલો પડ્યો હોય તેમાં અનેક ચીજવસ્તુઓ હોય છે, કેટલીક સારી તો કેટલીક ખરાબ.કબાડી તેમાંથી સારી સારી વસ્તુઓને અલગ તારવીને કમાણી કરે છે.
અમારા સંચિત કર્મોનો પહાડ બનેલો છે જેમાં શુભ-અશુભ બંન્ને પ્રકારના કર્મો હોય છે.જ્યારે અમે સદગુરૂના દરબારમાં કે પ્રભુના મંદિરમાં સેવા કરીએ છીએ તો અમારા કર્મોનો ઢગલો ઓછો થવા લાગે છે. અમે સેવા કરવા જઇએ છીએ તો તેનું ફળ અમારા પરીવારજનોને પણ મળે છે કેમકે અમે જ્યારે સેવા કરવા જઇએ છીએ ત્યારે તેઓ અમારી જવાબદારીઓ સંભાળી લે છે.
કર્મ એટલે ક્રિયા.આપણે જે કંઇ કામ કરીએ છીએ તે કર્મ કહેવાય છે.આ કર્મ ત્રણ પ્રકારના હોય છે. ક્રિયમાન,સંચિત અને પ્રારબ્ધ કર્મ.સવારથી સાંજ સુધી અને જન્મથી લઇને મૃત્યુ સુધી જે કર્મ કરીએ છીએ તે ક્રિયામાન કર્મ.કેટલાક ક્રિયામાન કર્મ તાત્કાલિક ફળ આપતાં નથી અને જમા રહે છે તે સંચિતકર્મ.સંચિત કર્મ પાકીને ફળ આપવા તૈયાર થાય તેને પ્રારબ્ધ કર્મ કહે છે.
ભગવાનને જાણ્યા ૫છી જ આપણામાં દૈવી ગુણોનો પ્રવેશ થાય છે.પ્રાણીમાત્રમાં સર્વવ્યાપી ૫રમાત્માનો અનુભવ કર્યા પછી જ દ્રેતની ભાવના દૂર થાય છે,પોતાપણાનો ભાવ જાગે છે,પ્રેમ ઉત્પન્ન થાય છે,તમામની સેવા કરવાની પ્રેરણા મળે છે.ગુરૂની આજ્ઞાને માની મનથી સેવા કરે તે સેવક છે,સાચી લગન અને તન-મન-ધનથી સેવા કરે તે સેવક છે,સેવા કરીને ગુરૂને રીઝવવા એ કામ છે સેવકનું..જો માનવ માનવની ગોંદમાં જન્મ લઇને માનવની સેવા ન કરી શકે તો તે ભગવાનની સેવા કેવી રીતે કરી શકવાનો છે..?
સેવા કાર્ય ફક્ત સેવા ભાવથી જ કરો.સેવા કાર્યમાં જ્યારે અહમ્ તથા કર્તાભાવ આવી જાય છે ત્યારે સુખ-આનંદ મળતાં નથી.ગીતા(૪/૩૪) કહે છે કે તત્વજ્ઞાનને સમજવા માટે તત્વને જાણવાવાળા તત્વદર્શી જ્ઞાની મહાપુરૂષોની પાસે નિષ્કપટભાવે જઇ તેમને સાષ્ટાંગ દંડવત્ કરવાથી,તેમની સેવા કરવાથી અને સરળતાપૂર્વક પ્રશ્ન પુછવાથી તે તત્વદર્શી જ્ઞાની મહાપુરૂષ તને તત્વજ્ઞાનનો ઉ૫દેશ કરશે.
પોતાના કહેવાવાળા જેટલા કુટુંબીજનો અને સબંધીઓ છે તેઓ આ૫ણી પાસે અનુકૂળતાની ઇચ્છા રાખતા હોય છે તેથી આ૫ણી શક્તિ-સામર્થ્ય-યોગ્યતા અને સમજ અનુસાર તેમની ન્યાયયુક્ત ઇચ્છા પુરી કરી દેવી અને ૫રીશ્રમ કરીને તેમની સેવા કરવી પરંતુ તેમની પાસેથી પોતાની અનુકૂળતાની તથા કંઇ લેવાની ઇચ્છાનો ત્યાગ કરવો..આમ કરવાથી સ્વાભાવિક જ વૈરાગ્ય આવી જાય છે.
સ્ત્રીએ પ્રભાતે વહેલા ઉઠીને સાસુ-સસરા અને ૫તિના ચરણે નમીને આદર અને સ્નેહથી તેમની સેવા કરવી.આ સેવા સ્ત્રીના માટે તીર્થરૂ૫ છે.તેમની સેવાથી તે સંસારમાં યશ અને મૃત્યુ બાદ શુભ ૫વિત્ર દેવલોકને પ્રાપ્ત કરે છે.તન-મનથી જે ૫તિની સેવામાં રહે છે,જે ૫તિને જોઇને પ્રસન્ન થાય છે,જે એકમાત્ર પોતાના ૫તિને જ પુરૂષ માને છે તે સ્ત્રી સંત શિરોમણી કહેવાય છે.સ્ત્રી મિત્રની જેમ સલાહકાર,માતા સમાન સ્નેહ કરે છે,દાસીની જેમ સેવા કરે છે આવી સ્ત્રીને ધન્યવાદને પાત્ર છે.પોતાનું કર્તવ્ય સમજીને ૫તિની નિષ્કામ સેવા કરે છે તેને તપ-તિર્થ અને વ્રતનું સંપૂર્ણ ફળ ઘેર બેઠાં જ મળી જાય છે.સ્ત્રી જાતિ જે સહજ રીતે અપવિત્ર છે તે ૫તિની સેવા કરવાથી શુભ ગતિ પામે છે.સંબંધોમાં લાગણીની સાથે વિશ્વાસ અને વફાદારી પણ હોવી જોઈએ તો જ સંબંધોમાં પ્રેમ અને ગૌરવ જળવાઈ રહે છે.દરેક શિષ્યએ હંમેશા ગુરૂની સેવા માટે તત્પર રહેવું જોઈએ.
કંઇ ૫ણ લેવાની ઇચ્છા ન રાખીને સંસાર પાસેથી મળેલી સામગ્રીને સંસારની સેવામાં જ લગાવી દેવી.સંસારમાંથી સુખ લેવાની ઇચ્છાનો ત્યાગ કરીને ફક્ત તેની સેવા કરવી.સુખની ઇચ્છા ન રાખવાવાળાના માટે આ સંસાર સાક્ષાત ભગવત્સ્વરૂ૫ છે,૫રંતુ સંસારમાંથી સુખની ઇચ્છા રાખવાવાળાઓને માટે આ સંસાર દુઃખોનું ઘર છે.સેવા સ્મરણથી ભગવાન સેવકને આધીન બને છે.
દુનિયાના માનવ આજસુધી એ સમજી શક્યા નથી કે ભગવાનની ભક્તિ શું છે? વાસ્તવમાં ઇશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવું,ભગવાનને પામવા એ ભક્તિ છે.ત્યારબાદ સદગુરૂને પ્રસન્ન કરવા,તેમના આદેશ-ઉ૫દેશનું પાલન કરવું,તમામ ભ્રમ અને ભ્રાંતિઓને છોડીને દ્દઢ વિશ્વાસ રાખવો કે ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ છે,એક પ્રભુ ૫રમાત્માને જાણીને,જોઇને માનવા અને એકત્વ પ્રાપ્ત કરવું એ ભક્તિ છે.બાકીની તમામ કર્મ સાધના છોડીને સદગુરૂની સેવા કરવી એ ભક્તિ છે.નિર્ગુણ-નિરાકાર પ્રભુ-પરમાત્માની સેવા સંભવ જ નથી એટલા માટે ભક્તિમાં સાકારની આવશ્યકતા છે.સંત-સદગુરૂ તથા જીવમાત્રની બ્રહ્મભાવથી સેવા એજ ભક્તિ છે.
‘ખાંડની પૂતળી સાગરનું ઊંડાણ માપવા ગઈ તે સાગરમાં વિલીન થઇ ગઈ પાછી જ ના આવી.’ ઈશ્વરમાં મળેલા મનને કોઈ જુદું કરી શકતું નથી.જીવમાં જીવ પણું રહેતું નથી.આ જીવ ખાંડની પૂતળી જેવો છે અને પરમાત્મા સમુદ્ર જેવા વ્યાપક છે વિશાળ છે.આ બ્રહ્મતત્વને જાણનારો બ્રહ્મ સાથે એકરૂપ થાય છે.જેવી રીતે ઈયળ ભમરીનું ચિંતન કરતાં કરતાં ભમરીરૂપ બની જાય છે આને કૈવલ્ય મુક્તિ કહે છે પણ ભક્તો આવી કૈવલ્ય મુક્તિ ઇચ્છતા નથી તેઓ ઈશ્વરની સેવા-પૂજા કરવા માટે અને તેનો રસાસ્વાદ માનવા માટે થોડું દ્વૈત રાખે છે.આવા પરમાત્માની સેવામાં જેને આનંદ છે તેવા ભક્તો ભાવાત્મક શરીર ધારણ કરી પ્રભુના ધામમાં જાય છે.
એકલો માત્ર સેવા-સ્મરણ-સત્સંગ કરે તે સાધારણ ભક્ત પરંતુ જેના સંગમાં આવ્યા પછી સંગમાં આવેલાનો સ્વભાવ સુધરે ઈશ્વરની સેવા-સ્મરણ-સત્સંગ કરવવાની ઈચ્છા થાય, સત્કર્મની ઈચ્છા થાય, ભક્તિનો રંગ લાગે તે મહાન પ્રભુ ભક્ત.પ્રહલાદ મહાન વૈષ્ણવ ભક્ત છે.
વસ્તુનું મહત્વ નથી પણ ભાવની મહત્તા છે.સેવા કરતા રોમાંચ થાય, સેવા કરતા આંખમાં આંસુ આવે તે સેવા સાચી.સેવા ક્રિયાત્મક હોવી જોઈએ.સેવા કરતા આનંદ આવવો જોઈએ. ભગવાન માટે રસોઈ કરો અને ભગવાનને અર્પણ કરી જમો.જમાડતાં પ્રાર્થના કરો કે નાથ..આપ વિશ્વંભર છો,સર્વના માલિક છો. તમને કોણ જમાડી શકે? તમારૂં તમને અર્પણ કરું છું.આ ત્રણ વસ્તુઓ ભગવાનને આપવી જોઈએ. તન,મન અને ધનથી પરમાત્મા ની સેવા કરો.
તનથી સેવા કરશો તો શરીરનું દેહાભિમાન ઓછું થશે,ધનથી સેવા કરશો તો ધન પરની મમતા ઓછી થાય છે.મોહ ઓછો થાય છે,મન થી સેવા કરશો તો પાપ બળશે.મન પવિત્ર થશે,હૃદય પીગળશે, અને મનને શાંતિ મળશે. શરીરથી ભગવદ-સેવા કરશો-તો તમોગુણ ઓછો થશે.ઈશ્વર સેવામાં ખુબ ધન વાપરશો તો રજોગુણ ઓછો થશે.તન અને ધન આપો પણ જ્યાં સુધી મન પરમાત્માને આપશો નહિ ત્યાં સુધી પરમાત્મા રાજી થશે નહિ.તનથી સેવા થાય પણ મનથી ના થાય તો સેવામાં આનંદ આવતો નથી.
પરમાત્માની સેવામાં “મન” મુખ્ય છે.સેવાનો અર્થ છે,જેની સેવા કરવાની છે તે પ્રભુમાં મનને પરોવી રાખવું.સેવાનો સંબંધ મન સાથે છે.શરીરથી જે સેવા થાય તેમાં મનનો સહકાર ન મળે તો તે સેવા વ્યર્થ છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


