અહેવાલ સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
સૌરાષ્ટ્ર તમિલ સંગમના છઠ્ઠા દિવસે આજે તમિલ બંધુઓ- ભગિનીઓએ સોમનાથ ખાતે આવેલ શ્રી મહાપ્રભુજીના બેઠકજી, શ્રી ઓમકારેશ્વર મહાદેવ, શ્રીકૃષ્ણ ચરણ પાદુકા મંદિર, શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ, શ્રી બળદેવજી મંદિર, શ્રી ગીતા મંદિર સહિતના વિવિધ મંદિરોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
તમિલનાડુના શિવગંગા જિલ્લામાંથી આવેલા શિવારમણજીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમ એ સરકારનો ખૂબ જ ઉમદા પ્રયાસ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમને આ કાર્યક્રમમાં સહભાગી થવાનો મોકો આપ્યો એ બદલ અમે એમના આભારી છીએ. સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં ખુબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે. અહિયાં અલગ અલગ કાર્યક્રમો અને એમાં પણ ખાસ રાત્રિનો સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ જ સરસ હતો. મહાભારત, રામાયણ, ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન રામ સાથે સંકળાયેલા સ્થળોના ઇતિહાસ વિશે આજે જાણકારી મેળવી છે. આજે આ બધા સ્થળોની રૂબરૂ મુલાકાત લઈને આપણા ભવ્ય ઇતિહાસ વિશેની જાણકારી મેળવી અને એ ખરેખર સાચો છે એવું લાગી રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખુબ જ સારું કાર્ય કરી રહ્યા છે. અમે ભારત સરકાર અને ગુજરાત સરકારના ખૂબ જ આભારી છીએ.