Gujarat

સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈનમાં ગ્રામસભાના હોદ્દેદારોને પણ જોડાયા  

લેપ્રસી એટલે કે રક્તપિત્ત રોગ વિશે સમાજમાં ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. તેના માટે જૂનાગઢ જિલ્લામાં સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. વર્ષ-૨૦૩૦ સુધીમાં રક્તપિત્ત મુક્ત સમાજના નિર્માણ માટે ગ્રામ્ય સ્તરની સાથે સાથે જુદા-જુદા માધ્યમો-કાર્યક્રમો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

     આપણા સાંસ્કૃતિક વારસાના ધરોહર સમા સાધુ-સંતોની સાથે પૂજ્ય મહાત્મા ગાંધીએ પણ રક્તપિતના દર્દીઓની સેવા માટે આહલેક જગાવી હતી. ત્યારે તા. ૩૦ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી લેપ્રસી રોગને નેસ્તોનાબૂદ કરવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં ગ્રામ પંચાયત અને તેના હોદ્દેદારોને પણ જોડવામાં આવ્યા છે. તા.૩૦મી જાન્યુઆરીએ જિલ્લામાં મળેલી ગ્રામસભાઓમાં પણ રક્તપિત્ત રોગ વિશેની ગેરમાન્યતાઓ દૂર કરવા માટે  અને તેની સારવાર માટેનો જનજાગૃતિલક્ષી સંદેશ પાઠવવામાં આવ્યો હતો. ઉપરાંત કલેકટર શ્રી રચિત રાજના રક્તપિત્ત નાબૂદી માટેના પ્રેરક સંદેશનું પણ વાંચન કરવામાં આવ્યું હતું.

     આ અભિયાન અંતર્ગત લેપ્રસી અંગેની જાગૃતિ લાવવા માટે ટોક શો, શાળાઓમાં સ્પર્ધા, રેલી, પોસ્ટર-બેનર અને સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત  આશા બહેનો અને આરોગ્ય કાર્યકરો દ્વારા પણ રૂબરૂ જઈ જનજાગૃતિ ફેલાવવામાં આવશે.

રક્તપિત કોઈ પાપબૂરી નજર કે કોઈ ગ્રહ પીડાથી નથી થતો

    રક્તપિત રોગ કોઈ પાપનું પરિણામ કે બુરી નજર કે કોઈ ગ્રહ પીડાના લીધે થતો નથી પરંતુ બેક્ટેરિયાથી થતો ધીમો ચેપી રોગ છે. જે ચામડી અને બહારની ચેતાઓ પર અસર કરે છે.

રક્તપિત્તના નવા દર્દીને સારવાર દરમિયાન માસિક રૂ.૮૦૦ની સહાય

    રક્તપિતના નવા દર્દીઓને સારવાર દરમિયાન માસિક રૂ. ૮૦૦ની સહાય આપવામાં આવે છે. સાથે જ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનું નિ:શુલ્ક સારવાર માટેનું કાર્ડ પણ આપવામાં આવે છે. લેપ્રસીના દર્દીઓમાં પગમાં સંવેદનાનો અભાવ હોય તો વર્ષમાં બે જોડી માઇક્રો સેલ્યુલર રબર શૂઝ પણ દર્દીને વિનામૂલ્ય આપવામાં આવે છે. ચાંદા પડેલ હોય તો અલ્સર કીટ આપવામાં આવે છે. જેથી દર્દી સેલ્ફ ડ્રેસિંગ કરી શકે. ઉપરાંત રક્તપિત્તના લીધે શરીરમાં વિકૃતિની શરૂઆત હોય તો વિનામૂલ્યે ઓપરેશન પણ કરી આપવામાં આવે છે. આમ, કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા માટે દર્દીઓ માટે જરૂરી તમામ સાધન-સહાય આપવામાં આવે છે.

   ઉપરાંત લેપ્રસી સંબંધિત કોઈ જાણકારી કે સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ હેઠળના જિલ્લા લેપ્રસી કેન્દ્ર-રૂમ નંબર ૧૦૧માં સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા લેપ્રસી અધિકારી શ્રી ચંદ્રેશ વ્યાસે જણાવ્યું હતું.

રક્તપિત ના લક્ષણો અને નિદાન સારવાર વિશે જાણો

     રક્તપિતના રોગમાં ચામડી પર આછું ઝાખું અથવા રતાશ પડતું બહેરાશવાળું ચાઠું હોય શકે છે, ચેતાતંતુમાં સોજો આવે અને દુખાવો થવો, ચામડી ચળકતી, તૈલી અને લીસી જણાય કે, કાનની બુટ્ટી જાડી થાય અને ભ્રમરના વાળ ખરી પડે તેવા લક્ષણો જોવા મળે છે.

     રક્તપિત્તનું નિદાન અને સારવાર તદ્દન વિનામૂલ્યે કરવામાં આવે છે. વહેલા નિદાનથી હાથ પગ કે આંખની વિકૃતિ પણ અટકાવી શકાય છે. આ સારવારનો સમયગાળો સામાન્ય રીતે ૬ થી ૧૨ મહિના જેટલો હોય છે.

raktpit-khas-lekh-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *